સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણ સોની/અનિવાર્યનો અભાવ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


‘અભિયાન’, ‘ચિત્રલેખા’ વગેરે સામયિકો-વર્તમાનપત્રોમાં પ્રગટ થયેલા ગાંધીજી વિશેના લેખોનો આ સંચય [‘મહાત્મા અને ગાંધી’] લેખકની પ્રભાવક પત્રકારી ભાષાથી, ઉત્તેજક વિચારો ને અભિવ્યકિતથી અને ઇતિહાસજ્ઞ સંશોધકની હેસિયતથી આપેલી નવીન માહિતીથી રસપ્રદ બન્યો છે. ગાંધીજી માટેનો લેખકનો પરમ આદર સમજપૂર્વક વ્યક્ત થયો છે. ‘આજનું દક્ષિણ આફ્રિકા, ગઈકાલના ગાંધીજી: આગળ જઈશું કે પાછા ફરી જઈશું?’ નામનું ૧૮ પાનાંનું સૌથી લાંબું પ્રકરણ સૌથી વધુ પ્રભાવક છે. પણ આ પુસ્તકમાં એકની એક વાતોનાં, વિગતોનાં અનેક, બિનજરૂરી પુનરાવર્તનો છે. લેખોને પુસ્તકાકાર આપતી વખતે લેખકે જરાસરખું એડિટિંગ કર્યું નથી, જે અનિવાર્ય હતું. ગાંધીજી વિશે, ગાંધીજીની કરકસર ને અંતિમ પ્રામાણિકતાની વાત લખનાર લેખકમાં આ પ્રકારની—પાનાં વેડફવાં નહીં ને સમય બગાડવો નહીં વાચકનો, એવી—સૂક્ષ્મ પ્રામાણિકતા માટેની કાળજી ને સંવેદનશીલતા હોવાં જોઈતાં હતાં. [‘પ્રત્યક્ષ’ માસિક: ૨૦૦૪]