સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/પત્નીની દૃઢતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કસ્તૂરબાઈ ઉપર ત્રણ ઘાતો ગઈ અને ત્રણેમાંથી તે કેવળ ઘરઘરાઉ ઉપચારોથી બચી ગઈ. તેમાંનો પહેલો પ્રસંગ બન્યો ત્યારે સત્યાગ્રહનું યુદ્ધ ચાલી રહ્યું હતું. તેને વારંવાર રક્તસ્રાવ (લોહીવા) થયા કરતો. એક દાક્તર મિત્રે શસ્ત્રક્રિયા કરવાની ભલામણ કરી હતી. કેટલીક આનાકાની બાદ પત્નીએ શસ્ત્રક્રિયા કરાવવા હા પાડી. શરીર તો ઘણું ક્ષીણ થઈ ગયું હતું. દાક્તરે ક્લોરોફોર્મ વિના શસ્ત્રક્રિયા કરી. ક્રિયા વખતે દરદ ખૂબ થતું હતું, પણ ક્રિયા નિર્વિઘ્ને પૂરી થઈ. જે ધીરજથી કસ્તૂરબાઈએ તે સહન કર્યું તેથી હું તો આશ્ચર્યચકિત થયો. દાક્તરે અને તેમનાં પત્નીએ કસ્તૂરબાઈની સરસ બરદાસ કરી. આ બનાવ ડરબનમાં બન્યો હતો. બે કે ત્રણ દિવસ પછી દાક્તરે મને નિશ્ચિંતપણે જોહાનિસબર્ગ જવાની રજા આપી. થોડા જ દિવસમાં ખબર મળ્યા કે, કસ્તૂરબાઈનું શરીર મુદ્દલ વળતું નથી, ને તે પથારીએથી ઊઠીબેસી શકતી નથી. એક વાર બેહોશ પણ થઈ ગઈ હતી. દાક્તર જાણતા હતા કે મને પૂછ્યા વગર કસ્તૂરબાઈને દારૂ અથવા માંસ દવામાં કે ખાવામાં ન અપાય. તેથી દાક્તરે મને જોહાનિસબર્ગ ફોન કરી કસ્તૂરબાઈને ‘બીફ ટી’ આપવાની રજા માગી. મેં જવાબ આપ્યો કે મારાથી એ રજા નહીં અપાય. પણ કસ્તૂરબાઈ સ્વતંત્ર છે. તેને પૂછવા જેવી સ્થિતિ હોય તો પૂછો અને તે લેવા માગે તો આપો. “દરદીને આવી બાબતો પૂછવાની હું ના પાડું છું. તમારે પોતે અહીં આવવાની જરૂર છે. જો મને ગમે તે ખવડાવવાની છૂટ ન આપો તો તમારી સ્ત્રીને સારુ હું જોખમદાર નથી.” દાક્તરે કહ્યું. મેં તે જ દહાડે ડરબનની ટ્રેન લીધી. દાક્તરને મળ્યો. દાક્તરે સમાચાર આપ્યા, “મેં તો સેરવો પાઈને તમને ટેલિફોન કર્યો હતો!” “દાક્તર, આને હું દગો માનું છું.” મેં કહ્યું. “દવા કરતી વખતે દગોબગો હું સમજતો નથી. આવે સમયે દરદીને કે તેના સંબંધીઓને છેતરવામાં પુણ્ય માનીએ છીએ. અમારો ધર્મ તો ગમે તેમ કરીને દરદીને બચાવવાનો છે!” દાક્તરે દૃઢતાપૂર્વક જવાબ આપ્યો. મને ખૂબ દુઃખ થયું, પણ હું શાંત રહ્યો. દાક્તર મિત્ર હતા, ભલા હતા. તેમનો અને તેમનાં પત્નીનો મારા ઉપર ઉપકાર હતો. પણ ઉપલી વર્તણૂક સહન કરવા હું તૈયાર નહોતો. “દાક્તર, હવે ચોખવટ કરો. શું કરવા માગો છો? મારી પત્નીને હું કદી તેની ઇચ્છા વિના માંસ દેવા નહીં દઉં. તે ન લેતાં તેનું મૃત્યુ થવાનું હોય તો તે સહન કરવા તૈયાર છું.” દાક્તર બોલ્યા, “તમારી ફિલસૂફી મારે ઘેર તો નહીં જ ચાલે. હું તમને કહું છું કે તમારી પત્નીને મારે ઘેર રહેવા દેશો ત્યાં લગી હું તેને જરૂર માંસ અથવા જે કંઈ આપવું ઘટશે તે આપીશ. જો એમ ન કરવું હોય તો તમે તમારી પત્નીને લઈ જાઓ. મારા જ ઘરમાં હાથે કરીને હું તેનું મરણ થવા નહીં દઉં.” “ત્યારે શું તમે એમ કહો છો કે મારે મારી પત્નીને હમણાં જ લઈ જવી?” “હું ક્યાં કહું છું કે લઈ જાઓ? હું તો કહું છું કે મારા ઉપર કશા પ્રકારના અંકુશ ન મૂકો. તો અમે બંને તેની જેટલી થઈ શકે એટલી બરદાસ કરશું ને તમે સુખેથી જાઓ. જો આવી સીધી વાત તમે ન સમજી શકો તો મારે લાચારીથી કહેવું જોઈએ કે તમારી પત્નીને મારા ઘરમાંથી લઈ જાઓ.” હું ધારું છું કે તે વેળા મારો દીકરો મારી સાથે હતો. તેણે કહ્યું કે, તમે કહો છો એ મને કબૂલ છે; બાને માંસ તો ન જ અપાય. પછી હું કસ્તૂરબાઈ પાસે ગયો. તે બહુ અશક્ત હતી. તેને કંઈ પણ પૂછવું મને દુઃખદેણ હતું. પણ ધર્મ સમજી મેં તેને ટૂંકામાં ઉપરની વાત કહી સંભળાવી. તેણે દૃઢતાપૂર્વક જવાબ આપ્યો : “મારે માંસનો સેરવો નથી લેવો. મનખા દેહ વારે વારે નથી આવતો. ભલે તમારા ખોળામાં હું મરી જાઉં, પણ મારાથી આ દેહ વટલાવાશે નહીં.” મેં સમજાવાય તેટલું સમજાવ્યું ને કહ્યું કે, તું મારા વિચારોને અનુસરવા બંધાયેલી નથી. અમારી જાણના કેટલાક હિંદુઓ દવાને અર્થે માંસ અને મધ લેતા તે પણ કહી સંભળાવ્યું. પણ તે એક ટળી બે ન થઈ અને બોલી : “મને અહીંથી લઈ જાઓ.” હું બહુ રાજી થયો. લઈ જતાં ગભરાટ થયો. દાક્તરને પત્નીનો નિશ્ચય સંભળાવ્યો. દાક્તર ગુસ્સે થઈ બોલ્યા : “તમે તો ઘાતકી પતિ દેખાઓ છો. આવી માંદગીમાં તેને બિચારીને આવી વાત કરતાં તમને શરમ પણ ન થઈ? હું તમને કહું છું કે તમારી સ્ત્રી અહીંથી લઈ જવા લાયક નથી. જરા પણ હડદોલો સહન કરે એવું તેનું શરીર નથી. તેનો પ્રાણ રસ્તામાં જ જાય તો મને આશ્ચર્ય નહીં થાય. છતાં તમે હઠથી નહીં માનો તો તમે તમારા મુખી છો. મારાથી તેને સેરવો ન અપાય તો મારા ઘરમાં એક રાત રાખવાનું પણ જોખમ હું નહીં લઉં.” આથી અમે તરત નીકળવાનું નક્કી કર્યું. ઝરમર ઝરમર મેહ વરસતો હતો. સ્ટેશન દૂર હતું. ડરબનથી ફિનિક્સ રેલરસ્તો ને ફિનિક્સથી અઢી માઈલ પગરસ્તો હતો. જોખમ સારી પેઠે હતું. પણ ઈશ્વર સહાય થશે એમ મેં માની લીધું. મેં એક માણસ ફિનિક્સ અગાઉથી મોકલ્યો. ફિનિક્સમાં આરી પાસે ‘હૅમક’ હતું. હૅમક તે જાળીવાળા કપડાની ઝોળી અથવા પારણું. એ હૅમક, એક બાટલી ગરમ દૂધની ને એક બાટલી ગરમ પાણીની તથા કસ્તૂરબાઈને હૅમકમાં ઊંચકી જવા માટે છ માણસો લઈને ફિનિક્સ સ્ટેશન ઉપર આવવા વેસ્ટને કહેવડાવ્યું. ટ્રેન ઊપડવાનો સમય થયો ત્યારે મેં રિક્ષા મંગાવી. ને તેમાં આ ભયંકર સ્થિતિમાં પત્નીને લઈ હું ચાલતો થયો. પત્નીને મારે હિંમત આપવાપણું નહોતું. ઊલટું તેણે મને હિંમત આપીને કહ્યું, “મને કંઈ નહીં થાય. તમે ચિંતા ન કરજો.” આ હાડપિંજરમાં વજન તો રહ્યું જ નહોતું. ખોરાક કંઈ ખવાતો નહોતો. ટ્રેનમાં ડબ્બા સુધી પહોંચતાં સ્ટેશનના વિશાળ પ્લૅટફોર્મ ઉપર લાંબે સુધી ચાલીને જવાનું હતું. ત્યાં રિક્ષા જઈ શકે એમ નહોતું. હું તેને તેડીને ડબ્બા લગી લઈ ગયો. ફિનિક્સથી અમે દરદીને ઝોળીમાં લઈ ગયા. ત્યાં કેવળ પાણીના ઉપચારથી ધીમે ધીમે શરીર બંધાયું. [‘સંક્ષિપ્ત આત્મકથા’ની નવી આવૃત્તિ : ૨૦૦૬]