સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રણજિત પટેલ ‘અનામી’/અગમચેતી


એક વારના ગુજરાત રાજ્યના આરોગ્યપ્રધાન ડૉ. ઠાકોરભાઈ પટેલનાં મોટાં બહેન શ્રીમતી કમુબહેનનું અવસાન થયું. મારાં શ્રીમતીનાં એ ખાસ બહેનપણી. અમો એમના બેસણામાં ગયેલાં. બેસણામાં મૂકેલો સ્વ. કમુબહેનનો મોટો ફોટો જોઈ મારાં શ્રીમતીએ મને કહ્યું : “આપણે પણ બેસણા વખતે કામમાં આવે એવા બે મોટા ફોટા પડાવી લઈએ. છોકરાંઓને એટલી તકલીફ ઓછી.” મને હસવું તો આવ્યું, પણ ગૃહિણીના પ્રસ્તાવનો વિરોધ કર્યા વિના સરસ ફોટા પડાવ્યા. તા. ૧૨— ૧-૨૦૦૨ના રોજ શ્રીમતીનું અવસાન થતાં મને એમની અગમચેતી માટે અહોભાવ થયો! પણ મારા ફોટાના પૈસા હજી લેખે લાગ્યા નથી! [‘પ્રબુદ્ધ જીવન’ માસિક : ૨૦૦૪]