સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યાસીન દલાલ, ઇલા પાઠક/આવો, આત્મપરીક્ષણ કરીએ!
ગુજરાતના સાહિત્યકારોએ ગુજરાતનું ક્લુષિત વાતાવરણ દૂર કરવામાં શી રચનાત્મક ભૂમિકા ભજવી? મારા નમ્ર મત મુજબ ગુજરાતનો સાહિત્યકાર છેલ્લા બે દાયકામાં પ્રજાથી સતત વિમુખ થઈ ગયો છે.
મહારાષ્ટ્રમાં દુર્ગા ભાગવતે એક સાહિત્ય સમારંભમાં મંચ ઉપર રાજકીય નેતાની હાજરી સામે વાંધો લીધો હતો અને એ ગયા તે પછી જ પોતે મંચ ઉપર બેઠાં હતાં. આજનો ગુજરાતી સાહિત્યકાર ભયજનક હદે ‘પ્રો-એસ્ટાબ્લિશમેન્ટ’ થઈ ગયો છે. ગુજરાતમાં અનામત આંદોલન થયું એ પછી અનેક સાંપ્રદાયિક રમખાણો પણ થયાં. પણ એનો પડઘો એક પણ સાહિત્યકૃતિમાં (અપવાદ સિવાય) નથી પડ્યો.
સાહિત્યકારોની ઉદાસીનતાનો દાખલો આપું તો કે. કા. શાસ્ત્રીનો તોફાનો વખતનો સ્ફોટક ઇન્ટરવ્યૂ યાદ આવે છે. એમાં એમણે વટથી એ મતલબનું કહ્યંુ હતું કે, અમદાવાદનાં તોફાનો બદલ મને કોઈ શરમ નથી પણ ગર્વ છે. તોફાનો કરનારને પોલીસ પકડી જશે તો વિશ્વ હિન્દુ પરિષદ પાસે અબજોનું ભંડોળ પડ્યું છે. એમાંથી મોંઘામાં મોંઘા વકીલ રોકીને અમે એમને છોડાવી લાવીશું. આ શબ્દો કોના છે? શ્રી શાસ્ત્રી માત્ર ‘વિહિપ’ના નેતા નથી, પણ જાણીતા સાહિત્યકાર, સંશોધક અને ગુજરાતના સાહિત્યસભાના પ્રમુખ છે.
નર્મદા વિવાદ હોય, સ્વાધ્યાય પરિવારનો મુદ્દો હોય કે કોમી રમખાણોનો પ્રશ્ન હોય, ગુજરાતનો એક વર્ગ અસહિષ્ણુ બન્યો છે એ હકીકત છે. એક ગુજરાતી હોવાનું મને ગૌરવ છે, પણ મારા ગુજરાતમાં આવી દુઃખદ ઘટનાઓ બને છે ત્યારે એ ગર્વ શરમમાં ફેરવાઈ જાય છે. આવો, આપણે આ વાસ્તવિકતાનો સ્વીકાર કરીએ અને આત્મપરીક્ષણ કરીને આ કલુષિત વાતાવરણને શુદ્ધ કરવાના યજ્ઞમાં લાગી જઈએ.
યાસીન દલાલ
૨૦૦૨ના એપ્રિલથી શરૂ કરીને આજ સુધી મને રંજ રહ્યો છે કે ગુજરાતના કોઈ કવિએ કે કોઈ લેખકે ૨૦૦૨ના હિંસક બનાવો પછી તેની વેદના આલેખી નથી. મને દુઃખ થયું છે કે વિશ્વયુદ્ધની પરદેશી કવિઓની વેદનાથી છિન્ન થયેલા ગુજરાતી સાહિત્યકારો તેમની અત્યંત નજીક બનેલા બનાવોથી ખિન્ન થયા નથી. તેમનાં માહ્યલાને તે સ્પર્શ્યું જ નથી.
૨૦૦૨ અને ત્યાર પછી તરતના અરસામાં ગુજરાતમાં સામાજિક સંગઠનોમાં બુદ્ધિજીવીઓની સામેલગીરી કેવી હતી તેનો અભ્યાસ અમે ‘અવાજ’ સંસ્થા દ્વારા કર્યો, તેનાથી સમજાયું હતું કે થોડાક અપવાદો બાદ કરતાં કોઈને કોમી હિંસા કે રમખાણોમાં અન્ય માનવીઓ પર ગુજારાયેલા ત્રાસ કે ભૂંડા વર્તાવ સ્પર્શ્યા જ નથી. આની રજૂઆત અમે પાંચ શહેરોમાં કરી ત્યારે અમદાવાદ અને ગોધરામાં અમારી પર અત્યંત ગુસ્સાપૂર્વક આરોપ મૂકવામાં આવ્યો હતો કે આ અભ્યાસ કરીને અમે ગુજરાતને બદનામ કરવાનો હીન પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાતમાં જે થયું છે તે જોઈએ, જાણીએ અને છતાં કહીએ નહીં તેવો જ દુરાગ્રહ આમાં છે. કહીએ તો ગુજરાતને બદનામ કર્યું કહેવાય!
ઘણાં વર્ષોથી પ્રગટ થતી આવતી આ મુસ્લિમવિરોધી દ્વેષભાવનાને હું ગુજરાતી સમાજમાં થતી સ્ત્રીની અવહેલનાની સાથે જ મૂકું છું. ગુજરાતીઓ સ્ત્રીઓ પ્રત્યેક હિંસક રહ્યા છે અને ગુજરાતી સમાજ તેના સ્ત્રી પ્રત્યેના વર્તાવમાં બર્બરતા જ દાખવી રહ્યો છે તેવું મને જણાય છે. જેમ ૨૦૦૨ પછી મુસ્લિમોને ઇન્સાફ નથી મળ્યો અને અમન લાધ્યું નથી તેવું જ સ્ત્રીઓ માટે છે. તેમને ઇન્સાફ મળતાં મળે તો મળે છે અને અમન તો સ્વર્ગસમ દુર્લભ છે.
ઇલા પાઠક
[‘નિરીક્ષક’ પખવાડિક : ૨૦૦૬]