સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/અલૌકિક આસક્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જગતમાં માબાપનો પ્રેમ મેં જેવો જાણ્યો છે તેવો કોઈએ નહીં જાણ્યો હોય. મારા પિતા ઝીણાંમાં ઝીણાં કામ પણ નોકરચાકર પાસે નહીં, પણ મારી પાસે જ કરાવતા. પાણી જોઈતું હોય કે પગ ચાંપવાના હોય, કંઈ પણ કામ હોય કે મને બૂમ પાડી જ છે. મારા તરફ એમની આસક્તિ કંઈક અલૌકિક હતી. તે દિવસે હંમેશની રીત પ્રમાણે હું પગ દાબતો હતો. પગ દાબતાં દાબતાં એમ વિચાર થયા કરે કે આજે છૂટી મળી જાય તો બહુ સારું — નાટક જોવાય. કહેવા ગયો, “બાપુ…” પણ બાપુ સાંભળે શેના? જાણી ગયા ખરા કે આજે છોકરાનું ચિત્ત ક્યાંક ચોટેલું છે. બીજી વાર કહ્યું, “બાપુ, આજે ભારે નાટક છે,” તોયે જવાબ ના મળ્યો. પણ મને તે દિવસે એવો તો મોહ લાગ્યો હતો કે હું ચેતું શેનો? ત્રીજી વાર કહ્યું, “આજે ભારે નાટક છે, બાપુ, જોવા જાઉં?” “જ…જાઓ” એ શબ્દ એમના મોંમાંથી નીકળ્યા, પણ એનો અર્થ “ના જાઓ” એમ જ હતો. છતાં આપણે તો ગયા. નાટકનો પહેલો જ પડદો ખૂલેલો હતો, અને હું તો નાટકનો ભારે રસ લેવાને તત્પર થઈ રહેલો હતો. તેવામાં ઘેરથી એક જણે આવીને ખબર આપ્યા, “બાપુ તો ઘેર રોઈને માથું કૂટે છે.” હું તરત નીકળી આવ્યો. ઘેર જઈને બાપુની માફી માગી. કંઈ પણ બોલ્યા નહીં. એક પણ કડવો શબ્દ કહ્યો નથી. પોતે જ રોઈને, માથું કૂટીને પોતાનો અણગમો બતાવ્યો. તે દિવસથી, તેમની જિંદગીમાં તો મેં કદી નાટક નથી જોયો.