સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રણજિત પટેલ ‘અનામી’/જુનવાણી?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આજથી લગભગ સવાસો વર્ષ પહેલાં મારાં ગંગાદાદી, માંડ પંદર વર્ષની વયે કુલવધૂ બનીને બાવીસ જણના સંયુક્ત કુટુંબમાં આવ્યાં. પંચાણું વર્ષે તેઓ વૃદ્ધાવસ્થાને કારણે સ્વાભાવિક મૃત્યુ પામ્યાં. ત્રણ ત્રણ પેઢી સુધી એમણે ભર્યાભાદર્યા સંયુક્ત કુટુંબમાં એકચક્રી રાજ્ય કર્યું. બાવીસ સંતાનોના જન્મને જોયો… એમને મોટાં કર્યાં, ભરપટ્ટે સંસ્કાર આપ્યા ને પોતે પૂરા માનમરતબા સાથે સંસારની વિદાય લીધી. હું પચ્ચીસનો થયો ત્યાં સુધી મારાં ગંગાદાદીને જુનવાણી સમજતો હતો. પણ હવે આઠ દાયકા વિતાવ્યા બાદ એમને જુનવાણી નહીં પણ ઉપયોગિતાવાદી સમજ્યો છું. મારા જન્મ પહેલાં અમારા ઘરમાં એક ‘કોઠલો’ હતો. એમાં મોટે ભાગે ઘી— દૂધ-માખણ-રોટલાની છાબડી, કેરી-લીંબુ-મરચાનાં અથાણાં સચવાતાં. ‘કોઠલો’ ખૂબ મોટો મજૂસની પેટી જેવો, પણ ચીકણી માટીમાંથી બનાવેલો. ઢાંકણ વગેરે લાકડાનાં… માટીનું ફ્રીજ જોઈ લ્યો. ઘી-દૂધ-દહીં… કશું જ બગડે નહીં, ગમે તેટલી ઠંડી-ગરમી હોય! સંસ્કૃત ‘કોષ્ઠાગાર’, પ્રાકૃત ‘કોઠ્ઠાર’ પરથી કોઠાર શબ્દ ગુજરાતીમાં આવ્યો. કોઠલી કે કોઠલો — માટીની બનાવેલી નાની કોઠી જેમાં ખાદ્ય વસ્તુઓ મુકાય… કોઠારમાં અનાજ રખાય. પણ અમો ચારેય ભાઈઓ મોટા થયા, કૉલેજમાં ભણ્યા એટલે આ માટીનો કોઠલો અમને ‘જુનવાણી’ લાગ્યો. કોઈ પણ કારણસર એને ઘરમાંથી રૂખસદ આપવી જોઈએ. પણ દાદીના એકચક્રી સામ્રાજ્યમાં એ શી રીતે બને? પ્રથમ તો, ‘કોઠલા’ને દેશવટો દેવા માટે દલીલો કરી જોઈ : “દાદી, હવે આ કોઠલો ઠીક ઠીક ઘરડો થયો. એને રજા આપવી જોઈએ.” તરત જ દાદી બોલ્યાં : “હું ય ઘરડી થઈ છું… પહોંચાડો મને ય સ્મશાને.” “પણ દાદી, આ કોઠલો કેટલી બધી જગ્યા રોકે છે?’ દાદી બોલ્યાં : ‘તમારે નાગા થઈનેય નાચવું હોય તો આ ઘર તો ખેતર જેવડું મોટું છે.” “પણ દાદી, હવે આપણા ઘરમાં આ શોભતો નથી.” “જૂની વસ્તુઓથી ને ઘરડાં મા-બાપથી શરમાય એ માંણહના લેખામાં નહીં.” પત્યું, લાગ્યું કે આ પાણીએ મગ ચડનાર નથી. એટલે રફતે રફતે અમે ‘આતંકવાદ’નો આશરો લીધો ને કકડે કકડે ‘કોઠલા’ની ભાંગફોડ શરૂ કરી. રફતે રફતે ઉંદર— પ્રવેશ પૂરતી પ્રગતિ કરી! પછી દલીલ કરી : “દાદી! હવે તો કોઠલામાં ઉંદર બગાડ કરે છે…ઉંદરની પાછળ સાપ પણ પેસે તો કુટુંબમાં ન બનવાનું બને!” આખરે દાદી ઢીલાં પડ્યાં ને કોઠલાનો તો નિકાલ કરી દીધો, પણ દાદીએ બે દિવસ ખાધું નહીં. કુટુમ્બમાં કોઈનું અવસાન થયું હોય એવો શોક પાળ્યો. કોઠલાને સ્થાને અપ-ટુ-ડેટ કબાટ ને ફ્રીજ આવી ગયાં! અમારી દૃષ્ટિએ, દાદીને જુનવાણી ઠેરવતી બીજી વસ્તુ હતી… અનાજ ભરવાની બે માટીની તોતિંગ કોઠીઓ. એ બંને કોઠીઓ ઘરમાં ઠીક ઠીક જગ્યા રોકતી હતી. આમ તો અમારું ઘર વિશાળ હતું, પણ આ કોઠીઓ તોપખાના જેવી લાગતી. અનાજથી ઠસોઠસ ભરેલી કોઠીઓની નીચે એક બાજુ નાનું બાકોરું રાખવામાં આવતું. એને ડૂચાથી બંધ કરવામાં આવતું. જ્યારે કોઠીમાંથી અનાજ કાઢવાનું હોય ત્યારે ડૂચો દૂર કરવાનો, નળમાંથી પાણી નીકળે તેમ બાકોરામાંથી અનાજનો ધોધ વછૂટે. એ ક્રિયા કરવામાં રમતની મજા આવતી, પણ તોતિંગ એ બે માટીની તોપો દીઠેય ગમતી ન હતી. પિતાજીએ એમનાં બા (અમારાં દાદી)ને સમજાવી કોઠલા પાછળ બે કોઠીઓને ય વદાય કરી, એટલે ચારસો મણ અનાજ સમાય એવો કોઠાર બની ગયો. અલબત્ત, કોઠીઓમાં ક્યારેય જીવાત પડતી નહોતી. કોઠારમાં જીવાત અને ઉંદરથી અનાજનો બગાડ થવા લાગ્યો. હવે? અમારા ઘરમાં દળવાની બે દેશી ઘંટીઓ હતી. સવારે પાંચના સુમારે ઊઠીને બે વહુઓ દળવા બેસી જાય. દરરોજનો દશ શેર લોટ જોઈએ. ઘંટીએ દળેલા લોટની કમાલ જુદી! યંત્રા-ઘંટીએ દળેલા અનાજના લોટનું પોષકતત્ત્વ બળી જાય, ઘટી જાય ને એની ભાખરી-રોટલી-રોટલાની મીઠાશ પણ ચાલી જાય. ઠાગાઠૈયા કરી વહુઓએ દેશી ઘંટીને ય દેશવટો દીધો ને ઘરમાં દળવાની યંત્રા-ઘંટી આવી ગઈ. ત્રીજી પેઢીની વહુઓએ ભલે દેશી ઘંટીને દેશનિકાલ દીધો, પણ બીજી પેઢીની મારી પત્નીએ યંત્રાઘંટી હોવા છતાં યે એંશી વર્ષની જૈફ વયે પણ દેશી ઘંટીએ જ દળવાનું ચાલુ રાખ્યું. અમુક વસ્તુઓ દળવા માટે યંત્રા-ઘંટીનો ઉપયોગ થતો ને કેટલીક માટે દેશી ઘંટીનો. અમારા મસમોટા ઘરને પાણિયારે ચારેક ત્રાંબાનાં બેડાં, ચારેક ઘડા અને ચારપાંચ ઘડા સમાય એવડો મોટો માટીનો ગોળો રહેતો. ગોળામાં પાણી ખૂટે એટલે ત્રાંબાના ઘડા-બેડાંમાંથી ઠલવાય. ઉનાળામાંય એ ગોળો ફ્રીજની ગરજ સારે. પણ કોણ જાણે પિત્તળિયા ને ત્રાંબાની સંસ્કૃતિમાં એ ‘મૃત્તિકા-સંસ્કૃતિ’ શોભતી નહોતી. એકવાર મારાં બાની ગફલતથી ત્રાંબાનો ઘડો માટીના ગોળા સાથે અથડાયો ને ગોળો નંદવાઈ ગયો. એટલે દાદીનાં વાક્બાણ શરૂ થયાં. “ગોળો ફૂટે શેને? વીસ વીસ વરસથી એ સેવા આપતો હતો. અમારા રાજમાં ચાલે ને તમારા રાજમાં ફૂટે!” પિતાજીએ દલીલ કરી : “બા! માણસ જેવા માણસ મરી જાય છે ને! દરેકનું આયુષ્ય ખૂટે એટલે જવાનું.” પણ બેચાર દિવસ સુધી દાદીનો કકળાટ ચાલુ રહ્યો. છાણ-માટીથી ઓકળીઓ પાડેલું ઘર ત્યારે કલાત્મક લીંપણથી શોભતું, ઉનાળામાં ઠંડક ને શિયાળામાં ઉષ્મા આપતું. આજથી છ-સાત દાયકા પૂર્વે અમારા ઘરમાં ખીચડી તપેલીઓમાં નહીં પણ માટીનાં હાંડલાંમાં થતી, કઢી પણ. છાશ પણ મોટાં કાળાં માટલાંમાં સચવાય. દહીં અને અથાણાં પણ માટીના કટોરામાં રાખવાનાં. એની મીઠાશ કૈંક ઓર હતી. આજે સ્ટીલ-સંસ્કૃતિની ‘ફીકાશ’ અનુભવીએ છીએ. હું પચાસનો થયો ત્યાં સુધી, વતનમાં જવાનું થાય ત્યારે, દેશી ઘંટીથી દળેલા બાજરીના લોટના, કપાસની કરાંઠીના તાપે શેકેલા ત્રણ-ચાર રોટલા બૅગમાં ભરી લાવતો ને વડોદરામાં એની મીઠાશ માણતો ને ખાતાં ખાતાં બોલતો. ‘દાદી, તમે રજમાત્ર જુનવાણી નહોતાં, તમે તો ૧૦૦ ટકા ઉપયોગિતાવાદી હતાં.’ [‘પ્રબુદ્ધ જીવન’ માસિક : ૨૦૦૪]