સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણ સોની/લોકપ્રિયતા સાથે ઉત્તમતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રુચિર અને રસપ્રદ વાચનની દૃષ્ટિએ આ પુસ્તક ઘણું નોંધપાત્ર છે. આ પ્રકારનું પુસ્તક લોકપ્રિય પણ રહેવાનું જ. અહીં ઉત્તમતા લોકપ્રિયતા સાથે જોડાઈ છે. પોતાની દીકરીઓ વિશેના પ્રસન્ન-વિશિષ્ટ અનુભવ-ઉદ્ગારો આ ૩૭ લખાણોની લાક્ષણિક ભાત ઊભી કરે છે. ક્યાંક કોઈ લખાણ કે લખાણના અંશો ઓછા રસપ્રદ લાગે, પણ ભાગ્યે જ કોઈ પાનું ઉથલાવીને આગળ વધવાનું મન થાય, કેમ કે પુસ્તકનાં લખાણોનું અંગત એવું વિસ્મયપ્રેરક છે કે દરેક વાચક એમાં પોતાની અંગતતાના તંતુઓ પણ જોેડી શકે. ગ્રંથનું સંપાદન-આયોજન પણ દૃષ્ટિપૂર્ણ છે. પ્રત્યેક લેખને અંતે એના લેખકનો સમુચિત પરિચય અપાયો છે. દરેક લેખની આગળ, પૂરા પાનના કદનો, પિતા-પુત્રી, માતા-પુત્રીનો પ્રસન્ન ફોટોગ્રાફ મૂક્યો છે. કોઈને આ પ્રકારના લેખોનું સંપાદન લાગણીઓની અતિરંજિત મિષ્ટતાથી ઓચાઈ જવા જેવું લાગે. પરંતુ, કેટલાંક લખાણો કે અંશો એવો અનુભવ કરાવે તોપણ એના સામે છેડે, એવા અનેક લેખો આમાં છે જે પિતાની તેમ જ સર્જકની ઝીણી સંવેદનશીલતાનું હૃદ્ય અભિવ્યકિતરૂપ આપણી સામે મૂકી આપે છે. દીકરી એટલે દીકરી: સં. કાન્તિ પટેલ, રૂ. ૩૦૦
[‘પ્રત્યક્ષ’ ત્રિમાસિક: ૨૦૦૫]