સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણલાલ સોની/સોનીનો કાંટો
અમારા વડવા મૂળ ચાંપાનેર ગામના નિવાસી. ત્યાંથી તેઓ મોડાસા આવી સ્થિર થયા. મોડાસાના અમારા આ પૂર્વપુરષનું નામ રઘજી સોની. એમની પ્રતિષ્ઠા એટલી બધી હતી કે, ‘રઘજી સોનીનો કાંટો’ એવી ઉકિત આજે પણ બોલાય છે. એમને ત્યાં લોકો વિના તોલે દાગીના ઘડવાનું સોનું દઈ જતા. વેપારી વર્ગમાં વેવિશાળ કે લગ્ન જેવો પ્રસંગ ત્વરાએ ઉકેલવો હોય અને દાગીના તૈયાર ન હોય, તો રઘજી સોનીની ચિઠ્ઠીથી કામ ચાલી જાય!
હું મેટ્રિક પાસ થયો, પણ કોલેજમાં ભણવા જઈ શકું એવી સ્થિતિ નહોતી. મોડાસા હાઈસ્કૂલમાં શિક્ષક થવા મેં અરજી કરી. મનમાં વિશ્વાસ હતો કે લાયકાતના હિસાબે મારી નિમણૂક થશે જ, પણ નિમણૂક થઈ બીજાની. મને માઠું લાગ્યું, પણ મારા પિતાએ કહ્યું: “કમિટીએ સારું જ કર્યું છે. તારે માથે હું બાપ હજી બેઠો છું. પણ એ છોકરાને બાપ નથી અને માએ ખૂબ દુ:ખ વેઠીને એને ભણાવ્યો છે.”
૧૯૩૦માં મોડાસા હાઈસ્કૂલની નૉકરી છોડી મેં સત્યાગ્રહની લડતમાં ઝંપલાવ્યું. મોટાભાઈને મેં કહ્યું: “સરકાર સત્યાગ્રહીઓને જેલની સજાની સાથે ભારે દંડ કરે છે, અને એ દંડ એનાં સગાંવહાલાં પાસેથી જપ્તી કરીને વસૂલ કરે છે. આથી સત્યાગ્રહીઓ પોતાના કુટુંબીઓને દસ્તાવેજ પર લખી આપે છે કે, અમારો આ મિલકત પર કોઈ હકદાવો નથી. સરકાર જપ્તી કરવા આવે ત્યારે એ દસ્તાવેજ ધરી દેવાનો, જેથી જપ્તી થઈ શકે નહીં.”
મોટાભાઈ થોડીવાર વિચારમાં પડી ગયા. પછી કહે, “દંડ વસૂલ ન થાય તો શું થાય?”
મેં કહ્યું, “થવાનું શું?—સત્યાગ્રહીએ ચાર-છ મહિના જેલમાં વધારે રહેવું પડે એટલું.”
મોટાભાઈએ કહ્યું: “એટલે મારા થોડા રૂપિયા બચે અને તને થોડા મહિના વધારે જેલ મળે, એમ ને? મને એ મંજૂર નથી. તેં સરકારનો ગુનો કર્યો એટલે સરકાર તને જેલ આપે. પણ તેં મારો કંઈ ગુનો કર્યો નથી; હું તને શા સારુ જેલ આપું? મારે એવો કોઈ દસ્તાવેજ નથી કરવો.”
મને બે વખત જેલની સજા સાથે દંડ પણ થયો. બન્ને વખત પોલીસ મોટાભાઈની દુકાનેથી જપ્તી કરીને દંડ લઈ ગઈ હતી.
૧૯૩૫માં અમદાવાદના એક બાલમંદિરમાં હું શિક્ષક હતો ત્યાંથી મોડાસા હાઈસ્કૂલના પ્રિન્સીપાલ શ્રી મોહનલાલ ગાંધી મને મોડાસા લઈ આવ્યા હતા. હું તે વખતે હતો માત્ર મેટ્રિક, પણ ઇતિહાસ અને સાહિત્ય પ્રત્યેની મારી પ્રીતિને લીધે તેમણે મને હાઈસ્કૂલનાં ઉપલાં ધોરણમાં ગુજરાતી અને ઇતિહાસના શિક્ષકનું કામ સોંપેલું.
અમદાવાદની હાઈસ્કૂલોમાં મેં જોયેલું કે, વિદ્યાર્થીઓ માટે ખાસ ગણવેશ નક્કી કરેલો હતો. એનાથી વિદ્યાર્થીઓમાં સંઘભાવના અને આત્મીય ભાવ પેદા થાય છે, એવું સાંભળેલું. એક દિવસ હાઈસ્કૂલના ચોગાનમાં વિદ્યાર્થીઓ રમતગમત કરતા હતા ત્યારે મોહનભાઈને મેં કહ્યું, “આપણે સ્કૂલમાં ગણવેશ દાખલ કરીએ તો કેવું?”
થોડી વાર મોહનભાઈ મારી સામે જોઈ રહ્યા. પછી કહે: “તો દેખાય સારું. પણ આપણે ત્યાં કેટલાંય માબાપ પેટે પાટા બાંધી છોકરાંને ભણાવે છે, તે ગણવેશનો બોજો નહીં વેઠી શકે અને છોકરાં ભણતાં અટકી જશે.” બોલતાં બોલતાં એમની આંખો ભરાઈ આવી.
અમારા એક શિક્ષક હતા શ્રી પૂનમચંદ દોશી. એવો સત્યપ્રતિજ્ઞ સેવાનિષ્ઠ પુરુષ જવલ્લે જ જડે. ચાલીસ વરસની નોકરી પછી એ નિવૃત્ત થયા ત્યારે અમે એમના જૂના-નવા વિદ્યાર્થીઓએ વિદાય-સમારંભ યોજી તેમને નાનકડી થેલી ભેટરૂપે આપવાનો વિચાર કર્યો; પણ તેમણે તરત અમને વાર્યા. કહે: “તમે તો થેલી આપો, પણ મારાથી એ લેવાય નહીં; એમાં કંઈ નહીં તો સો રૂપિયા ઉમેરીને પણ મારે એ પાછી આપવી પડે. પણ એટલું ઉમેરી શકું તેવી મારી સ્થિતિ નથી.”
ચાલીસ વરસની નોકરી પછી પણ અમારા એ શિક્ષક આવા અકિંચન રહેલા! મેઘરજ તાલુકાની આદિવાસી જનતામાં ઓતપ્રોત થઈ જઈને સેવા કરનારા કર્મયોગી વલ્લભભાઈ દોશી, તે આ પૂનમચંદભાઈના સુપુત્ર.
[‘રાખનું પંખી’ પુસ્તક: ૨૦૦૨]