સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ ભા. શાહ/ચાલો વિચારીએ!

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાજકારણ પણ એક વ્યવસાય રાજકારણમાં પ્રવેશતા લોકો, થોડા અપવાદોને બાદ કરતાં, અપ્રામાણિક, તકવાદી અને ભ્રષ્ટાચારી હોય છે એવો આપણો અનુભવ છે. રાજકારણમાં પડેલા માણસો જનહિતથી પ્રેરાઈને વર્તવાને બદલે સ્વહિતથી પ્રેરાઈને કેમ વર્તે છે, તે સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. આઝાદી માટેની આપણી લાંબી લડતના ઇતિહાસને કારણે આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે રાજકારણમાં પડેલી વ્યકિતઓ નિ:સ્વાર્થ લોકસેવકો હોય, ત્યાગીઓ હોય; પરંતુ એવા ગુણો ધરાવતા માણસો જ્યારે આપણને જોવા મળતા નથી ત્યારે આપણે નિરાશ થઈએ છીએ. રાજકારણ પણ એક વ્યવસાય છે. અન્ય વ્યવસાયમાં પડેલી વ્યકિતઓ સ્વદ્ભ-હિત અને સમાજ-હિત વચ્ચે સંઘર્ષ ન હોય ત્યાં સુધી જ સમાજહિત માટે કામ કરતી હોય છે. જ્યાં એ બે હિતો વચ્ચે સંઘર્ષ ઊભો થાય છે ત્યાં સામાન્ય રીતે માણસો સમાજહિતના ભોગે સ્વ-હિત સાધતા હોય છે. રાજકારણમાં પડેલા માણસો જો એ જ રીતે વર્તતા હોય તો તેને કોઈ અસાધારણ ઘટના ન સમજવી જોઈએ. વળી એના રાજકારણીઓ મૂલ્યનિષ્ઠ હોય એવી અપેક્ષા સમાજ રાખે છે, પરંતુ સફળ તો એને જ ગણે છે જે સત્તા પર ટકી રહી શકે. સમાજ પૂજે છે સફળતાને જ. તેથી રાજકારણીઓ સફળતાને પોતાનું લક્ષ્ય બનાવે છે, મૂલ્યનિષ્ઠાને નહિ.