સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણલાલ ચી. શાહ/ફાધર બાલાગેર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ફાધર બાલાગેરનું લગભગ ૯૭ વર્ષની વયે ૧૯૯૭માં અવસાન થયું. એમના અવસાનથી ભારતને જીવન સમર્પિત કરનાર એક વિદેશી મિશનરી શિક્ષણશાસ્ત્રીની ખોટ પડી. ફાધર મેલ્કિઓર બાલાગેરનો જન્મ સ્પેનમાં ૧૯૦૦માં થયો હતો. પંદર વર્ષની વયે દીક્ષિત થઈ તેઓ સોસાયટી ઓફ જીસસમાં જોડાયા હતા. જેસ્યુઇસ્ટ સંઘમાં જોડાઈને ફાધરે લગભગ ૮૨ વર્ષ એ સંઘમાં પૂરાં કર્યાં હતાં. મુંબઈમાં કોઈ રોમન કેથોલિક પાદરીએ આટલાં બધાં વર્ષ પૂરાં કર્યાં હોય એવું જાણવામાં આવ્યું નથી. બાળબ્રહ્મચારી તરીકે ખ્રિસ્તી સંઘમાં દીક્ષિત થઈને ફાધર બાલાગેરે સુદીર્ઘકાળનું સેવાપરાયણ સંયમજીવન પસાર કર્યું હતું. અનેકવિધ પ્રવૃત્તિઓથી અને સિદ્ધિઓથી તેમનું જીવન સફળ બન્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ફાધર બાલાગેર સ્પેનથી હિંદુસ્તાન આવ્યા હતા. હિંદુસ્તાન એટલે એમને માટે અજાણ્યા લોકો, અજાણી ભાષાઓ, અજાણ્યા સંસ્કાર અને રીતરિવાજવાળો દેશ. ત્યાં જઈને એમણે કાયમ માટે વસવાટ કરવાનો હતો. ઉપરી અધિકારીઓનો હુકમ થયો એટલે તેઓ હિંદુસ્તાનમાં આવીને રહ્યા અને ઝેવિયર્સ કૉલેજમાં ફિલોસોફીના પ્રોફેસર તરીકે જોડાયા હતા. ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે કામ કર્યા પછી ફાધરે મુંબઈના રોમન કેથોલિક ખ્રિસ્તીઓના ‘વિકાર જનરલ’ તરીકે કામ કર્યું. ત્યાર પછીથી ૧૯૪૯માં તેઓ ઝેવિયર્સ કૉલેજમાં પ્રિન્સિપાલ તરીકે જોડાયા. આચાર્ય તરીકે જવાબદારી સ્વીકારી લીધા પછી ફાધર બાલાગેરે કૉલેજમાં કેટલાક મહત્ત્વના ફેરફારો કર્યા. એમણે કૉલેજને વિવિધ પ્રવૃત્તિઓથી ધમધમતી કરી દીધી અને સાથે સાથે શૈક્ષણિક દૃષ્ટિએ પણ કૉલેજની ઘણી સારી પ્રગતિ સાધી. કૉલેજના પરિસરમાં ઘણી નવી નવી સગવડો ઊભી કરી. વિદ્યાર્થીઓ માટે શૌચાલયની પૂરતી સગવડ પણ નહોતી અને જીમખાનાની સગવડ નહોતી; તો તે માટે નવું મકાન કરાવ્યું. વૃદ્ધ અધ્યાપકો માટે લિફ્ટની વ્યવસ્થા કરી. સ્ટાફના દરેક સભ્યને પોતાનું સ્વતંત્રા લૉકર હોવું જોઈઅ, એ માટે નવાં લોકર બનાવડાવ્યાં. સ્ટાફરૂમમાં ટેલિફોન અને ચાપાણીની વ્યવસ્થા કરાવી. વિદ્યાર્થીઓ માટે મોટી કેન્ટિન કરાવી. એમણે કૉલેજમાંનાં જૂનાં મંડળોને વધુ સક્રિય કર્યાં અને સોશિયલ સર્વિસ લીગ વગેરે કેટલાંક નવાં મંડળો શરૂ કરાવ્યાં. રમતગમતમાં કૉલેજને આંતરકૉલેજ સ્પર્ધામાં પ્રથમ સ્થાન અપાવ્યું. સ્ટાફની બાબતો માટે સ્ટાફ કાઉન્સિલની અને વિદ્યાર્થીઓના પ્રશ્નાો માટે સ્ટુડન્ટ્સ કાઉન્સિલની રચના કરી અને એની વખતોવખત મળતી દરેક મિટિંગમાં પોતે જાતે હાજર રહેવા લાગ્યા. વિદ્યાર્થીઓને લોકશાહી પદ્ધતિની તાલીમ મળે એટલા માટે ‘Mock Parliament’ નામની પ્રવૃત્તિ ચાલુ કરી, જે જોવા માટે બહારના પણ ઘણા માણસો આવતા. કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટેના મંડળને સક્રિય કર્યું. કૉલેજના મેગેઝિનમાં ગુજરાતી, મરાઠી અને હિંદી ભાષાના વિભાગ દાખલ કરાવ્યા. કૉલેજ મેગેઝિન ઉપરાંત ‘ઝેવરિયન’ નામનું માસિક બુલેટિન વિદ્યાર્થીઓ દ્વારા ચાલુ કરાવ્યું. આવી તો ઘણી બધી નવી પ્રવૃત્તિઓ પોતાની સૂઝ, મૌલિક દૃષ્ટિ, ઉત્સાહ વગેરે દ્વારા એમણે શરૂ કરાવી. તેઓ પોતે યુનિવર્સિટીની જુદી જુદી સમિતિઓમાં સક્રિયપણે ભાગ લેવા લાગ્યા. બેત્રાણ વર્ષમાં તો ચારે બાજુ ઝેવિયર્સ કૉલેજનું નામ ગાજતું થઈ ગયું. ગોરા, ઊંચા, લંબગોળ ચહેરો અને ધારદાર આંખોવાળા ફાધરના ઉચ્ચારો ફ્રેન્ચ લોકોની જેમ અનુનાસિક હતા, પણ તે પ્રિય લાગે એવા હતા. રમૂજ કરવાના એમના સ્વભાવને લીધે એમના સાંનિધ્યમાં એમની ઉપસ્થિતિનો બોજો લાગતો નહિ. કોઈ પણ પ્રસંગે બોલવા માટે એમને પૂર્વતૈયારીની જરૂર રહેતી નહિ. તેમની ગ્રહણશક્તિ અને અભિવ્યક્તિ સતેજ હતી. સેંકડો વિદ્યાર્થીઓને તેઓ નામથી ઓળખતા.

*

અગાઉ ઝેવિયર્સ કૉલેજમાં વિદ્યાર્થીઓને માર્ક પ્રમાણે કૉલેજમાં પ્રવેશ અપાઈ જતો. ત્યારે ઝેવિયર્સમાં દાખલ થવા માટે એટલો બધો ધસારો પણ નહોતો. ફાધર બાલાગેરે આચાર્ય તરીકે જવાબદારી સંભાળ્યા પછી દરેક વિદ્યાર્થીની જાતે મુલાકાત લઈ પછી એને દાખલ કરવાની પદ્ધતિ અપનાવી. કૉલેજના હૉલમાં વિદ્યાર્થીઓને બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી. મુલાકાત પછી દાખલ કરવામાં આવેલા વિદ્યાર્થીને તે જ વખતે જાણ કરી દેવામાં આવતી અને તરત ફી ભરાઈ જતી. આર્ટ્સ અને સાયન્સમાં વિદ્યાર્થીઓ તો નવસો જ દાખલ કરવાના રહેતા, પણ દાખલ થવા માટે બે હજારથી વધુ વિદ્યાર્થીઓ આવતા. ફાધર દરેકની સાથે સરખી વાતચીત કરે. માર્ક સારા હોય, પણ વિદ્યાર્થી એટલો હોશિયાર ન લાગે તો તેને દાખલ કરતા નહિ. થોડા ઓછા માર્ક હોય પણ વિદ્યાર્થી હોશિયાર, ચબરાક, તેજસ્વી લાગે તો તેને દાખલ કરતા. ચારપાંચ દિવસ સુધી વિદ્યાર્થીઓની મુલાકાત લેવાતી. જાણે મોટો મેળો જામ્યો હોય એવું દૃશ્ય લાગતું. ફાધર બાલાગેર સવારના આઠ વાગ્યાથી સાંજના સાત સુધી, થાક્યા વગર મુલાકાત લેવાનું કાર્ય સતત કરતા. સવારનો નાસ્તો કે બપોરનું ભોજન તેઓ જતું કરતા. વિદ્યાર્થીઓની મુલાકાત દરમિયાન તેઓ આખો દિવસ વચ્ચે વચ્ચે લીંબુ-પાણીના થોડા થોડા ઘૂંટડા પીધા કરતા. એ વખતે ફાધરની કાર્યદક્ષતાથી અને અથાગ ઉત્સાહથી કામ કરવાની પદ્ધતિથી બધાંને એમને માટે બહુ માન થતું. ફાધર લાગવગને વશ થતા નહિ, તેમ એટલા બધા કડક પણ રહેતા નહિ. ફાધરને પોતાને વિદ્યાર્થીઓની આ મુલાકાતોથી લાભ થતો, અને બીજી બાજુ વિદ્યાર્થીઓને પણ લાભ થતો. ફાધરની ઉદારતા અને માનવતાના પણ અનુભવો થતા. ગરીબ વિદ્યાર્થીની ફી તેઓ તે જ વખતે માફ કરી દેતા. સૌજન્યશીલતા એ ફાધરનો એક ઉચ્ચ સદ્ગુણ હતો. તેઓ દરેકને સહાયરૂપ થવા હંમેશાં તત્પર રહેતા. કૉલેજના પ્રિન્સિપાલનો એક મોટો કસોટીનો કાળ તે નવા વિદ્યાર્થીઓને દાખલ કરતી વેળાનો રહેતો. ચારે બાજુથી દબાણ આવે. દબાણ આવે તે નબળા વિદ્યાર્થીઓ માટે જ હોય અને નબળા વિદ્યાર્થીઓની સંખ્યા વધી જાય તો કૉલેજનાં પરિણામ પર અસર પડે. ફાધર મક્કમ હતા, છતાં નિષ્ઠુર નહોતા. કોઈને દાખલ ન કરવો હોય તો પણ ફાધર એને પ્રેમથી સમજાવે, ક્યારેક તો સમજાવવામાં કલાક કાઢી નાખે. “ના” કહીને તરત વિદાય ન કરી દે. એક વખત, કૉલેજમાં દાખલ થવા આવેલા બહારગામના એક વિદ્યાર્થીની મુલાકાત લેતાં ફાધરે આનંદ વ્યક્ત કરતાં કહ્યું, “તારા પંચ્યાશી ટકા કરતાં પણ વધારે માર્ક છે એટલે સ્કૂલમાં પણ તારો પહેલો નંબર હશે!” “ના, સ્કૂલમાં મારો બીજો નંબર છે.” વિદ્યાર્થીએ કહ્યું. “તો પહેલે નંબરે આવનારના કેટલા માર્ક છે?” “એના માર્ક તો નેવ્યાશી ટકા છે. એ તો બહુ જ હોશિયાર વિદ્યાર્થી છે.” “તો એ કઈ કૉલેજમાં દાખલ થવાનો છે?” “ના, એ તો ભણવાનો જ નથી.” “કેમ?” “એની પાસે ભણવાના પૈસા જ નથી. એ બહુ ગરીબ છોકરો છે.” ફાધર એક મિનિટ વિચારમાં પડી ગયા — એક તેજસ્વી છોકરો ગરીબીને કારણે આગળ ભણી નહિ શકે! ફાધરે કહ્યું, “તું મને એ છોકરાનું નામ અને સરનામું કાગળ પર લખી આપ.” તરત ને તરત ક્લાર્કને બોલાવી ફાધરે તે જ વખતે એ છોકરાને Reply Paid Express તાર કરાવ્યો. તારમાં જણાવ્યું કે જવા-આવવાનું ભાડું, કૉલેજની ફી, હૉસ્ટેલમાં રહેવાનો ખર્ચ વગેરે આપવામાં આવશે, માટે તરત મુંબઈ આવીને મળી જા.” છોકરો આવી પહોંચ્યો. ગરીબ અને ગભરુ હતો, પણ ઘણો જ તેજસ્વી હતો. ફાધરે એને કૉલેજમાં દાખલ કર્યો અને બધી જ સગવડ કરી આપી.

*

ત્રીજી ડિસેમ્બર એટલે કૉલેજનો વાર્ષિક દિવસ, કારણ કે એ સેંટ ફ્રાન્સિસ ઝેવિયર્સનો જન્મદિવસ. એ દિવસે કૉલેજમાં રજા પડે. પહેલાંના વખતમાં એ દિવસે બીજી કંઈ પ્રવૃત્તિ રહેતી નહિ. ફાધર બાલાગેરે એ દિવસને વધુ મહિમાવંતો બનાવ્યો. એ સાંજે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખ્યો. સાથે મનોરંજનનો કાર્યક્રમ પણ હોય. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ નિમંત્રાણ અપાય. એકાદ ભૂતપૂર્વ વિદ્યાર્થીને જ અતિથિવિશેષ તરીકે બોલાવાય. કૉલેજના હજારેક વિદ્યાર્થીઓ બેસી શકે એ માટે કમ્પાઉન્ડમાં ખુલ્લામાં મંચ બાંધી ઠાઠમાઠથી કાર્યક્રમ યોજાવા લાગ્યો. પછી તો મહિના અગાઉથી બધી તૈયારીઓ થવા લાગતી. વિદ્યાર્થીઓ પણ ઉત્સુકતાથી એ દિવસની રાહ જોવા લાગતા. કૉલેજની પ્રવૃત્તિઓમાં આ કાર્યક્રમ એક યશકલગીરૂપ બની ગયો હતો.

*

૧૯૫૦માં હું ગુજરાતી વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. થયો. ગુજરાતી વિષયમાં યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે આવવા છતાં કોઈ કૉલેજમાં અધ્યાપક તરીકેની નોકરી મળી નહિ. એટલે મુંબઈમાં ‘જનશક્તિ’ વર્તમાનપત્રાના તંત્રી વિભાગમાં મેં જવાબદારી સ્વીકારી લીધી. નોકરીને છએક મહિના થયા હશે ત્યાં એક દિવસ મારા પ્રોફેસર શ્રી મનસુખલાલ ઝવેરી “જનશક્તિ”માં મને મળવા આવ્યા. એમણે પૂછ્યું, “જૂનથી ઝેવિયર્સમાં ગુજરાતીના લેક્ચરર તરીકે જોડાવ ખરા? અમે તમારું નામ સૂચવ્યું છે અને ફાધર તમને સારી રીતે ઓળખે છે. એમની પણ ઇચ્છા છે કે તમે ઝેવિયર્સમાં જોડાવ.” ‘જનશક્તિ’માં મને લેક્ચરર કરતાં પણ વધુ પગાર મળતો હતો, પણ કૉલેજમાં લેક્ચરર તરીકે સ્થાન મળતું હોય તો એ વધારે ગમતી વાત હતી. મારા અધ્યાપકો મનસુખભાઈ ઝવેરી અને ગૌરીપ્રસાદ ઝાલા સાથે હું ફાધર બાલાગેરને મળ્યો. ફાધરે પોતાનો આનંદ વ્યક્ત કર્યો. ફાધરે દરખાસ્ત મૂકી : “તમે જુવાન છો, નાની ઉંમરના છો; મારી તમને વિનંતી છે કે તમે સાથે એન.સી.સી.માં ઑફિસર તરીકે પણ જોડાવ.” મેં તે માટે સંમતિ આપી અને પૂના જઈ એન.સી.સી. માટે ઇન્ટરવ્યૂ પણ આપી આવ્યો. પસંદગી થઈ અને માર્ચથી જૂન સુધી બેલગામના લશ્કરી મથકમાં તાલીમ લેવાનું પણ ગોઠવાઈ ગયું. ફાધર સાથે બધી વાતચીત બરાબર થઈ ગઈ હતી, પરંતુ મારા હાથમાં એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યો ત્યારે તે પાર્ટટાઇમ લેક્ચરરનો હતો. હું ફાધર પાસે પહોંચ્યો. ફાધરે હેડક્લાર્કને બોલાવ્યો. એણે કહ્યું, “પ્રો. શાહનું અધ્યાપનકાર્ય તો ૨૦મી જૂનથી થશે. એન.સી.સી.ની તાલીમ માટે આપણે ચાર મહિના અગાઉથી એપોઇન્ટમેન્ટ આપવી પડે. આ ચાર મહિનાનો પગાર તો વગર ભણાવ્યે જ કૉલેજને આપવો પડે. એટલે હાલ પાર્ટટાઇમ એપોઇન્ટમેન્ટ આપી છે.” મેં કહ્યું, “કૉલેજે વગર ભણાવ્યે એ પગાર આપવો પડે છે. પરંતુ હું તો બીજી ફુલટાઇમ નોકરી છોડીને કૉલેજના કામ માટે તાલીમ લેવા જાઉં છું. મને તો આર્થિક નુકસાન થાય છે.” ફાધરે મને જૂનથી ફુલટાઇમ કરી આપવાનું વચન આપ્યું. છેવટે ફાધરની વિનંતી મારે સ્વીકારવી પડી. એન.સી.સી.ની તાલીમ લઈ હું મુંબઈ પાછો આવ્યો અને કૉલેજમાં જોડાઈ ગયો. જૂનમાં મને ફુલટાઇમ કરવાની વાત કૉલેજે કરી નહિ, એટલે મેં મનસુખભાઈ અને ઝાલાસાહેબને વાત કરી. તેઓ ફાધર પાસે ગયા. વાતવાતમાં બે મહિના નીકળી ગયા. પછી એક દિવસ ફાધરને મળી આવીને તેઓએ મને કહ્યું, “રમણભાઈ, ફાધર તો ફુલટાઇમ કરવાની ના પાડે છે. હેડ ક્લાર્કે કહ્યું કે ફુલટાઇમ થવા માટે તમારે ભાગે અઠવાડિયે દસ લેક્ચર લેવાનાં હોવાં જોઈએ. પણ તમારી પાસે તો નવ લેક્ચર જ છે.” “પણ હું તો તેર લેક્ચર લઉં છું.” “પણ ક્લાર્કે કહ્યું કે યુનિવર્સિટીના નિયમ પ્રમાણે તમારે ભાગે નવ લેક્ચર આવે છે.” મેં મનસુખભાઈ અને ઝાલાસાહેબને કહ્યું, “હું મારી ફુલટાઇમ નોકરી છોડીને કૉલેજમાં આવ્યો તે વખતે ફાધરે ફુલટાઇમની વાત કરી હતી. હવે યુનિવર્સિટીનો નિયમ બતાવી ફુલટાઇમ કરવાની કૉલેજ ના પાડે તે બરાબર ન કહેવાય.” તેઓએ કહ્યું, “રમણભાઈ, અમે ફાધર સાથે બે કલાક માથાકૂટ કરી. કહેવાય એવા કડક શબ્દોમાં કહ્યું. પરંતુ ફાધર છેવટ સુધી મક્કમ જ રહ્યા. આવું થશે એવી અમને કલ્પના પણ નહોતી. અમે દિલગીર છીએ કે હવે આમાં અમે બીજું કશું કરી શકીએ એમ નથી. એટલે કૉલેજમાં રહેવું કે ન રહેવું એ નિર્ણય તમારે કરવાનો છે.” એમ કરતાં કરતાં પહેલું સત્રા પૂરું થઈ ગયું. મને થયું કે નોકરી છોડતાં પહેલાં મારે ફાધરને ફરી એક વખત જાતે મળી લેવું જોઈએ. હું ફાધર પાસે ગયો. ફાધરે યુનિવર્સિટીના એ જ નિયમોની વાત કરી. મેં ફાધરને કહ્યું, “તમે જાણો છો કે હું ફુલટાઇમ નોકરી છોડીને અહીં આવ્યો છું. આ મારી માતૃસંસ્થા છે અને એને માટે મને અત્યંત પ્રેમ છે. મને અહીં ભણાવવું ગમે છે, પરંતુ મારે મારા કુટુંબનું પણ જોવું જોઈએ. અમે સાધારણ સ્થિતિના માણસો છીએ. મારાં માતા-પિતા પૂછે છે કે વધારે પગારની નોકરી છોડીને ઓછા પગારની નોકરી મારે શા માટે ચાલુ રાખવી જોઈએ?” ફાધરે કહ્યું, “એ બધું સાચું, પણ કૉલેજ આમાં કશું કરી શકે એમ નથી. હું એ માટે દિલગીર છું.” “તો ફાધર, મારે આપણી કૉલેજની નોકરી છોડી દેવી પડશે. હું કેટલા બધા ભાવથી કૉલેજમાં જોડાયો અને હવે દુઃખ સાથે મારે કૉલેજ છોડવી પડશે. મારા ઘરની આર્થિક સ્થિતિ જોતાં હું પાર્ટટાઇમ નોકરી ચાલુ રાખી શકીશ નહિ.” આટલું બોલતાં બોલતાં તો મારી આંખમાંથી દડદડ દડદડ આંસુ સરી પડ્યાં. હું ઊભો થઈ ગયો. ફાધર પણ ઊભા થઈ ગયા. તેઓ બોલ્યા, “પ્રો. શાહ, લાગણીવશ ન થાઓ.” હું અસ્વસ્થ ચિત્તે સ્ટાફરૂમમાં આવીને બેઠો. દસેક મિનિટ થઈ હશે ત્યાં સંદેશો આવ્યો કે “ફાધર તમને બોલાવે છે.” હું પહોંચ્યો. ફાધરે મને બેસાડયો અને મારા હાથમાં પત્રા આપતાં કહ્યું, “પ્રો. શાહ, તમે મારા હૃદયને હલાવી નાખ્યું. તમારે માટે તરત જ ફુલટાઇમ એપોઇન્ટમેન્ટનો લેટર ટાઇપ કરાવી નાખ્યો. આ તમારો એપોઇન્ટમેન્ટ લેટર. આ કૉલેજ માટેની તમારી લાગણી મને સ્પર્શી ગઈ છે. તમારા કામ માટે મને બહુ આદર છે. એન.સી.સી.માં પણ તમારું કામ વખણાય છે. આશા રાખું છું કે હવે તમારે બીજે ક્યાંય જવાનો કોઈ વિચાર નહિ કરવો પડે.” ફુલટાઇમ એપોઇન્ટમેન્ટનો પત્રા મળતાં ફરી મારી આંખમાંથી આંસુ વહ્યાં.

*

આ ઘટના પછી ફાધર બાલાગેર સાથે મારી આત્મીયતા વધી ગઈ. તેઓ વારંવાર એન.સી.સી.ની પરેડ જોવા આવતા અને એન.સી.સી.ના કેમ્પમાં પણ આવતા, એથી પણ આત્મીયતામાં ઉમેરો થતો રહ્યો હતો. ફાધર બાલાગેર અમારા એન.સી.સી. કેમ્પની દર વર્ષે મુલાકાત લેતા અને બે દિવસ રોકાતા. સામાન્ય રીતે અન્ય કૉલેજના પ્રિન્સિપાલો જવલ્લે જ કેમ્પની મુલાકાત લેતા. પણ ફાધર વાર્ષિક સ્પર્ધાઓના આગલે દિવસે આવી જતા. કૉલેજના બધા કેડેટોને અમે એકત્ર કરતા અને ફાધર તેઓને ઉદ્બોધન કરતા. બીજાને જશ આપવાની ફાધરની નીતિ રહેતી. તેઓ અમારા કંપની કમાન્ડરની અને ઓફિસરોની ભારે પ્રશંસા કરતા. કેડેટો ઉત્સાહી થઈ જતા અને પરેડ તથા બીજાં બધાં કામ ચીવટ ને ખંતપૂર્વક કરતા. એક વખત અમારો વાર્ષિક કેમ્પ દેવલાલીમાં હતો. ફાધર એ કેમ્પમાં આવવાના હતા. પરંતુ એમને બહારગામથી મુંબઈ પાછા ફરતાં મોડું થઈ ગયું અને મુંબઈથી દેવલાલીની સવારની ટ્રેન તો નીકળી ગઈ. એ દિવસોમાં ટ્રેન ઓછી હતી. હવે કરવું શું? ફાધર વિમાસણમાં પડી ગયા. મુંબઈથી દેવલાલી સુધીનો મોટરકારનો રસ્તો ઘણો જ ખરાબ હતો. છથી આઠ કલાકે મોટરકાર પહોંચે. મોટરકારની વ્યવસ્થા તરત થઈ શકે એમ પણ નહોતી. કૉલેજની ઑફિસમાં કામ કરતા બ્રધર સાબાતે મોટરસાઇકલ ચલાવતા. ફાધર બાલાગેરે તેમને પૂછી જોયું કે મોટરસાઇકલ પર તેઓ તેમને દેવલાલી લઈ જઈ શકે કે કેમ? બ્રધરે કહ્યું કે રસ્તો ઘણો હાડમારીવાળો અને થકવનારો છે, છતાં ફાધરની આજ્ઞા થાય તો પોતે તેમને લઈ જવા તૈયાર છે. ફાધરે હિંમત કરી અને બ્રધરને કહ્યું કે પોતે દેવલાલી જવા તૈયાર છે. ફાધરને પાછળની સીટ પર બ્રધરના ખભા પકડીને બેસવાનું હતું. આઠ કલાકની મોટરસાઇકલ — મુસાફરી કરીને ફાધર આવી પહોંચ્યા. એથી એમને ઘણો પરિશ્રમ પડયો હતો. પણ એમના આગમનથી કેડેટોનો ઉત્સાહ વધી ગયો. ફાધર વિદ્યાર્થીઓના અને કૉલેજના કામ માટે શારીરિક કષ્ટની પરવા ન કરતા. ફાધર બહારગામ કાર્યક્રમોમાં ભાગ લેવા બહુ જતા. રેલવેમાં રિઝર્વેશન મળે ન મળે તેની બહુ દરકાર કરતા નહિ. રાતની મુસાફરીમાં ક્યારેક રિઝર્વેશન વગરના ડબ્બામાં બેસવાની જગ્યા મળી ન હોય તો નીચે કશુંક પાથરીને બેસી જતા. પોતાના પદની મોટાઈની જરા પણ સભાનતા ફાધરમાં નહોતી. એક વખત સમાજસેવા માટેના એક કેમ્પમાં જઈને ફાધર બાલાગેર વિદ્યાર્થીઓ સાથે રહ્યા હતા. પરંતુ એ ગીચ ગંદા વિસ્તારમાં રહેવાને કારણે ફાધરને સખત તાવ આવ્યો. બધાએ આગ્રહ કર્યો કે એમણે કૉલેજમાં પાછા ચાલ્યા જવું જોઈએ. પણ ફાધરે કહ્યું કે તેઓ કેમ્પ પૂરો થાય ત્યાં સુધી રોકાશે જ. ફાધરનો આગ્રહ એટલો બધો હતો કે કોઈ એમને સમજાવી શક્યું નહિ. તાવની ખબર પડતાં કૉલેજના રેક્ટર ફાધર સન્માર્તિ કેમ્પમાં આવી પહોંચ્યા. એમણે જોયું કે ફાધર બાલાગેર તાવથી પથારીવશ છે. એટલે એમણે ફાધર બાલાગેરને વિનંતી કરી કે તેઓએ કૉલેજમાં પાછા આવી જવું જોઈએ. પણ ફાધર બાલાગેર એકના બે ન થયા. કલાક માથાકૂટ ચાલી હશે. રેક્ટરને લાગ્યું કે ફાધર બાલાગેર એટલા બધા મક્કમ છે કે માનશે નહિ, માટે હવે બીજું શસ્ત્રા અજમાવવું પડશે. કૉલેજમાં પ્રિન્સિપાલની ઉપરની પદવી તે રેક્ટરની. ફાધર સન્માર્તિએ કહ્યું, “ફાધર બાલાગેર, હું તમને વિનંતી કરી-કરીને થાક્યો, પણ તમે માનતા નથી. હવે હું રેક્ટર તરીકે તમને આજ્ઞા કરું છું કે તમારે કેમ્પ છોડીને મારી સાથે મુંબઈ આવવાનું છે.” ઉપરીની આજ્ઞા થતાં એક શબ્દ બોલ્યા વિના અને એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના ફાધર પથારીમાં તરત બેઠા થઈ ગયા. બે મિનિટમાં પોતાની બધી વસ્તુઓ બૅગમાં ગોઠવી લઈને તૈયાર થઈ ગયા અને ફાધર સન્માર્તિ સાથે મુંબઈ આવી ગયા.

*

ફાધર બાલાગેરે ઝેવિયર્સ કૉલેજના આચાર્ય તરીકે ૧૯૪૯થી ૧૯૫૮ સુધી કામ કર્યું. ખ્રિસ્તી મિશનરી પાદરીઓની એક પ્રથા સારી છે કે કોઈ પણ હોદ્દા પરની વ્યક્તિ જીવનના અંત સુધી એ હોદ્દા ઉપર જ રહે એવું અનિવાર્ય નથી. સામાન્ય રીતે પાંચથી નવ વર્ષ સુધી કોઈ પણ ફાધર એ હોદ્દા પર રહે, પછી નિવૃત્ત થાય. નિવૃત્ત થયેલા ફાધરને બીજા કોઈ ફાધરના હાથ નીચે અધ્યાપક તરીકે કામ કરવામાં કોઈ શરમ-સંકોચ નડે નહિ. ઝેવિયર્સ કૉલેજના અગાઉના પ્રિન્સિપાલ ફાધરો એકંદરે સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં બહુ ભળતા નહિ. તેઓ કૉલેજમાં પિરિયડ લીધા પછી પોતાના અલગ આવાસમાં જ ઘણુંખરું ચાલ્યા જતા. ફાધર બાલાગેર બધા વિદ્યાર્થીઓ સાથે અને સ્ટાફના સભ્યો સાથે ભળી જતા. પોતે મોટા છે અથવા પોતાનો સમય બહુ કીમતી છે એવું ક્યારેય લાગવા ન દે. મળે તો રસ્તામાં ઊભા રહીને આપણી સાથે નિરાંતે વાત કરે. ફાધર બાલાગેરનું વ્યક્તિત્વ જ એવું વાત્સલ્યભર્યું હતું કે સૌ એમના તરફ ખેંચાય. સામાન્ય રીતે કૉલેજના બીજા ફાધરો કરતાં ફાધર બાલાગેર લોકસંપર્ક વધુ રાખતા હતા. બહારના સામાજિક કાર્યક્રમોમાં જતા. અધ્યાપકો કે વિદ્યાર્થીઓના લગ્નપ્રસંગે પણ હાજરી આપતા. જૂના વખતમાં યુરોપથી આવેલા ગોરા પાદરીઓ અને ભારતના બિનગોરા પાદરીઓ વચ્ચે ક્યાંક ક્યાંક અંતર રહેતું. કેટલાક ગોરા પાદરીઓમાં ગુરુતાગ્રંથિ રહેતી. તેઓ ભારતીય પાદરીઓ સાથે બહુ ભળતા નહિ, અતડા રહેતા. ફાધર બાલાગેરના મનમાં કે વર્તનમાં ગોરાકાળા વચ્ચેનો કોઈ ભેદ રહેતો નહિ. તેઓ બધા સાથે પ્રેમથી હળીમળી જતા. પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયા પછી ફાધર બાલાગેરે કેટલોક સમય રેક્ટર તરીકે કામ કર્યું. ત્યારપછી એમણે સૌથી મહત્ત્વનું કાર્ય કર્યું તે ૧૯૬૪માં મુંબઈમાં મળેલી ૩૮મી આંતરરાષ્ટ્રીય ખ્રિસ્તી કૉંગ્રેસના મહામંત્રી તરીકેનું હતું. બે વર્ષ અગાઉથી દિવસરાત ફાધર એ કામમાં લાગી ગયા. એમની વ્યવસ્થાશક્તિની, સૂઝની, દીર્ઘદૃષ્ટિની, સેવાભાવનાની, વિનમ્રતાની દેશ-વિદેશના હજારો મહેમાનોને સુંદર પ્રતીતિ થઈ. કોઈ પણ વ્યક્તિ એમને સહેલાઈથી મળી શકે અને દરેકની વાત તેઓ યાદ રાખે. એ દિવસોમાં ફાધરને થોડા દિવસ તાવ આવ્યો હતો, પરંતુ પથારીમાં સૂતાં સૂતાં પણ તેઓ વારાફરતી દરેકને બોલાવતા અને સૂચનાઓ આપતા. પોતે મુંબઈમાં હતા ત્યાં સુધી ફાધર બાલાગેરે વિવિધ પ્રકારની સક્રિય જવાબદારી અદા કરી હતી. ૧૯૭૨માં એમને સિકંદરાબાદમાં પાદરીઓને ભણાવવાની જવાબદારી સોંપવામાં આવી. ફાધર બાલાગેરની દોરવણી હેઠળ સિકંદરાબાદમાં ‘અમૃતવાણી’ નામનું ‘કોમ્યુનિકેશન સેંટર’ સ્થાપવામાં આવ્યું. ફાધરે એના સ્થાપક અને ડાયરેક્ટર તરીકે સેવા આપવાનું ચાલુ કર્યું. ઉંમર તથા તબિયતને કારણે ૧૯૯૦માં તેઓ એમાંથી નિવૃત્ત થયા. સામાન્ય રીતે રોમન કેથોલિક સંપ્રદાયમાં જેસ્યુઇસ્ટ પાદરી કે સાધ્વી તરીકે બાળબ્રહ્મચારીની જ પસંદગી થાય છે. પંદર-સત્તર વર્ષની ઉંમરનાં છોકરાં— છોકરીઓને પસંદ કરવામાં આવે કે જેથી ગૃહજીવનમાં દાખલ થવાનો વિચાર સેવે તે પહેલાં તેઓ પાદરી બની ગયાં હોય. ૯૧ વર્ષની ઉંમર પછી ફાધરનું શરીર ઘસાવા લાગ્યું હતું. ૯૩ વર્ષની ઉંમરે એમને ચાલવામાં તકલીફ પડવા લાગી હતી. તેઓ લાકડી લઈને ધીરે ધીરે ડગલાં માંડતા હતા. પછી પણ ફાધર બાલાગેર જીવનના અંત સુધી ભારતમાં જ રહ્યા. એક વખત ફાધર બાલાગેરને પૂછવામાં આવ્યું કે “તમે સ્પેનથી આવી, જીવન પર્યંત ભારતની સેવા કરી છે, તો ભારત તમારા માટે શું કરી શકે?” ફાધરે કહ્યું, “મેં મારું કર્તવ્ય બજાવ્યું છે. હું ભારતવાસી થઈને રહ્યો છું. ભારતીય સંસ્કારો મારા લોહીમાં આવ્યા છે. ભારત પાસેથી બદલાની કોઈ આશા મારે રાખવાની જ ન હોય. મારે જો માગવાનું હોય તો એટલું જ માગું કે મારા મૃત્યુ પછી મારા શરીરને દફનાવવા માટે છ ફૂટની જગ્યા જોઈશે; આ સિવાય બીજું કશું મારે જોઈતું નથી.” ફાધર દિવસે દિવસે વધારે અંતર્મુખ બનતા જતા હતા. પ્રાર્થના અને ધ્યાન માટે અગાઉ કરતાં વધુ સમય તેઓ આપતા હતા. પોતાનું મૃત્યુ નજીક આવી રહ્યું છે એમ તેમને લાગતું અને તે માટે તેઓ સજ્જ હતા. ફાધર બાલાગેર માનવ નહિ પણ મહામાનવ જેવા હતા. બીજાનું હૃદય જીતવાની કલા એમને સહજ હતી. એમના ગાઢ સંપર્કમાં આવેલી વ્યક્તિ ખ્રિસ્તી હોય કે બિનખ્રિસ્તી હોય, તે દરેકને એમ લાગતું કે, ફાધર અમારા છે. [‘પ્રબુદ્ધ જીવન’ માસિક : ૧૯૯૭]