સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રણજિત પટેલ ‘અનામી’/દીર્ઘજીવનની વાતો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લગભગ સાડા પાંચ દાયકાથી મને હોજરીનું અલ્સર છે. અનેક ડૉક્ટરો અને વૈદ્યોની દવાથી પણ મટતું નથી. મારા પિતાજીને મારી તબિયતની ખૂબ ચિંતા થતી હતી, પણ એક વાર મને ધીરજ ને આશ્વાસન આપતાં સહજ રીતે બોલી ગયા : “જો બેટા! દવા કરાવવાની, પણ ઝાઝી તો પ્રભુમાં શ્રદ્ધા રાખવાની; અને તારે ગભરાવાની કશી જ જરૂર નથી, કારણ કે આપણા કુટુંબમાં કોઈને જલદી મરવાની કુટેવ નથી.” મારા ચાર દાદા ને એ ચાર દાદાની ચાર બહેનો, એ આઠમાંથી એક જ દાદા એંશી પહેલાં ગયેલા, બાકી સાત જણ એંશીથી છન્નું સુધી જીવેલાં. મારા પિતાજી અઠયાસીએ ગયા ને મોટાભાઈ બ્યાસીએ. મારાં શ્રીમતી અઠયાસીએ ગયાં ને છ્યાસીએ હું હયાત છું. મારાં શ્રીમતી મારાથી બે વર્ષ ‘સિનિયર’ હતાં. ચારમાંથી મારી ત્રણ દાદીઓને મેં દીઠેલી, એંશીથી અઠ્ઠાણુની, ને મારાં બા પણ ચોર્યાસીનાં હતાં. મારો ચોથો નાનો ભાઈ પંચોતેર વટાવી ગયો છે ને સૌથી નાની બહેન પણ સિત્તેરે પહોંચી છે. મારો એક ત્રીજો ભાઈ એકાવને ગયો, કારણ કે એને ઘણાં વ્યસનો હતાં ને આરોગ્યના સામાન્ય નિયમોનું પણ પાલન કરતો નહોતો... ત્રણ ત્રણ વાર ગ્રેજ્યુએટ હતો છતાંય! શતાયુ જીવવાની ઇચ્છા ને શક્તિવાળા મારા પિતાજી એ પુત્રના અકાળ અવસાને અઠયાસીએ ચાલ્યા ગયા. આ બધું કહેવાનો આશય માત્રા એટલો જ છે કે દીર્ઘાયુષ્ય અને વંશવારસાને નખમાંસ જેવો પ્રગાઢ સંબંધ છે. જ્યારે રાષ્ટ્રીય આયુષ્યનો આંક ખૂબ જ ઓછો હતો ત્યારની અમારા કુટુંબની આ ઉજ્જ્વળ કથા છે. અમારા કુટુંબની લગભગ ૮૫ ટકા વ્યક્તિઓએ ચારથી છ પેઢી જોઈ છે. મારા પિતાજીના લોકિયા ગણિતે મને જીવનમાં ઠીક ઠીક ટકાવી રાખ્યો છે; બાકી મોટા ભાગના વૈદ્યો ને ડૉક્ટરોના કહેવા પ્રમાણે તો અર્ધી સદી પૂર્વે મારા જીવનનો અધ્યાય પૂરો થઈ ગયો હોત! કેટલાકને હું જીવી રહ્યો છું એનું આશ્ચર્ય છે. આજથી લગભગ સો સાલ પૂર્વે મારા સૌથી નાના દાદા ગુજરાતી પ્રાથમિક શાળામાં પાંચમા આસિસ્ટંટ શિક્ષક હતા ને એમનો પગાર ત્રણ રૂપિયા હતો. એક વાર હું માંદો પડયો તો મારા ૯૦ સાલના એ દાદા — વર્ધમાનરાયજી — મારી ખબર કાઢવા આવ્યા. એમનું ને અમારું ઘર લગભગ બસો ફૂટને અંતરે. આવીને, મને કહે : “ભાઈ રણજિત! તું બીમાર થઈ ગયો છે? શું થયું છે? ખાવાપીવામાં સાચવીએ ને લગ્નજીવનમાં વ્યવસ્થિત રહીએ તો તબિયતને શેના ગોબા પડે?” દાદાની એ વાત કેટલી બધી સાચી હતી! નેવું વર્ષે પણ એમની તબિયત રાતી રાયણ જેવી હતી. મેં એમને ભાગ્યે જ પથારીવશ જોયા હશે. અને આમેય (મારા ત્રીજા ભાઈ સિવાય) વર્ષોથી અમારા કુટુંબમાં જેને ગંભીર બીમારી કહેવાય તેવી આવી જ નથી. મોટે ભાગે સૌનું ‘એજિંગ’ને કારણે કુદરતી અવસાન થયેલ છે. મારા પિતાજી ૮૮ વર્ષે ગયા પણ કોઈ દિવસ માંદા પડ્યા નથી ને ઘરમાં ડૉક્ટર દીકરો હોવા છતાં પણ એક પાઈની દવા ખાધી નથી. ૮૨ વર્ષે ગુજરી ગયેલ મારા મોટા ભાઈ પ્રથમ વાર જ માંદા પડ્યા ને માંડ એકાદ અઠવાડિયામાં ગયા. ૯૮ સાલનાં મારાં ગંગાદાદી પથારીમાં સૂતાં તે સૂતાં! નહીં દવા કે નહીં દારૂ, કોઈની સેવા-ચાકરી પણ નહીં. આ બધાંનો વિચાર કરતાં મને જીવનપદ્ધતિ, આરોગ્ય અને દીર્ઘાયુષ્ય સંબંધે બે શબ્દો લખવાનું સૂઝે છે. મારા દાદા ને પિતાજીના જીવનને મેં નજીકથી જોયું છે ને ઝીણવટથી એનું પરીક્ષણ કર્યું છે. હાડે બંને અસલી ખેડૂત. પ્રભુમાં સંપૂર્ણ શ્રદ્ધા ને જીવતા જાગતા કર્મયોગ જેવું એમનું જીવન. જીવનમાં કોઈ જાતનું ‘ટેન્શન’ ન મળે. કુદરતને ખોળે નૈસર્ગિક જીવન જીવનારા એ જીવ; આહાર, વિહાર, નિહારમાં ખૂબ ચોક્કસ ને “આપ ભલા તો જગ ભલા” ને ‘કર ભલા, હોગા ભલા’ એ સૂત્રામાં ચુસ્ત રીતે માનનાર. કોઈને કશાનું વ્યસન જ નહીં. હા, દાદા થોડાક સમય માટે હુક્કો ગગડાવતા હતા, પણ એક જૈન મુનિના ઉપદેશથી સદાને માટે એનો ત્યાગ કર્યો હતો. પિતાજીને છાનામાના મેડી ઉપર, એક વાર બીડી પીતા જોઈ ગયો તો કહે : “બેટા! મને બીડીનું વ્યસન નથી, કોઈક વાર પેટમાં ગોળો ચડે છે તો બીડી પીવાથી ગોળો ઊતરી જાય છે.” દવા તરીકે બીડી પીતાં પણ ગુનાહિત માનસ વ્યક્ત કરતા મારા પિતાને કશાનું જ વ્યસન નહોતું... એ કૌટુંબિક સાત્ત્વિક પરંપરા ચાર પેઢી સુધી ઊતરી આવી છે. ટેન્શન-મુક્ત જીવનમાં તંદુરસ્ત સંયુક્ત કુટુંબનો ફાળો રજમાત્રા ઓછો નથી. અઠ્ઠાવન સાલનો મારો મોટો પુત્ર મહિના પહેલાં મને કહે : “પપ્પા! તમો ચાર ભાઈઓમાં અમો ચૌદ સંતાનો કેમ મોટાં થઈ ગયાં તેની કોઈને કશી ખબર પડી નહીં. જ્યારે આ બે ‘ટેણિયાં’(મારાં પ્રપૌત્રા-પ્રપૌત્રી)ને ઉછેરતાં ધોળે દિવસે આકાશના તારા દેખાય છે!” તંદુરસ્ત સંયુક્ત કુટુંબપ્રથાને આપેલી આ અંજલિ હતી. મારાં દાદા-દાદી ને માતા-પિતાએ કોઈ દિવસ હૉટેલ-પ્રવેશ કર્યો ન હતો, બહારનું કશું જ પેટમાં નાખેલું નહીં; હા, પિતાજી ક્વચિત્ અમદાવાદ ગયા હોય ને ભૂખ લાગી હોય તો ફળફળાદિથી ચલાવી લેતા, ક્વચિત્ જ ‘ચંદ્રવિલાસ’માં જઈ, છ પૈસામાં દાળભાત ખાઈ લે. મને અલ્સર થયું એનું કારણ, જૈન પરિભાષામાં કહું તો મારો ‘પ્રજ્ઞાપરાધ’ છે, કેમ કે ખાસ્સા એક દાયકા માટે હું પરીક્ષાના ‘મોડરેશન’ના કામે પુના જતો હતો ને ત્યાંની ‘રીટ્ઝ હૉટેલ’નું ખાતો હતો ને સાચા કે ખોટા ઉજાગરા કરતો હતો; પછી અલ્સર ન થાય તો બીજું શું થાય? દિવસમાં ૨૦-૨૫ કપ કૉફી ને ૨૫-૩૦ બીડીઓ ફૂંકનાર મારા ત્રીજા ભાઈને ચેતવણી આપતાં પિતાજીએ અનેક વાર કહેલું : “સાંભળી લે, તું મારા પહેલાં જઈશ.” દીકરો એકાવને ગયો ને બાપ અઠયાસીએ. કહેવાનો આશય એ કે પ્રજાકીય વારસાની જેમ કૌટુંબિક વારસો પણ, સારો કે ખોટો, ઇચ્છીએ કે ન ઇચ્છીએ તો પણ આપણે લલાટે લખાયેલો હોય છે જ. આની તુલનાએ મારા એક પરમ મિત્રાના કુટુંબના વારસાની વાત કરું. પ્રો. આર. સી. પટેલ, વડોદરાની મ. સ. યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર હતા. વર્ષો પૂર્વે અમો ને એમના બીજા બે ભાઈઓ એક જ ગુરુના વિદ્યાર્થી. આ સમગ્ર કુટુંબના વારસામાં હૃદયરોગ ઊતરી આવેલો! માતા, પિતા, મોટા ભાઈ, નાના ભાઈ ને પોતે. બધા જ હાર્ટ-એટેકમાં ગયા. સાઠ પણ પૂરાં ન કરી શક્યા. પ્રો. આર. સી.ના નાના ભાઈ શ્રી બાબુભાઈનો દીકરો પરદેશ ભણી આવી વડોદરે આવ્યો. એના લગ્નની વાત ચાલી ત્યારે એ નવયુવકે જ કન્યાનાં માતાપિતાને જણાવી દીધું કે “જુઓ મુરબ્બી! અમારા કુટુંબમાં લગભગ બધા જ ‘હાર્ટ-એટેક’માં જાય છે. સંભવ છે કે મારું અવસાન પણ એ રીતે થાય...... ને હું મારાં દાદા, દાદી, મોટા બાપા, કાકા ને પિતાજીની માફક વહેલો જાઉં તો તમારી દીકરી વિધવા થશે. આ વિગતને ખ્યાલમાં રાખી આગળ વાત કરીએ.” આ બધાં ઉપરથી મને વિચાર આવ્યો કે આપણાં સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્યનાં પરિબળો ક્યાં છે? આપણે અમિતાભ બચ્ચન ને માધુરી દીક્ષિતની કુટુંબકથામાં રસ લઈએ છીએ, પણ આપણા કુટુંબની આવી મહત્ત્વની બાબતમાં બેદરકાર રહીએ છીએ. પોષક, સુપાચ્ય, સમતોલ આવશ્યક આહાર, સ્વચ્છ હવાપાણી, મોકળાશભર્યું રહેઠાણ, આનંદપ્રદ વાતાવરણ, ટેન્શનમુક્ત જીવન, આરામ વગેરે આરોગ્ય અને દીર્ઘજીવન માટે અનિવાર્ય આવશ્યકતાઓ છે. આમ છતાંયે કેટલાંક જીન્સ (જીવનાં બીજ) જ એવાં હોય કે ઉપર્યુક્ત સાનુકૂળ પરિસ્થિતિઓને લેખે લગાડી શકે નહીં; ખોરાક-કસરત-આરામને પચાવી શકે નહીં. વાતાવરણનો ઉપભોગ કરવાની ન્યૂનાધિક તાકાતને કારણે જ, એક જ માબાપનાં સંતાનનાં શરીરમાં ફેરફાર વરતાય. આ ફેરફારનું સાચું ને ન બદલી શકાય તેવું કારણ તેના બીજમાં રહેલી જીવનશક્તિની ભિન્નતા છે. જીવનશક્તિ એટલે પ્રકૃતિનાં કેટલાંક તત્ત્વોને પચાવી આત્મસાત કરી દેવાની શક્તિ. બીજનાં અંગોને વિકસાવી જાતીય સ્વરૂપ દેવાની શક્તિ, હેતુપુરઃસર કામ કરવાની જ્ઞાનશક્તિ ને જીવન કલહ-વિગ્રહસંગ્રામમાં ઝૂઝવાની શક્તિ. બીજમાં નિહિત જીવનશક્તિનાં આ તત્ત્વો વિકાસનાં ખરાં કારણો છે. એટલે વિકાસનું ખરું કારણ ખોરાક, વાતાવરણ ઉપરાંત બીજની આ જીવનશક્તિની મૂડી છે. આથી એ પણ સમજાય છે કે કોઈ પણ શરીર તદ્દન સ્વતંત્રા વ્યક્તિ નથી પણ, તેના વંશ ને માતા-પિતાની સુધારાવધારાવાળી આવૃત્તિ છે. અત્યારની બદલાયેલી જાગતિક પરિસ્થિતિમાં આપણે આહારનું મહત્ત્વ ભૂલ્યા છીએ, સાચા આનંદનું સ્વરૂપ સમજ્યા નથી, ટેન્શનયુક્ત જીવનપ્રવાહમાં તૃણવત તણાયે જઈએ છીએ. વિજ્ઞાન તથા ઔષધોને કારણે ભલે આપણો રાષ્ટ્રીય આયુષ્ય-આંક વધ્યો હોય, પણ આપણી જીવનશક્તિનો તો સરવાળે હ્સા જ થયો છે, આપણી કાર્યક્ષમતા ઘટી છે ને શ્વસનને જો જીવન કહેવાતું હોય તો શ્વસી રહ્યા છીએ, પણ સાચું જીવન જીવી રહ્યા છીએ એમ ન કહેવાય.