સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રણછોડદાસ રામાનુજ/મને કેમ વીસરે રે…

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હજુયે સાંભરે છે… બાએ કરેલો એ શુકનવંતો ચાંદલો, નવાંનક્કોર કપડાં, બિસ્તરાનું એ પોટલું. હું નાનકડા ગામની નિશાળમાં પાંચ ચોપડી પૂરી કરી મોટા ભાઈ સાથે બહારગામ અભ્યાસ અર્થે જઈ રહ્યો હતો. મામાનું ઘર અને મોટી બહેનનું ગામ નજીકમાં જ હતાં. તે સિવાયની દુનિયાથી હું સાવ અજાણ ને અપરિચિત હતો. કેવો હતો એ સમયનો રોમાંચ! મનનાં એ હૂંફાળાં સ્પંદનો! અગિયાર વરસ સુધી જેનો ખોળો ખૂંદી હું મોટો થયો હતો, જેની ધૂળમાંથી આ હાડમાંસનો દેહ બંધાયો હતો, જેના જલઝીલણથી આ કાયાએ શીતળતા પ્રાપ્ત કરી હતી… એને મૂકી નવી ધરતી અને નવા વાતાવરણમાં હું જઈ રહ્યો હતો. એક બાજુ નવું નિહાળવાનો ઉત્સાહ, તો બીજી બાજુ વતનનો મોહ : બંને વચ્ચે હું સોરાતો હતો. ઊપડવાના આગલા દિવસે સવારથી જ ભાઈએ બા-બાપુજી સાથે બેસી મારા સામાનની તૈયારી કરવા માંડી. બાએ હોંશે હોંશે પેટીને તળિયેથી બે નવાં ગોદડાં કાઢી દીધાં. બાપુજીએ એક જૂના કોથળાને ખોલી, સાંધી નીચે પાથરવાનું કંતાન બનાવી દીધું. બટનવાળી ચડ્ડીનો યુગ ત્યારે ગામડા સુધી નહોતો પહોંચ્યો તેથી નાડીવાળી બે ચડ્ડી ને કૉલર વગરનાં બે બાંડિયાં, એ હતી મારાં કપડાંલત્તાંની માયામૂડી. થાળીવાટકો ને લોટો અંદર મૂકીને ભાઈએ બિસ્તરો વીંટાળવા માંડ્યો. બિસ્તરો બાંધવા દોરીની શોધાશોધ કરી, પણ ન મળી; બાપુજીએ ચીંથરાંમાંથી એક સરસ દોરી બનાવી. રાતે સૌ સાથે બેસી જમ્યાં. સૂરજ ઊગ્યે નીકળવાનું હોવાથી બાએ વહેલા સૂઈ જવાની વાત મૂકી, પણ બહાર ભાઈબંધોનું ટોળું — કાચનો કૂંપો, તેલની ધાર, મારા ભેરુને આવતાં કેટલી વાર? કરતું હતું, ચૂપકીથી સરી ગયો. પછી તો મોડી રાત જાતજાતની રમતોમાં વીતી. છેવટે અવનવાં સંસ્મરણોને સોડમાં તાણી સૂતો. વહેલી સવારે બાના મીઠડા સાદે ઉઠાડયો. રાંધણિયામાંથી બાપુજીનાં પ્રભાતિયાં સાથે કંઈક મીઠી સોડમ આવી રહી હતી. બા બીજાં કામમાં પડી હતી, બાપુજી ચૂલા આગળ બેઠા લાપસીની સંભાળ લેતા હતા. મેં ઝટપટ ઊઠી, દાતણપાણી પતાવી, બાએ આપ્યાં તે નવાં કપડાં પહેર્યાં, માથું ઓળ્યું. ઘરના વાતાવરણમાં ઉત્સાહ સાથે ઉદાસીયે છતી થતી હતી. મારું ચિત્ત ઘરની એકેએક ચીજવસ્તુ ધરાઈને જોઈ લેવામાં રોકાયું હતું. ગણેશનો ગોખલો, તુલસીનો ક્યારો, રિસાતી વખતની સદાયની સાથી એવી ઘર વચ્ચેની થાંભલી, અધ્ધર લટકતું છીકું, ગોળા પર ચિતરાયેલી ચકલી ને પૂતળી, નેવે લટકતું પંખીઓ માટેનું પરબ, લૂગડાંની વળગણી, ડામચિયો, રોટલા મૂકવાનો કોઠલો ને છેલ્લાં ચાર વરસનું સંગાથી નિશાળનું દફતર — બધાંએ મનનો ખૂણેખૂણો રોકી લીધો હતો. બાએ સાદ પાડયો એટલે અમે ભાઈઓ શિરામણ કરવા બેઠા. ફળફળતી લાપસીમાં બાએ વાઢીમાંથી ઘી પીરસ્યું. એમ લચપચતી લાપસી ને કઢીનું શિરામણ કર્યું. સામાન એકઠો કરી પ્રસ્થાનની પૂર્વતૈયારી કરી. બાએ મારે કપાળે ચાંદલો કર્યો, ઓવારણાં લીધાં, ગણપતિને ગોખલે બળતા દીવાનાં દર્શન કરાવી મનોમન પ્રાર્થના કીધી. ભાઈ તૈયાર થઈ ઊભા હતા. ગામના વિદ્યાર્થીઓ પણ આવી પહોંચ્યા હતા. મેં બા-બાપુજીને પ્રણામ કર્યા. બાએ મને ગોદમાં લીધો, બાપુજીએ માથે હાથ દીધો. મારા ગળામાંથી દબાયેલું ડૂસકું સરી પડ્યું. બાની આંખમાંથી આંસુ ખર્યાં. બાપુજી ગળું ખોંખારી આગળ ચાલ્યા — અમે પાછળ તણાયા. ચાલીને ચાર માઈલ દૂરના સ્ટેશને પહોંચવાનું હતું. જિંદગીનો પહેલો જ અનુભવ હતો ઘરથી જુદા પડ્યાનો. ઓસરી છોડી. આંગણામાં આવ્યાં ત્યારે સૂર્યનું પહેલું કિરણ ઘરની વંડીના છજા પર આવીને બેઠું. છાપરાની પાંખ નીચેથી બે પારેવાં પૂર્વ દિશામાં ઊડી ગયાં ને અમે પ્રયાણ કર્યું. આડોશીપાડોશી વળાવણે આવ્યાં, શીળી શિખામણ દીધી. સગાંવહાલાંએ મીઠી આશિષ આપી. અમે આગળ વધ્યાં. પાદરની ધૂળમાં પગલાં પાડતો હું ભાઈની પાછળ ખેંચાયો. હાથ આંખો લૂછવામાં રોકાયા હતા. બા-બાપુજી છેક પાદરની ધાર સુધી વળાવવા આવ્યાં… ઊંડા મારગની ઊંચી વાડો પાછળ અદૃશ્ય થઈએ તે પહેલાં બા-બાપુજીને એક વાર જોઈ લેવા મેં પાછળ નજર કરી, તો બા ટેકરા પર ઊભી આંખો લૂછતી હતી ને બાપુજી ઊંચા હાથ કરી વિદાય આપી રહ્યા હતા. મને એ હજુયે સાંભરે છે…