સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/કયું વિશેષણ વાપરવું...?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


[આશ્રમના અગાઉના એક વિદ્યાર્થી વિનાયક નરહર ભાવે એક વર્ષ અગાઉ તબિયતને કારણે આશ્રમમાંથી બહાર ગયેલા. પછી પત્રમાં પોતાની પ્રવૃત્તિનો અહેવાલ આપીને એમણે જણાવ્યું કે થોડા વખતમાં તે આશ્રમમાં પાછા ફરશે. “આપે પોતે મને કાગળ લખવો જોઈએ એમ ‘વિનોબા’નો—આપને પિત્રુતુલ્ય સમજનારા આપના પુત્રનો—અત્યાગ્રહ છે.” તેના જવાબમાં: ૧૦-૨-૧૯૧૮] તમારે સારુ કયું વિશેષણ વાપરવું એ મને ખબર નથી. તમારો પ્રેમ અને તમારું ચારિત્ર મને મોહમાં ડુબાવી દે છે. તમારી પરીક્ષા કરવા હું અસમર્થ છું. તમે કરેલી પરીક્ષાનો હું સ્વીકાર કરું છું. અને તમારે વિશે પિતાનું પદ ગ્રહણ કરું છું. મારો લોભ તમે લગભગ સંતોષ્યો જણાય છે. મારી માન્યતા છે કે ખરો પિતા પોતાથી વિશેષ ચારિત્ર્યવાન પુત્રને પેદા કરે છે. ખરો પુત્ર એ કે જે પિતાએ કર્યું હોય તેમાં ઉમેરો કરે. પિતા સત્યવાદી, દૃઢ, દયામય હોય તો પોતે તે ગુણો વિશેષે પોતાનામાં ધરાવે. આવું તમે કરેલું જોવામાં આવે છે. એ તમે મારા પ્રયત્ને કર્યુર્ં છે, એમ તો મને જણાતું નથી. એટલે તમે મને જે પદ આપો છો તે તમારા પ્રેમની ભેટ તરીકે સ્વીકારું છું. તે પદને લાયક બનવા પ્રયત્ન કરીશ. અને જ્યારે હું હિરણ્યકશ્યપ નીવડું ત્યારે પ્રહ્લાદ ભક્તની જેમ મારો સાદર નિરાદર કરજો. તમને ઈશ્વર દીર્ઘાયુ બનાવો અને તમારો ઉપયોગ હિંદની ઉન્નતિને સારુ થાઓ, એમ ઇચ્છું છું.