સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/ભાષણોમાંથી ક્યારે મુક્ત થઈશું?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આજે મને ભાષણ કરવા માટે અત્યારે અડધો કલાક અને સાંજના એક કલાક મળી દોઢ કલાક સુધીનો વખત આપવામાં આવ્યો છે. પણ તેટલો બધો વખત સુધી (ભાષણ) આપવું, અને તેને તમારે પચાવવું, એ મારી સત્તાની બહાર છે. મારે જ્યાં જ્યાં બોલવાનું થાય છે, ત્યાં ત્યાં હું ટૂંકથી જ પતાવું છું. હું ૩૦ વર્ષ સુધી ઘણું ભટક્યો છું. મેં જોયું છે કે જ્યાં અત્યંત બોલવાનું હોય છે, ત્યાં કામ કરવાનું ઘણું જ ઓછું હોય છે. અને એ દોષ આખા હિંદુસ્તાન ઉપર મુકાતો આવ્યો છે. આ દોષ માટે આપણે લાયક છીએ. માત્રા ભાષણો અને વ્યાખ્યાનોનો ખોરાક મળે છે, એમાંથી આપણે ક્યારે મુક્ત થઈશું? આપણી જિંદગીમાં જેટલો વખત ભાષણો સાંભળવામાં આપણે ગાળ્યો છે, તેટલો જ વખત જો કાર્ય કરવામાં ગાળ્યો હોત તો આજે હિંદુસ્તાન સ્વરાજના પગથિયા ઉપર આવ્યું હોત. વ્યાખ્યાનો સાંભળવાથી કાંઈ સ્વરાજ મળવાનું નથી. સ્વરાજ તો બલિદાન આપવાથી અને લાયકાત મેળવવાથી જ મળે છે. ભાષણ માટે રાખવામાં આવે છે તેટલો વખત જો અત્રો બેઠેલ માણસને એક્કેક પાવડો આપી, અત્રો જેટલી જમીન છે તેટલી ખોદાવી તેમાં કાંઈ વાવેતર કરવામાં આવે, તો આવતે વર્ષ કાંઈ ને કાંઈ પણ સારો પાક ઊગશે જ. માત્ર વ્યાખ્યાનો સાંભળવાથી કામો થતાં હોય અને આપણાં દરદો મટતાં હોય, તો ઘણે ઠેકાણે ‘ભાગવત’નાં પારાયણો થાય છે અને તે સાંભળવાને ઘણા શ્રોતાઓ બેસે છે. પણ કેટલાક તો ઝોકાં ખાતાં હશે. માત્રા સાંભળવાથી બધું મળી જતું હોય, તો પછી બીજું કર્તવ્ય કરવાની જરૂર જ નથી. બ્રાહ્મણો કથા-પુરાણ વાંચે, એટલે આપણો ઉદ્ધાર થયો. આમ હિંદુસ્તાનના લોકોને સાંભળવાનો, બોલવાનો અને પોતાનાં વખાણો કરવાનો બહુ શોખ છે. તે કાર્યમાં તેઓ ગાંડાતૂર બની જાય છે. પણ આમ કરતાં જો મૌન ધારણ કરવામાં આવે, તો તેથી ઘણું શીખવાનું મળી શકે તેમ છે. બોલવાથી કોઈ જાતનું મનન થઈ શકતું નથી. પણ તમે કોઈ પણ કાર્ય કરશો, તો તેમાંથી લોકોને સારઅસાર ગ્રહણ કરવાનો મળશે. પરિષદો અને ભાષણો, એ બધાંથી હું થાક્યો છું, અને હું મારો અવાજ સાંભળીને પણ હવે કંટાળી ગયો છું. કાર્ય કરવા જે મનોબળ જોઈએ, તે નહીં હોવાથી પરિષદો મેળવીએ છીએ. આખા દેશમાં એમ થાય છે. મને આ સભાઓમાં અને આ ઠરાવોમાં શ્રદ્ધા નથી. સભાઓ ભરવી અને એમાં ઠરાવો પસાર કરવા, એ કેવળ સમયની બરબાદી છે. આપણે માટે હવે પરિષદો ભરવાનો કાળ ગયો છે અને કંઈક કરી બતાવીને છાનામાના બેસી જવાનો કાળ આવ્યો છે. કારણ કે એવું કાર્ય કરી બતાવ્યા પછી જે કાંઈ બોલાશે, તેની અસર લોકો ઉપર જુદી હશે. તમે જોશો તો યુરોપમાં આપણા દેશની માફક વ્યાખ્યાનો થતાં નથી. કારણ તેઓને સાંભળવાની ફુરસદ નથી. તેઓ હાલ પ્રગતિમાં છે તેવી પ્રગતિમાં આવવા માટે આપણે સરકાર પાસે કેટલાક હકો માંગવાના અને મેળવવાના છે. એ હકો મેળવવા માટે બાથ ભીડવાની જરૂર છે. તેવા હકો મેળવવા માટે આપણે લાયક થવાની જરૂર છે. માટે વાંચી, વિચાર કરી, અનુકરણ કરી સરકાર સાથે સત્યને રસ્તે બાથ ભીડવાને લાયક બનો. તમે જો એક ઘડીભર પણ એમ માનતા હશો કે આધ્યાત્મિક જીવન શબ્દ દ્વારા શિખાડી શકાય છે, તો તમે ભૂલો છો. મેં પણ ઘણાં ભાષણોનો સ્વાદ ચાખ્યો છે. હું એટલું કહેવા ઇચ્છું છું કે આપણે ભાષણો કરવામાં આપણી સામગ્રી લગભગ સાવ વાપરી ચૂક્યા છીએ. આપણા કાનને કે આંખને ખોરાક મળે, એ જ કંઈ પૂરતું નથી. આપણાં હૃદયને પણ પોષણ મળવું જોઈએ, અને આપણા હાથપગ પણ ચાલવા જોઈએ. લખાણો આપણને કોઈ પણ દહાડો સ્વરાજ નથી અપાવવાનાં. ગમે તેટલાં ભાષણો પણ આપણને સ્વરાજ માટે લાયક નથી કરી શકવાનાં. આપણું ચારિત્રય જ આપણને સ્વરાજ માટે લાયક બનાવશે. મારા આખા જાહેર જીવન દરમિયાન મને લાગ્યું છે કે આપણને જે વસ્તુની જરૂર છે, તે એક જ છે — અને તે ચારિત્રયની ખિલવણી. આપણા મહાન દેશભક્ત ગોખલેએ એમ કહ્યું છે કે, જ્યાં સુધી આપણી મનોકામનાને ટેકો આપવા આપણી પાસે ચારિત્રયરૂપી બળ નથી, ત્યાં સુધી આપણને કંઈ મળશે નહિ, આપણે કશાને માટે લાયક થશું નહીં. [૧૯૧૬માં સુરત, કાશી, મદ્રાસ, અમદાવાદ અને મુંબઈ આપેલાં ભાષણોમાંથી સંકલન : ‘ગાંધીજીનો અક્ષરદેહ’ : ૧૩]