સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણલાલ ચી. શાહ/‘બાદરાયણ’—શતાબ્દી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કવિ ‘બાદરાયણ’ એટલે ભાનુશંકર બાબરભાઈ વ્યાસ. ૨૦૦૫ એમનું જન્મશતાબ્દી વર્ષ છે. ભાનુશંકર વ્યાસનો જન્મ ૧૯૦૫માં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ મોરબીમાં લીધું હતું અને ત્યારે મોરબીમાં હાઈસ્કૂલની સગવડ ન હોવાથી તેઓ રાજકોટ ગયા હતા અને ત્યાંની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી મૅટ્રિક પાસ થયા હતા. પછી તેઓ એલ્ફિન્સ્ટન કોલેજ(મુંબઈ)માંથી સંસ્કૃત વિષય સાથે બી. એ. અને ૧૯૩૦માં એમ. એ. થયા હતા. ત્યાર પછી એમણે વકીલાતનો અભ્યાસ કરી એલએલ. બી.ની ડિગ્રી મેળવી હતી. આઝાદી પૂર્વે મુંબઈ યુનિવર્સિટીનું ક્ષેત્ર એટલે આખો મુંબઈ ઇલાકો, ઠેઠ કરાંચીથી કર્ણાટકમાં ધારવાડ સુધી. આજે જે એસ. એસ. સી.ની પરીક્ષા છે તે ત્યારે મૅટ્રિકની પરીક્ષા કહેવાતી. સમગ્ર ઇલાકામાં મૅટ્રિકની પરીક્ષા પણ મુંબઈ યુનિવર્સિટી જ લેતી. કોલેજ અને યુનિવર્સિટીમાં ગુજરાતીનો વિષય ઘણો મોડો દાખલ થયો હતો. ત્યારે ગુજરાતી વિષયના પ્રશ્નપત્રો ઇંગ્લિશમાં છપાતાં અને વિદ્યાર્થીઓ જવાબ પણ ઇંગ્લિશમાં લખતા (સંસ્કૃતની જેમ). નરસિંહરાવ દિવેટિયા આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિવૃત્ત થયા એટલે મુંબઈ યુનિવર્સિટી તરફથી એલ્ફિન્સ્ટન કોલેજમાં એમ. એ.ના ગુજરાતી વિષય માટે એમની નિમણૂક થઈ. નરસિંહરાવના ઘણા વિદ્યાર્થીઓમાં ચંદ્રવદન મહેતા, સુંદરજી બેટાઈ, કાંતિલાલ વ્યાસ, રમણ વકીલ, અમીદાસ કાણકિયા, ‘બાદરાયણ’ વગેરે જાણીતા હતા. નરસિંહરાવે પોતાના ઘણા વિદ્યાર્થીઓને પ્રેરણા આપીને કવિતા લખતા કરી દીધા હતા. નરસિંહરાવ નિવૃત્ત થયા ત્યારે એમની જગ્યાએ ‘બાદરાયણ’ની અધ્યાપક તરીકે નિમણૂક થઈ હતી. યુનિવર્સિટીનું એમ. એ.નું માનાર્હ કાર્ય પૂરું થતાં ‘બાદરાયણે’ બે ઠેકાણે અધ્યાપક તરીકે પાર્ટ ટાઇમ નોકરી સ્વીકારી: મુંબઈમાં કબીબાઈ હાઈસ્કૂલમાં સંસ્કૃતના શિક્ષક તરીકે અને ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપક તરીકે. ‘બાદરાયણ’ ત્યારે કાવ્યો લખતા, કવિ સંમેલનમાં જતા, રેડિયો પર નાટકોમાં ભાગ લેતા. એમનો અવાજ બુલંદ હતો અને ઉચ્ચારો સ્પષ્ટ હતા. તેઓ અભિનયકલામાં નિપુણ હતા. મધુર કંઠે તેઓ ગીતો રજૂ કરતા. તેમની કાયા પડછંદ, ચાલ છટાદાર, વર્ણ ઊજળો, પ્રભાવશાળી મુખમુદ્રા, પાન ખાવાની ટેવને લીધે હોઠ હંમેશાં લાલ રહેતા. એ દિવસોમાં મુંબઈના ગુજરાતી સમાજમાં ‘બાદરાયણ’નું નામ બહુ મોટું હતું. ‘બાદરાયણ’ના તેજસ્વી વિદ્યાર્થીઓમાં ગિજુભાઈ વ્યાસ, મધુકર રાંદેરિયા, પ્રવીણચંદ્ર રૂપારેલ, રમણ કોઠારી, અમર જરીવાલા વગેરે હતા. ‘બાદરાયણ’ સ્વભાવે લહેરી હતા. તેઓ મિત્રો સાથે હોય, વિદ્યાર્થીઓ સાથે હોય, જ્યાં હોય ત્યાં હાસ્યની છોળો ઊડતી. આ લહેરી સ્વભાવને કારણે તેમનામાં ભૂલકણાપણું હતું. ક્યાંક જાય તો પોતાની ચીજવસ્તુ ભૂલી જાય કે કોઈને ઘણા દિવસ પછીનો સમય આપ્યો હોય તો ભૂલી જાય એવું બનતું. તેઓ સ્કૂલ કે કોલેજનાં નાટકોમાં કે રેડિયો રૂપકોમાં ભાગ લેતા ત્યારે ક્યારેક સંવાદો ભૂલી જતા, પણ હોશિયારીને લીધે પરિસ્થિતિ બરાબર સાચવી લેતા કે સાંભળનારને સંવાદમાં કંઈ ગડબડ થઈ છે એવો અણસાર પણ ન આવે. ‘બાદરાયણ’ છંદોબદ્ધ અને ગેય એમ બંને પ્રકારનાં કાવ્ય લખતા. તેમનામાં શીઘ્રકવિત્વ હતું. કોઈ વિષય, વિચાર કે ભાવ પર તેઓ તરત કાવ્યરચના કરી શકતા. એ દિવસોમાં કવિતાના ક્ષેત્રે પાદપૂર્તિના કાર્યક્રમો ઘણા થતા. ‘બાદરાયણ’ એમાં પણ કુશળ હતા. ‘બાદરાયણ’નાં ગીતોમાં સૌૈથી વધુ પ્રસિદ્ધ ગીત તે ‘આપને તારા અંતરનો એક તાર, બીજું હું કાંઈ ન માંગું રે’ એમના કાવ્યસંગ્રહ ‘કેડી’માં પ્રગટ થયેલું. [‘પ્રબુદ્ધ જીવન’ માસિક: ૨૦૦૫]