સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/પિતાના પત્રો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૬-૦૨-૧૯૧૮
ચિ. દેવદાસ, તમે હંમેશાં યાદ આવો છો. અહીં [બિહારમાં] તમે સત્યનો મહિમા અને પ્રભાવ ક્ષણે ક્ષણે જોત. તમારે સારુ મારી પાસે આ જ વારસો છે. જે ઓળખે તેને સારુ એ અમૂલ્ય છે. એ બીજો વારસો માગે નહીં ને ઇચ્છે નહીં. મારી સમજ એવી છે કે તમે આ વારસાને ઓળખી શક્યા છો અને તેના પ્રેમી છો. તમારા પરની મારી આસક્તિ આ ભવમાં તદ્દન જાય એવો ભય તમારે બહુ રાખવા જેવો નથી. બધાને વિશે સમભાવ રાખવા હું મહાપ્રયત્ન કરી રહ્યો છું. પણ તમારી પાસેથી વધારે મળવાની તો આશા રહ્યા જ કરે. ચિ. છોટાલાલ તથા ચિ. સુરેન્દ્રને નોખો કાગળ નથી લખતો. તમારે વંચાવવો હોય તો વંચાવી શકો છો. પિતાપુત્રના પવિત્રા સંબંધને ઉદ્દેશીને છે તેથી તમારે જ સંઘરવાલાયક છે, એમ કરીને ન વંચાવો તોય ચાલે. બાપુના આશીર્વાદ

*

દેવા, તું મારી ગાદી લેવાને તૈયાર થાય તે દિવસે તને રોકવાનો કોઈનો ભાર નથી. માત્ર તું ખૂબ મજબૂત બને એ જ ઇચ્છું છું.

*

હરિલાલે એક ક્ષણમાં આખી જિંદગી બગાડી નાખી છે. મારા સર્વ દોષો હું એનામાં આકૃતિને મોટી દેખાડનારા કાચમાંથી પ્રતિબિંબિત થયેલા જોઉં છું. ગુણો આકૃતિને નાની દેખાડનારા કાચમાંથી પ્રતિબિંબિત થતા જોઉં છું. મારા ત્રણે છોકરાના તરફથી થતા અસંતોષનો બદલો વાળવા દેવદાસ જન્મેલો છે, એમ મને લાગે છે.

*


[હરિલાલને પત્ર : ૧-૫-૧૯૧૮] ભાઈ મહાદેવે તમારી ગરજ સારી છે. પણ તમે તેની જગ્યાએ હોત તો કેવું સારું, એવી મમતા હજી નથી જતી. જો મને બીજા પુત્રો ન હત, તો ઝૂરીને મરી જાત. પણ જે થયા છે તેને ખસેડયા વિના જ્યારે તમારે જ્ઞાનપૂર્વક પુત્ર બનવું હોય ત્યારે તમારી જગ્યા છે જ. બાપુના આશીર્વાદ