સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/કીમતી ભેટસોગાદો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લડાઈના કામમાંથી છૂટા થયા પછી મને લાગ્યું કે હવે મારું કામ દક્ષિણ આફ્રિકામાં નથી પણ દેશમાં છે. મિત્રવર્ગની ખેંચ દેશ આવવા તરફ ચાલુ હતી. મને પણ ભાસ્યું કે દેશ જવાથી મારો ઉપયોગ વધારે થઈ શકશે. મેં સાથીઓ આગળ મુક્ત થવાની માંગણી કરી. ઘણી મુસીબતે એ માગણીનો શરતી સ્વીકાર થયો. શરત એ હતી કે, એક વર્ષની અંદર જો કોમને મારી જરૂર જણાય તો મારે પાછું દક્ષિણ આફ્રિકા જવું. ઠેકઠેકાણે માનપત્રો આપવાની સભાઓ થઈ, અને દરેક ઠેકાણેથી કીમતી ભેટો આવી. ભેટોમાં સોનાચાંદીની વસ્તુઓ તો હતી જ, પણ તેમાં હીરાની વસ્તુઓ પણ હતી. આ બધી વસ્તુઓનો સ્વીકાર કરવાનો મને શો અધિકાર હોય? એનો સ્વીકાર કરું તો કોમની સેવા હું પૈસા લઈને નહોતો કરતો એમ મારા મનને કેમ મનાવું? આ ભેટોમાં, થોડી અસીલોની બાદ કરતાં બાકીની બધી કેવળ મારી જાહેર સેવાને અંગે જ હતી. વળી મારે મન તો અસીલો અને બીજા સાથીઓ વચ્ચે કશો ભેદ નહોતો. મુખ્ય અસીલો બધા જાહેર કામમાં મદદ દેનારા હતા. આ ભેટોમાં એક પચાસ ગીનીનો હાર કસ્તૂરબાઈને સારુ હતો. પણ એને મળેલી વસ્તુ પણ મારી સેવા અંગે હતી, એટલે તેને નોખી તારવી ના શકાય. જે સાંજે આમાંની મુખ્ય ભેટો મળી હતી તે રાત્રિ મેં બાવરાની જેમ જાગીને ગાળી. મારા ઓરડામાં આંટા માર્યા કર્યા. પણ કંઈ ગૂંચ ઊકલે નહીં. સેંકડોની ભેટો જતી કરવી એ ભારે પડતું હતું. રાખવી એ વધારે ભારે લાગતું હતું. હું કદાચ ભેટો જીરવી શકું, પણ મારાં બાળકોનું શું? સ્ત્રીનું શું? તેમને શિક્ષણ તો સેવાનું મળતું હતું. સેવાનું દામ લેવાય નહીં, સેવાનું ફળ સેવામાં જ છે, એમ હંમેશાં સમજાવવામાં આવતું હતું. ઘરમાં કીમતી દાગીના વગેરે હું નહોતો રાખતો. સાદાઈ વધતી જતી હતી. આવી સ્થિતિમાં સોનાની ઘડિયાળો કોણે વાપરવી? સોનાના અછોડા ને હીરાની વીંટીઓ કોણે પહેરવાં? ઘરેણાંગાંઠાંનો મોહ તજવા ત્યારે પણ હું બીજાઓને કહેતો. હવે આ દાગીના ને ઝવેરાતનું મારે શું કરવું? મારાથી આ વસ્તુઓ ન જ રખાય, એવા નિર્ણય ઉપર હું આવ્યો. પારસી રુસ્તમજી ઇત્યાદિને આ દાગીનાઓના ટ્રસ્ટી નીમી તેમના પર લખવાનો કાગળ ઘડ્યો, ને સવારમાં સ્ત્રીપુત્રાદિની સાથે મસલત કરી મારો ભાર હળવો કર્યો. ધર્મપત્નીને સમજાવવાનું મુશ્કેલ પડશે એ હું જાણતો હતો. બાળકોને સમજાવવામાં મુદ્દલ મુશ્કેલી નહીં આવે એવી મને ખાતરી હતી. તેમને વકીલ નીમવાનો વિચાર કર્યો. બાળકો તો તુરત સમજ્યાં. “અમારે એ દાગીનાઓનું કામ નથી. આપણે તે બધું પાછું જ આપવું. ને કદાચ આપણને એવી વસ્તુ જોઈતી હશે તો આપણે પોતે ક્યાં નથી લઈ શકતાં?” આમ તેઓ બોલ્યાં. હું રાજી થયો. “ત્યારે તમે બાને સમજાવશો ને?” મેં પૂછ્યું. “જરૂર, જરૂર. એ અમારું કામ. એને ક્યાં દાગીના પહેરવા છે? એ તો અમારે સારુ રાખવા ઇચ્છે. અમારે એ ન જોઈએ પછી એ શાની હઠ કરે?” પણ કામ ધાર્યા કરતાં વસમું નીવડ્યું. “તમારે ભલે ખપ ન હોય, તમારા છોકરાઓને ભલે ન હોય. બાળકોને જેમ ચડાવો તેમ ચડે. ભલે મને પહેરવા ન દો, પણ મારી વહુઓનું શું? એમને તો ખપ આવશે? અને કોણ જાણે છે કે કાલે શું થશે? એટલા હેતથી આપેલી વસ્તુઓ પાછી ન દેવાય.” આમ વાગ્ધારા ચાલી ને તેની સાથે અશ્રુધારા મળી. બાળકો મક્કમ રહ્યાં, મારે ડગવાપણું નહોતું. મેં હળવેથી કહ્યું : “છોકરાઓ પરણે તો ખરા. આપણે ક્યાં બાળવયે પરણાવવા છે? મોટા થાય ત્યારે તો તે પોતે જ ભલે કરવું હોય તે કરે. અને આપણે ક્યાં ઘરેણાંની શોખીન વહુઓ ગોતવી છે? છતાં કંઈ કરાવવું જ પડે તો હું ક્યાં નથી બેઠો? મને કહેજે.” “જાણ્યા તમને! મારાં ઘરેણાં પણ લઈ લીધાં એ જ તમે ના? મને સુખેથી નથી પહેરવા દીધું, એ તમે મારી વહુઓને સારુ શું લેવાના હતા? છોકરાઓને આજથી વેરાગી બનાવી રહ્યા છો! એ દાગીના નહીં પાછા અપાય. અને મારા હાર ઉપર તમારો શો હક?” “પણ એ હાર તારી સેવાને ખાતર કે મારી સેવાને ખાતર મળ્યો છે?” મેં પૂછ્યું. “ભલે ને. તમારી સેવા એટલે મારી પણ થઈ. મારી પાસે રાતદહાડો મજૂરી કરાવી, એ સેવામાં નહીં ગણાતું હોય? રડાવીને પણ જેને ને તેને ઘરમાં રાખ્યા ને ચાકરી કરાવી, તેનંુ શું?” આ બધાં બાણ અણિયાળાં હતાં. એમાંનાં કેટલાંક વાગતાં હતાં. પણ ઘરેણાં તો મારે પાછાં આપવાં જ હતાં. હું જેમતેમ કરીને એની સંમતિ લઈ શક્યો. ૧૮૯૬માં મળેલી અને ૧૯૦૧માં મળેલી ભેટો પાછી આપી. તેનું ટ્રસ્ટ બન્યું. ને તેનો જાહેર કામને સારુ ઉપયોગ ટ્રસ્ટીઓની ઇચ્છા મુજબ થાય એ શરતે તે બેંકમાં મુકાઈ. આ પગલાને વિશે મને કદી પશ્ચાત્તાપ થયો નથી. દિવસો જતાં કસ્તૂરબાને પણ તેની યોગ્યતા જણાઈ ગઈ. અમે ઘણી લાલચોમાંથી ઊગર્યાં છીએ. જાહેર સેવકને અંગત ભેટો ન હોય એવા અભિપ્રાય ઉપર હું આવેલો છું. [‘સંક્ષિપ્ત’ આત્મકથા’ની નવી આવૃત્તિ : ૨૦૦૬]