સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણલાલ સોની/ઈદમ્ ન મમ


ભાઈ ભોગીલાલ ગાંધી મને ઘણી વાર કહેતા કે, તેં મોડાસામાં રહી ઘણું કામ કર્યું છે, તો તારા એ અનુભવોની વાત લખી કાઢ. ભોગીભાઈની પેઠે મારા મિત્રા નવનીતભાઈ ગાંધીનો પણ મારા પર સતત આગ્રહ કે મારે મારા અનુભવો લખવા. વર્ષો લગી મેં એમનો આગ્રહ ઠેલ્યા કર્યો, પણ તેમણે હઠ છોડી નહિ. છેલ્લે તા. ૧૪-૧-૨૦૦૦ના રોજ એમણે મને કાગળ લખ્યો કે “તમે લખો જ લખો. બધું વિગતે લખો. આ ગ્રંથ છપાયેલો જોવા જ હું જીવું છું. અને પ્રભુ એ જોવા મને જીવતો રાખે એટલી પ્રાર્થના કરું છું.” તેમના પત્રાના છેલ્લા શબ્દોએ મને મહાત કરી નાખ્યો. મારે મોડાસા પ્રદેશનાં મારાં ભાઈબહેનોને એટલે કે જન સાધારણને નજરમાં રાખીને લખવાનું હતું. તેમનું વિચારોનું વર્તુલ મોટું ને મોટું થતું રહે, સમગ્ર જનતાના સુખની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાની ભાવના તેમનામાં દૃઢ બને એ મારો હેતુ હતો. તે સાથે આ ગ્રંથનું લેખન મારા પોતાના માટે પણ હતું. મારા માથે અનેક પ્રકારનાં ઋણ હતાં, તેનો મારે જાહેર સ્વીકાર કરવાનો હતો. એ દૃષ્ટિએ મેં લખાણની રૂપરેખા વિચારી કાઢી — કલમ સડસડાટ ચાલી. વર્ષોથી અંતસ્તલમાં દબાઈ રહેલી કંઈ કંઈ ઘટનાઓ બહાર પ્રકાશમાં આવવા ભીડ કરવા લાગી. વર્ષોથી સંઘરેલાં અને ધૂળ ખાતાં કાગળિયાં હું ફંફોસતો ગયો અને લખતો ગયો. લખતો ગયો અને ફરીફરી સુધારાવધારા કરતો ગયો. પૂરા બાર મહિના આ કામ ચાલ્યું. શુદ્ધ અર્થમાં આ આત્મકથા નથી, પણ મને જોવાનો અને મુકામે પહોંચવાની મારી મજલ માપવાનો મારો પ્રયત્ન છે. જે વ્યક્તિ કે ઘટનાએ મારા ચિત્ત પર અસર કરી, મારા જીવનના ઘડતરમાં જેણે કંઈકે ફાળો આપ્યો, તેના પ્રત્યેના માર ઋણનો જાહેર સ્વીકાર કરવાનો મારો આ પ્રયત્ન છે. સામાજિક અને રાષ્ટ્રીય ક્ષેત્રામાં સક્રિયપણે ભાગ લેનારે સારુંખોટું સમજવું જ પડે છે અને સારાને સારું ને ખોટાને ખોટું કહેવું એ એનો ધર્મ બને છે. મેં આ લેખનોમાં એ ધર્મ બજાવવાનો યથામતિ પ્રયત્ન કર્યો છે. આપણા કવિ સાંઈ મકરન્દભાઈને હું મુંબઈમાં પહેલી વાર મળ્યો ત્યારે તેમણે પૂછ્યું : “કેમ ચાલે છે?” મેં કહ્યું : “ખબર નથી પડતી કે કેમ ચાલે છે, પણ કોઈ ચલાવે છે ને ચાલે છે.” બસ, મકરન્દભાઈ એમની મસ્તીમાં હાથ ઊંચા કરી બોલવા લાગ્યા : “કોઈ લે જા રહા હૈ, મેં જા રહા હૂં;કોઈ લે જા રહા હૈ, મેં જા રહા હૂં!” મને કાને નહિ જેવું સંભળાય. તેથી સામેના માણસને મોટેથી બોલવામાં કેટલી બધી તકલીફ પડતી હશે તેના ખ્યાલથી હું દુઃખી થાઉં, ત્યારે મકરન્દભાઈ કહે : “બંધુ, તમે ક્યાં કાનથી સાંભળો છો? તમે તો પ્રાણથી સાંભળો છો. કોઈ લે જા રહા હૈ — એ ગાન ગાતા તમે ચાલ્યા કરજો, પેલો લઈ જનારો તમારાં પગલાં એની બાજુ વાળશે.” આ શબ્દો મારા કોઠામાં વસી ગયા છે. ‘પેલો લઈ જનારો’ એની ઝાંખી પણ હજી થવા દેતો નથી, પણ એની દોરવણી પાકી છે. તો શું આ ‘હું’ ચાલું છું? ના, હું નથી ચાલતો, ચલાવાઈ રહ્યો છું. બાજીનાં સોગઠાંની પેઠે મારા વડે રમત રમાઈ રહી છે. કોઈ કોઈ વાર સાક્ષી ભાવે એ રમત જોવાનું થાય છે અને વિવિધ દાવનો વિચાર કરું છું ત્યારે આનંદ અને આશ્ચર્ય થાય છે. જેલમાંથી છૂટયા પછી આંખની બીમારી લાગુ પડી, આંખનો નંબર સાડા પાંચ માઈનસ સુધી પહોંચી ગયો. મુંબઈના વિખ્યાત દાક્તરે તો કહ્યું કે શિક્ષક કે લેખક તો કોઈ કાળે ન થતા, નહિ તો આંખો ખોશો. દાક્તરે કહ્યું, પણ પેલા લઈ જવાવાળાએ મને શિક્ષક અને લેખક જ બનાવ્યો અને કામ પૂરું કર્યા વિના નહિ જંપવાનો આદેશ આપ્યો. આજે ચોરાણું વર્ષે આંખો ભલે માણસને ન દેખે, ભાણામાં પીરસેલું ન દેખે, પોતાના હાથને કે પગનેય ન દેખે, પણ કાગળ પર લખવાનું દેખે છે, અને લખવાનું દેખે છે ત્યાં લગી એણે લખવાનું રહેશે — શેઠનો એવો હુકમ છે. મકરન્દભાઈએ પહેલી જ મુલાકાતે મને આ હુકમનું પાકું ભાન કરાવી દીધું હતું. એ માટે હું તેમનો સદાનો ઋણી છું. આ ગ્રંથનું નામ મેં રાખ્યું છે ‘રાખનું પંખી.’ મિસરની પુરાણકથાઓમાં ‘ફિનિક્સ’ નામે પંખીની વાત આવે છે. ગરુડ જેવડું એ મોટું છે, અને દેખાવે ખૂબ સુંદર છે. જાંબલી અને સોનેરી રંગનાં એનાં પીછાં છે. એ પાંચસોથી છસો વર્ષ જીવે છે. એક કાળે આખી સૃષ્ટિમાં એવું એક જ પંખી હોય છે. મરવાકાળ થાય છે ત્યારે, એ સળગી ઊઠે એવી વનસ્પતિનો માળો બનાવે છે અને સ્વેચ્છાએ એમાં બળી રાખ થાય છે. એ રાખમાંથી ફરી પાછું નવું પંખી પ્રગટ થાય છે. એ ફરી પાંચસો-છસો વર્ષ જીવે છે, ફરી બળીને રાખ થાય છે અને ફરી રાખમાંથી જીવતું થઈ નીકળે છે. આવું ચાલ્યા જ કરે છે. રાખનું પંખી એટલે નશ્વરતાનો અંચળો ઓઢેલી અમરતા. આપણે સૌ આવાં રાખનાં પંખી છીએ. આપણે ખુદ ખુદનાં કર્મ-ફળે બળીને રાખ થઈએ છીએ અને ફરી એ જ કર્મફળની રાખમાંથી બેઠાં થઈએ છીએ — ફરી રાખ થઈએ છીએ અને ફરી બેઠાં થઈએ છીએ. રોજ રોજ આ બન્યા જ કરે છે. એક જન્મમાં કોણ જાણે કેટલાય જન્મ થઈ જાય છે. જેટલા જન્મ એટલાં મરણ, જેટલાં મરણ એટલા જન્મ. હું આવુંરાખનું પંખી છું — નામરૂપ વગરનું, પણ છું. આ ગ્રંથમાં વિવિધ ઘટનાઓના આલેખનમાં ‘હું માનવી, માનવ થાઉં તો ઘણું!’ એ કવિશ્રી ઉમાશંકરે દીધેલા મંત્રાનું રટણ છે. એટલે કોઈ સમભાવીને તે ઉપયોગી થવાનો સંભવ છે. આ ગ્રંથ લખ્યા પછી લાગ્યું છે કે મારું આ પણ એક કર્તવ્યકર્મ હતું. અને તે હું અદા કરી શક્યો તેનો મને સંતોષ છે.