સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રતુભાઈ અદાણી/વજુભાઈનાં આંસુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અરધી સદીના શ્રી વજુભાઈ સાથેનાં સંભારણાંમાં માત્ર એક વખત મેં એમને રડતા જોયા હતા. ૧૯૩૦માં મેઘાણીભાઈને બે વરસની કેદની સજા ન્યાયાધીશે કરી અને ધંધુકાની કોર્ટમાં— હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ... એ ગીત મેઘાણીભાઈએ જ્યારે ગાયું, ત્યારે વજુભાઈ ભર અદાલતમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. તે પછી જાહેર અને અંગત જીવનની અનેક તડકી-છાંયડી વચ્ચે પણ વજુભાઈની આંખમાં મેં કદી આંસુ જોયાં નહોતાં. પરંતુ ૧૯૮૩ના આરંભમાં એમનું અવસાન થયું તે પહેલાં થોડા દિવસે અમદાવાદમાં હું એમને મળવા ગયો, ત્યારે બીજી વખત મેં એમની આંખમાં આંસુ જોયાં. દમના લાંબા વ્યાધિમાં એમનું શરીર ક્ષીણ થઈ ગયું હતું. મને આવેલો જોઈને એ સૂતા હતા તે બેઠા થવા ગયા. મને લાગ્યું કે હવે તેઓ કદી બેઠા થાય તેમ નથી. ત્યારે એમની આંખમાં મેં આંસુ જોયાં. વજુભાઈ એટલું બોલ્યા કે— “આ શરીરને મેં ઘણું કષ્ટ આપ્યું છે. પણ મને કોઈ વેદના કે ચિંતા નથી. મંગલ જીવન જીવું છું. ગાંધી-મૂલ્યોનો હ્રાસ કેટલાક વખતથી થઈ રહ્યો છે, નૈતિક ને સામાજિક મૂલ્યો નષ્ટ થઈ રહ્યાં છે. તેની સામે પડકાર ફેંકવાનું કામ આપણામાંથી તેં ઉપાડ્યું છે. ગાંધી-મૂલ્યોના જતન માટે આહ્લેક જગાડવાનું કામ તેં શરૂ કર્યું છે, તેના ઉલ્લાસમાં આજે મારી આંખમાંથી આંસુ સરે છે.”