સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રઘુવીર ચૌધરી/ઉમાશંકર જોશી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રેમ પક્ષપાતી બની ન જાય અને અસ્વીકાર પૂર્વગ્રહમાં ન પરિણમે, એ અંગે ઉમાશંકર સતત કાળજી રાખતા લાગે. સ્નેહની તીવ્ર લાગણી અનુભવનાર સંબંધ પરત્વે તટસ્થ રહે? ઉમાશંકર રહેતા. એમને એક-બે વાર મળનારને પૂછો. કહેશે—“ઉમાશંકર? અભિજાત, સૌમ્ય.” ઊડે ઊડે એમ પણ લાગ્યું હશે કે, ઉમાશંકર પાસેથી આવો સ્નેહ તો માત્ર મને જ મળ્યો હશે. પણ જો તમારો સંપર્ક વધે, કામકાજ અંગે ચર્ચા થવા લાગે, તમે કહો કે જુઓ આ સંસ્થાએ આટલાં વરસમાં શું કર્યું? પેલા આમ ને આ તેમ, ને તમે કશું કહેતા નથી વગેરે સહજભાવે તમે કહી રહ્યા હો, ત્યાં તમને દેખાયું ન હોય એવા નાના કારણથી એ ગુસ્સે થાય. અને ગુસ્સે થાય એટલે ભાષામાં જ નહિ, ચહેરાથી પણ. તમે ખુલાસો કરવા જાઓ અને તમારા કારણમાં કટાક્ષનું તત્ત્વ હોય તો તો એવા ધારદાર કટાક્ષ વરસે અને એક ક્ષણમાં જ તમને એવી પ્રતીતિ થઈ જાય કે, જગતમાં માત્ર આ જ માણસ મારો સાચો દુશ્મન છે! તમે ભલાભોળા હો તો તમારા એકબે દિવસ બગડે. પણ જરા દાંડ બની શકો તો એમનો ગુસ્સો માણી શકો. થોડી ક્ષણોમાં જ એ શાંત પડી જાય અને પછી એમને કોઈ વાર ક્યાંક ભેટી જાઓ તો પેલા ઝઘડાને બદલે એ તો કોઈ સ્નેહગોષ્ઠિના સ્મરણથી તમને મળતા લાગે. રિસાયેલાઓને મનાવવા માટે ઉમાશંકર પાસે થોડો સમય તો સિલકમાં હોય જ. દ્વેષરહિત રહેવું—રહેવા મથવું; એટલું જ નહિ, સામાને એની પ્રતીતિ પણ કરાવવી. સામે ગમે તે હોય, ગમે તેવો હોય; કોણ છે, કેવો છે એનો પૂરો અંદાજ હોય જ. ઉમાશંકર દ્વેષરહિત રહેવાની સમજથી વ્યવહાર બાંધે, છેતરાઈને નહિ. એ દોરવાતા નથી, પોતાના અભિપ્રાયથી ચાલતા છે. સામાન્ય રીતે અભિપ્રાયનો અમુક અંશ અપ્રગટ રાખે, જેથી ભૂલ સુધારવા વારો આવે નહિ. જેમ અભિભૂત ન થાય, તેમ કોઈને વિશે આશા પણ છોડી ન દે. ગમે તેવાના સુધરવા વિશે એ આશાવાદી હતા અને માનતા કે માણસ પોતાની ગરજે સુધરે છે. શોખ તો વાતચીતનો. પછી વાંચે, પછી લખે. લેખનમાં તો એમનો એટલો ઓછો સમય જાય કે કોઈક વાર કહે પણ ખરા—મને તો હું ‘લેખક’ હોઉં એવું લાગતું જ નથી! લખવા ધારેલું અને લખવા શરૂ કરેલું વર્ષોથી એમ જ પડ્યું હોય—પદ્યનાટક(મહાકાવ્ય), બીજી નવલકથા, પ્રવાસ, ડાયરી, સંશોધનો-સંપાદનો અને પ્રસ્તાવનાઓ. પ્રસ્તાવનાઓને આ બધામાં અગ્રતા આપે અને વર્ષે બે વર્ષે પ્રસ્તાવના લખી દે. કેટલાંક ઉત્તમ વ્યાખ્યાનો એમણે ટ્રેઇનમાં અને લાંબી ચાલનાર મિટિંગની આજુબાજુના સમયમાં લખેલાં છે. મોટે ભાગે બધું મનમાં લખાઈ જાય પછી કાગળ પર ઉતારે. આ બાબતે એમને સલાહ આપનાર હોય છે: “બહાર જવાનું બંધ કર્યું હોય તો?” તો એ કહેશે: “પણ ક્યાં ક્યાં નથી જતો એની તો કોઈને ખબર પડતી જ નથી ને!” લેખન માટે થઈને ઉમાશંકર શિક્ષણનાં—સમાજનાં કામ છોડી દે એમ માની ન શકાય. એમના સ્વભાવમાં છે કે વૈરાગી થઈને બેસી રહેવાને બદલે પડકાર ઝીલવો. પોતાના સમયમાં પોતાને ગેરહાજર ન રહેવા દેવાય. કશુંય અનુચિત થતું હોય તો આંખ આડા કાન ન કરાય. આ ઉચિત-અનુચિતનો ખ્યાલ તો એમના માટે વળગણ જેવો બની ગયો હતો. ઇનામોની રકમ સાહિત્યના કામે આપે, પોતાની આવકમાંથી ટ્રસ્ટ કરે, ચોરીછૂપીથી ખૂણેખાંચરે મદદ પહોંચાડે તે માણસ રિક્ષાવાળા સાથે વળી સમય બગાડે! અજાણ્યા માણસને તો માન ઊતરી જાય એટલો સમય બગાડે. પણ કારણ એ કે જે ખોટું હોય એને પોષાય કેમ? બધું બરાબર છે એમ માની લઈને નહિ, બધું સમજીને—સમજવા છતાં માણસમાં ઇતબાર રાખવાનો છે. વસ્તુસ્થિતિને જાણવાની-સમજવાની ભૂમિકાએ ઊભા રહેવાનું છે. જાગ્રત થવામાં જે જોખમ હોય, એ ઉઠાવવાનું છે. હું ૧૯૫૮માં અમદાવાદ આવ્યો અને તુરત એમનો સમય મેળવતો થયો. ગુજરાતની બધી પેઢીઓના લેખકોનો એમના પર હક પહોંચે. દરેકને મળેલા દિવસના ચોવીસ કલાક જેટલા સમયમાં જ એમણે બધા મોરચે પહોંચી વળવાનું. ક્યારેક તો સાતમે કોઠે ઝઝૂમતા અભિમન્યુ કરતાંય એ વધુ વિષમ સ્થિતિમાં હોય, પણ એમાંથી બહાર આવે. રજથી ગજ સુધીનાં બધાં કામ પાછા પોતાના માથે રાખે. સંપાદનમાં આપી શક્યા ન હોય એટલો સમય પ્રૂફવાચનમાં આપે. બધું જાણે ને બધાં ક્ષેત્રોમાં રસ ધરાવે. રાજકારણ અને હૃદયકારણ બંનેમાં રસ. પરસ્પર દુશ્મનો હોય એય ક્યારેક એમને ત્યાં ભેગા થઈ જાય. અને ઉમાશંકર ક્યારેક તો પોતાને ઘેર મહેમાનની નમ્રતા અને સંકોચ સાથે બેઠા હોય. ૧૯૭૪-૭૫ના નવનિર્માણ આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને એમનો સાથ મળેલો. ઇન્દિરાજીએ સલાહસૂચન માટે મળવા બોલાવેલા. દરમિયાન ગુજરાતના આંદોલન વિશેની પોતાના પક્ષની માહિતી મુજબ કહેલું: “કેટલાક અધ્યાપકો ચીમનભાઈ સાથે છે અને કેટલાક તમારી સાથે છે.” ઉમાશંકરે મક્કમતાથી કહેલું: “ના, મારી સાથે કોઈ નથી. હું બધા અધ્યાપકો સાથે છું.” કોઈની સાથે ઉગ્રતાથી લડતા હોય ત્યારે પણ ચાહતા હોવાના દાવથી ચાલે. એ સ્વીકારતાં પેલાને વાર લાગે છે. ઉમાશંકર ધીરજપૂર્વક એને સમય આપે, એ પછી ભલે ગમે તેવો હોય. માણસના ગુણ કરતાં દોષની એમને વહેલી ખબર પડે, છતાં એ સરવાળાથી ચાલે, બાદબાકીથી નહીં. એમણે તુચ્છમાં પડેલી શક્યતાઓનો પણ મહિમા કર્યો છે. પોતે પરમ નિર્વ્યસની, ખાવાપીવામાં ચોખલિયા, પણ બીજા કોઈની આદત સામે સૂગ નહીં. બલ્કે જલ-કમલની નિકટતા પણ ટકાવી શકે. હિન્દી વિવેચક નામવરસિંહે એક પ્રસંગ કહેલો. એ, નિહાર રંજન રાય અને ઉમાશંકરભાઈ યુરોપની કલાયાત્રાએ ગયેલા. એ સહુ ફ્રાન્સમાં હતા ત્યાં ઉમાશંકરભાઈની જન્મતારીખ આવી. સુંદર બૅલે જોવા મળેલો. ઉમાશંકરભાઈને તો એથી વધુ સારી બીજી કઈ ઉજવણી જોઈએ? પણ વાતમાંથી વાત નીકળી તો કહે: “આજે તમે બંને આનંદ કરો. જે ખાવું હોય એ ખાઓ, જે પીવું હોય એ પીઓ, મારા તરફથી.” આ પૂર્વે કદાચ પેલા મિત્રોએ ઉમાશંકરભાઈની હિસાબ રાખવાની આવડત જોઈ હશે. અહીં તો ઘણા જાણે કે એ પાંચ પૈસાની ભૂલ પાછળ પંદર મિનિટ બગાડે અને પચાસ હજારના ચેક પર સડસડાટ સહી કરી દે. એમની કરકસર અને ઉદારતા બંને માનવીય ગુણનાં દૃષ્ટાંત બની શકે એમ છે. પણ આ તો ‘શેમ્પેન’ પાવાની વાત હતી! ઉમાશંકરના પૈસા શેમ્પેનમાં ખર્ચાય અને તે પણ ફ્રાન્સના ઊચામાં ઊચા શેમ્પન પાછળ? પેલા વિદ્વાનોએ જોયું કે આ દરખાસ્ત ગંભીરતાપૂર્વક અને આગ્રહ સાથે થઈ રહી છે ત્યારે એમણે શરત મૂકી, “તમે અમને સાથ આપો.” એમની માગણી વાજબી કહેવાય. મહેફિલની શિસ્ત સહુએ પાળવી પડે. ઉમાશંકરભાઈ મૂંઝાયા. છેવટે ધર્મસંકટ સમજીને તૈયાર થયા. કહ્યું: “લો, હું આંખો બંધ કરું છું. મારા હોઠ પર એક નાનું ટીપું મૂકી દો, મને ખબર ન પડે એ રીતે.” એમના આ ઉદ્ગાર પર ખુશ થઈને એ માક્ર્સવાદી વિદ્વાનોએ ઉમાશંકરભાઈને ગાંધીવાદી રહેવા દીધા ને સહુએ પોતપોતાની રીતે ખાધુંપીધું. એ એક સંસ્થા બન્યા છે, વ્યકિત મટ્યા વિના. ગુજરાતી ઘટ્યા વિના વિશ્વમાનવી બન્યા છે. કિશનસિંહનું અવસાન થયું તે રાત્રે જાણેલું. વહેલી સવારે અમદાવાદથી વડોદરા જવા હું એમની સાથે નીકળ્યો. સ્મશાનમાં જોયું કે પરમમિત્રને અંજલિ આપવામાં પણ અતિશયોકિત ન થાય એવી વાણી એમને વરી છે. મિત્રોની ખબર કાઢવા એ માઈલો ચાલીને ગયા છે. એમનું આ વત્સલ રૂપ એ એમના વ્યકિતત્વનું એવું તે મોટું સત્ત્વ છે કે એ સાહિત્ય અકાદમીના પ્રમુખ હોય કે વિશ્વભારતીના આચાર્ય હોય એ બધું ગૌણભાવે જ યાદ આવે છે. મોટામાં મોટાં પદો પણ માન્યતા પામવા એમની પાસે ગયાં છે. એમણે એમાંથી શું શું સ્વીકાર્યું છે એ આપણે જાણીએ છીએ. શું શું નથી સ્વીકાર્યું, એ અત્યારે તો માત્ર તેઓ જ જાણે છે. [‘સહરાની ભવ્યતા’ પુસ્તક: ૧૯૮૦]