સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/લાજ રાખી

From Ekatra Foundation
Jump to navigation Jump to search


જ્યારે હું ડરબનમાં વકીલાત કરતો હતો ત્યારે ઘણી વાર મારા મહેતાઓ મારી સાથે રહેતા. તેમાં હિંદુ અને ખ્રિસ્તી હતા, ગુજરાતી અને મદ્રાસી હતા. તેમને હું કુટુંબીજન ગણતો ને જો પત્ની તરફથી તેમાં કંઈ વિઘ્ઘ્ન આવે તો તેની જોડે લડતો. એક મહેતો ખ્રિસ્તી હતો. તેનાં માતાપિતા પંચમ જાતિનાં હતાં. ઘરમાં દરેક કોટડીમાં મોરીને બદલે પેશાબને સારુ ખાસ વાસણ હોય. તે ઉપાડવાનું કામ નોકરનું નહોતું, પણ અમારું ધણીધણિયાણીનું હતું. મહેતાઓ જે પોતાને ઘરના જેવા માનતા થઈ જાય, તે તો પોતાનું વાસણ પોતે ઉપાડે પણ ખરા. આ પંચમ કુળમાં જન્મેલ મહેતા નવા હતા. તેમનું વાસણ અમારે જ ઉપાડવું જોઈએ. બીજાં તો કસ્તૂરબાઈ ઉપાડતી, પણ આ તેને મન હદ આવી. અમારી વચ્ચે ક્લેશ થયો. હું ઉપાડું એ તેને ન પાલવે, તેને પોતાને ઉપાડવું ભારે થઈ પડ્યું. આંખમાંથી મોતીનાં બિંદુ ટપકાવતી, હાથમાં વાસણ ઝાલતી અને મને પોતાની લાલ આંખોથી ઠપકો આપતી, સીડીએથી ઊતરતી કસ્તૂરબાઈને હું આજે પણ ચીતરી શકું છું. પણ હું તો જેવો પ્રેમાળ તેવો ઘાતકી પતિ હતો. મને પોતાને હું તેનો શિક્ષક પણ માનતો ને તેથી મારા અંધ પ્રેમને વશ થઈ સારી પેઠે પજવતો. આમ તેના માત્ર વાસણ ઊંચકી જવાથી મને સંતોષ ન થયો. તે હસતે મુખે લઈ જાય તો જ મને સંતોષ થાય. એટલે મેં બે બોલ ઊંચા સાદે કહ્યા. “આ કંકાસ મારા ઘરમાં નહીં ચાલે,” હું બબડી ઊઠ્યો. આ વચન તીરની જેમ ખૂંચ્યું. પત્ની ધગી ઊઠી : “ત્યારે તમારું ઘર તમારી પાસે રાખો, હું ચાલી.” હું તો ઈશ્વરને ભૂલ્યો હતો. દયાનો છાંટો સરખો નહોતો રહ્યો. મેં હાથ ઝાલ્યો. સીડીની સામે જ બહાર નીકળવાનો દરવાજો હતો. હું આ રાંક અબળાને પકડીને દરવાજા લગી ખેંચી ગયો. દરવાજો અર્ધો ઉઘાડયો. આંખમાંથી ગંગાજમના વહી રહ્યાં હતાં, અને કસ્તૂરબાઈ બોલી : “તમને તો લાજ નથી, મને છે. જરા તો શરમાઓ! હું બહાર નીકળીને ક્યાં જવાની હતી? અહીં મા-બાપ નથી કે ત્યાં જાઉં. હું બાયડી થઈ એટલે મારે તમારા ધુંબા ખાવા જ રહ્યા. હવે લજવાઓ ને બારણું બંધ કરો. કોઈ જોશે તો બેમાંથી એકે નહીં શોભીએ!” મેં મોં તો લાલ રાખ્યું, પણ શરમાયો ખરો. દરવાજો બંધ કર્યો. જો પત્ની મને છોડી શકે તેમ નહોતી, તો હું પણ તેને છોડીને ક્યાં જનારો હતો? અમારી વચ્ચે કજિયા તો પુષ્કળ થયા છે, પણ પરિણામ હંમેશાં કુશળ જ આવ્યું છે. પત્નીએ પોતાની અદ્ભુત સહનશક્તિથી જીત મેળવી છે. આ પુણ્યસ્મરણથી કોઈ એવું તો નહીં માની લે કે અમે આદર્શ દંપતી છીએ, અથવા તો મારી ધર્મપત્નીમાં કંઈ જ દોષ નથી અથવા તો અમારા આદર્શો હવે એક જ છે. કસ્તૂરબાઈને મારાં ઘણાં આચરણો આજ પણ નહીં ગમતાં હોય એવો સંભવ છે. પણ તેનામાં એક ગુણ બહુ મોટા પ્રમાણમાં છે, જે બીજી ઘણી હિંદુ સ્ત્રીઓમાં ઓછાવત્તા પ્રમાણમાં રહેલો છે. મને-કમને, જ્ઞાનથી-અજ્ઞાનથી, મારી પાછળ ચાલવામાં તેણે પોતાના જીવનની સાર્થકતા માની છે, અને સ્વચ્છ જીવન ગાળવાના મારા પ્રયત્નોમાં મને કદી રોક્યો નથી. આથી, જોકે અમારી બુદ્ધિ-શક્તિમાં ઘણું અંતર છે છતાં, અમારું જીવન સંતોષી, સુખી ને ઊર્ધ્વગામી છે એમ મને લાગ્યું છે. [‘સત્યના પ્રયોગો’ પુસ્તક]