સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ પારેખ/ભગવાનનો ભાગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



નાનપણમાં બોરાં વીણવા જતા.
કાતરા પણ વીણતા.
કો’કની વાડીમાં ઘૂસી ચીભડાં ચોરતા.
ટેટા પાડતા ને ખિસ્સાં ભરતા.
પછી બધા ભાઈબંધો પોતાનાં ખિસ્સામાંથી ચોરીનો માલ ઠલવીને
ઢગલી કરતા ને ભાગ પાડતા :
-આ ભાગ ટીકુનો.
-આ ભાગ દીપુનો.
-આ ભાગ ભનિયાનો, કનિયાનો…

છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા :
-‘આ ભાગ ભગવાનનો!’
પછી સૌ પોતપોતાની ઢગલી
ખિસ્સામાં ભરતા,
ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી
રમવા દોડી જતા.

ભગવાન રાતે આવે, છાનામાના
ને પોતાનો ભાગ ખાઈ જાય-એમ અમે કહેતા.

પછી મોટા થયા.
બે હાથે ઘણુંય ભેગું કર્યું;
ભાગ પાડ્યા-ઘરના, ઘરવખરીના,
ગાય, ભેંસ, બકરીના.
અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો?…

સુખ, ઉમંગ, સપનાં, સગાઈ, પ્રેમ-
હાથમાં ઘણું ઘણું આવ્યું… અને ગયું!
અચાનક ગઈ કાલે ભગવાન આવ્યા;
કહે : લાવ, મારો ભાગ…

મેં પાનખરની ડાળી જેવા
મારા બે હાથ જોયા-ઉજ્જડ.
એકાદ સૂકું તરણુંયે નહીં.
શેના ભાગ પાડું ભગવાન સાથે?
આંખમાં ઝળઝળિયાં આવ્યાં,
તે અડધાં ઝળઝળિયાં આપ્યાં ભગવાનને.…