સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ ભા. શાહ/વિવેકબુદ્ધિને જ ઇષ્ટદેવતા માનનાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુજરાતના એક વિરલ ચિંતક કિશોરલાલ મશરૂવાળાના જીવન અને સાહિત્યનો પરિચય કરાવતાં ત્રણ પુસ્તકો છે: ‘શ્રેયાર્થીની સાધના’ (લે. નરહરિ પરીખ), ‘કિશોરલાલ મશરૂવાળા, એક અધ્યયન’ (કેતકી બલસારી). જેમને એ પરિચય સંક્ષેપમાં પામવો છે તેમના માટે અમૃતલાલ યાજ્ઞિકનું પુસ્તક ‘કિશોરલાલ મશરૂવાળા’ છે. અહીં મારો પ્રયાસ મશરૂવાળાના જીવનદર્શનને સમજવાનો છે. મશરૂવાળા એક કાર્યકર હોવાની સાથે મોટા લેખક હતા. દમના વ્યાધિથી નાદુરસ્ત રહેતી તબિયત છતાં તેમણે વિપુલ લેખનકાર્ય કર્યું છે. ‘ગાંધીજી અને સામ્યવાદ’ પુસ્તકમાં સામ્યવાદ અને ગાંધીવિચારનું તુલનાત્મક નિરૂપણ મશરૂવાળાએ કરેલું છે. સામ્યવાદમાંથી હિંસાની બાદબાકી કરવામાં આવે તો તેમાં અને ગાંધીવિચારમાં કોઈ તફાવત નથી, એવો એ સમયે પ્રચલિત મત કેટલો ભૂલભરેલો છે તે એમાં દર્શાવવામાં આવ્યું છે. જગતના સ્વરૂપ વિશે તેમજ જીવનના ઉદ્દેશ વિશે બંને વિચારધારાઓ વચ્ચે પાયાનો તફાવત છે તે તેમણે સરળ ભાષામાં સમજાવ્યું છે. ‘અહિંસા વિવેચન’ અહિંસા વિશેના મશરૂવાળાના લેખોનો સંગ્રહ છે. રાજકીય આઝાદી પછીના ભારતના વિકાસ અંગેનું તેમનું એક ખૂબ જાણીતું પુસ્તક ‘સમૂળી ક્રાન્તિ’ છે. ગરીબી અને તેની સાથે સંકળાયેલાં અનારોગ્ય, ગંદકી તથા અજ્ઞાન આદિ દૂષણોથી દેશને મુક્ત કરવાના આર્થિક તથા રાજકીય માર્ગોની તેમણે આ પુસ્તકમાં ચર્ચા કરી છે. પુરુષપ્રધાન સમાજમાં પુરુષો સ્ત્રીઓ પ્રત્યે જે અન્યાયી વ્યવહાર કરે છે તેની કડક આલોચના ‘સ્ત્રી-પુરુષ-મર્યાદા’ લેખસંગ્રહમાં કરવામાં આવી છે. વીસમી સદીના પૂર્વાર્ધમાં સ્ત્રીઓના સ્વાતંત્ર્ય અને સમાનતાના અધિકારો વિશે તેમણે જે વિચારો વ્યક્ત કર્યા છે તેમાંના મોટા ભાગના વિચારોને આજના નારીવાદીઓનું સમર્થન સાંપડે એટલા ‘આધુનિક’ એ વિચારો છે. તેમણે ‘અવતારલીલા’ને અંતર્ગત ચાર પુસ્તિકાઓ આપી: ‘રામ અને કૃષ્ણ’, ‘બુદ્ધ અને મહાવીર’, ‘સહજાનંદ સ્વામી’ તથા ‘ઈશુ ખ્રિસ્ત’. અધ્યાત્મના વિષયમાં તેમનાં પુસ્તકો છે: ‘જીવનશોધન’, ‘ઊધઈનું જીવન’, ‘સંસાર અને ધર્મ’ તથા ‘ગીતામંથન’. ‘ગીતામંથન’ કિશોરલાલનું સહુથી વધુ વંચાયેલું પુસ્તક છે. ગાંધી વિદ્યાલયના તાલીમાર્થીઓ માટે એમણે તે લખવાની શરૂઆત કરેલી. એક શિક્ષકે અનુપસ્થિત રહીને લેખિત સ્વરૂપે પોતાના વિદ્યાર્થીઓને ‘ગીતા’ શીખવવી હોય તો તેનો અભિગમ શું હોઈ શકે તે ‘ગીતામંથન’માં જોઈ શકાય છે. કેળવણી વિશે તેમનાં ત્રણ પુસ્તકો છે: ‘કેળવણીના પાયા’, ‘કેળવણી વિવેક’ અને ‘કેળવણી વિકાસ’. ‘કેળવણીના પાયા’માં તેમણે શિક્ષણ અને કેળવણી વચ્ચે ભેદ પાડીને વ્યકિતના ઘડતરની જીવનભર ચાલતી પ્રક્રિયાને કેળવણીનું નામ આપ્યું છે, જ્યારે શિક્ષણસંસ્થાઓમાં અપાતા શિક્ષણને શિક્ષણ કહ્યું છે. મશરૂવાળાએ આમ શિક્ષણ અને કેળવણી વચ્ચે સ્પષ્ટ ભેદ પાડ્યો છે. ‘કેળવણી વિવેક’માં શિક્ષણને સ્પર્શતા લેખોનો સંગ્રહ છે. ‘કેળવણી વિકાસ’માં ગાંધીજીના બુનિયાદી શિક્ષણની ચર્ચા કરતા લેખો સમાવવામાં આવ્યા છે. ગાંધીવિચારને કેન્દ્રમાં રાખીને લખાયેલાં પુસ્તકોમાં ‘ગાંધીવિચાર દોહન’ એક પ્રસિદ્ધ પુસ્તક છે. તેમાં ૧૯૩૦ સુધીની ગાંધીવિચારણા સૂત્રાત્મક શૈલીમાં વાંચવા મળે છે. ગાંધીજીના પાયાના વિચારોને સમજી લેવા માટે આ એક ઉત્તમ પુસ્તક છે. ગાંધીવિચાર અંગે ગાંધીજીનાં પોતાનાં લખાણો વાંચીને ન કેળવાય એવી સમજ, કેટલાક દાખલાઓમાં, ‘ગાંધીવિચાર દોહન’ વાંચીને કેળવાય છે. મશરૂવાળા પાસેથી આપણને કેટલાક સુંદર અનુવાદો સાંપડ્યા છે. ૧૯૩૦ની સત્યાગ્રહની લડતમાં તેમને બે વર્ષની સજા અને દંડ થયાં. તેમને નાસિક ખાતે જેલમાં રાખવામાં આવ્યા. દેશના અનેક સત્યાગ્રહીઓની જેમ કિશોરલાલ માટે પણ જેલવાસ વિદ્યાવ્યાસંગનો સમય બન્યો. એ જેલવાસ દરમિયાન એમણે મોરિસ મેટરલિંકના પુસ્તક ‘લાઇફ ઓફ ધી વ્હાઇટ એન્ટ’નો ‘ઊધઈનું જીવન’ એ નામથી અનુવાદ કર્યો. અનુવાદના અંતે તેમણે ‘સાર-શોધન’ શીર્ષક નીચે જે નિબંધ લખ્યો છે તેમાં તેમણે માનવજીવન વિશે તત્ત્વદૃષ્ટિથી વિચાર કરેલો છે. જગત અને જીવનને તેમણે જે રીતે જોયાં છે તેને કોઈ એક નિબંધ દ્વારા પામવાં હોય તો આ ‘સાર-શોધન’ પૂરતું છે. તેમના અન્ય અનુવાદોમાં ખલિલ જિબ્રાનના ‘ધ પ્રોફેટ’નો ‘વિદાય વેળાએ’, ટોલ્સ્ટોયના ‘ધ લાઇટ શાઇન્સ ઇન ડાર્કનેસ’નો ‘તિમિરમાં પ્રભા’ અને પેરી બર્જેસના ‘હૂ વોક એલોન’નો ‘માનવી ખંડિયેરો’(સહ-અનુવાદક કાકા કાલેલકર)નો સમાવેશ થાય છે. તેમણે ‘ગીતાધ્વનિ’ના નામે ગીતાનો સમશ્લોકી લોકભોગ્ય અનુવાદ પણ આપ્યો છે. થોડી નવાઈ લાગે એવા એક પુસ્તક ‘નામાનાં તત્ત્વો’ના તેઓ સહલેખક હતા. એ પુસ્તકની પ્રસ્તાવનામાં તેમણે કહ્યું છે: “આપણા દેશમાં એક એવો ભ્રમ ઘર કરી બેઠો છે કે આધ્યાત્મિક જીવન ગાળવા ઇચ્છનાર લોકોએ હિસાબી કામ માટે બેદરકારી રાખવી જોઈએ. માણસ આધ્યાત્મિક વૃત્તિનો હોય કે દુનિયાદારી વૃત્તિનો, એ જો પાઈનીયે લેવડદેવડમાં પડે અને તે લેવડદેવડ સાથે બીજાઓનો સંબંધ હોય તો, તેણે હિસાબી ચોકસાઈ રાખવી જ જોઈએ. એ બાબતમાં જે બેદરકાર છે, તે સમાજ પ્રત્યે જ નહિ પણ પોતાના આધ્યાત્મિક વિકાસ પ્રત્યે ગુનેગાર છે. હિસાબી ચોકસાઈ અને અર્થલોભ એ બે એક વસ્તુ નથી.” આ બધા લેખનકાર્યની પાછળ ઊડું અને વ્યાપક વાચન પડેલું છે અને છતાં એમની એ બહુશ્રુતતાનો ભાર ક્યાંય એમનાં લખાણોમાં વર્તાતો નથી. મશરૂવાળાના પુસ્તક ‘સંસાર અને ધર્મ’ની પ્રસ્તાવનારૂપે લખેલી ‘વિચારકણિકા’માં પંડિત સુખલાલજીએ નોંધાવ્યું છે કે, “મેં પ્રસ્તુત લેખોને એકથી વધારે વાર એકાગ્રતાથી સાંભળ્યા છે અને થોડાઘણા અન્ય સુપ્રસિદ્ધ ભારતીય તત્ત્વચિંતકોનાં લખાણો પણ સાંભળ્યાં છે. હું જ્યારે તટસ્થ ભાવે આવાં ચિંતનપ્રધાન લખાણોની તુલના કરું છું ત્યારે મને નિ:શંકપણે એમ લાગે છે કે આટલો અને આવો ક્રાન્તિકારી, સચોટ અને મૌલિક વિચાર કરનાર કદાચ ભારતમાં વિરલ જ છે.” બુદ્ધની જેમ જ મશરૂવાળાએ આપણા આધ્યાત્મિક સાહિત્યની અગમ્ય ગૂઢતાઓ અને ચમત્કારોને બાજુ પર રાખીને અનુભવની તેમજ બુદ્ધિની કસોટીએ જેટલું પાર ઊતરે એટલું જ સ્વીકાર્યું છે. વિવેકબુદ્ધિને તેમણે ‘ઇષ્ટ દેવતા’ના જેવી પૂજ્ય માની છે. અનુભવ અને બુદ્ધિથી પર એવા ધર્મ કે અધ્યાત્મનો તેમને કશો ખપ નથી. ‘જીવનશોધન’માં ગૌતમ બુદ્ધની વાણીનો પડઘો પાડતા હોય તેમ એમણે કહ્યું છે: “હે વાચકો, હું જે કાંઈ કહું છું તે પરંપરાગત નથી એટલા માટે જ ખોટું માનશો નહિ. હું કોઈ સિદ્ધ, તપસ્વી, યોગી કે શ્રોત્રિય નથી માટે જ મારું કહેવું ખોટું માનશો નહિ. પણ સાથે જ, તમારી પોતાની વિવેકબુદ્ધિથી મારા વિચારો સત્ય અને ઉન્નતિકર લાગે, જીવનના વ્યવહારમાં અને પુરુષાર્થમાં ઉત્સાહ પ્રેરનારા, પ્રસન્નતા ઉપજાવનારા અને તમારું તેમજ સમાજનું શ્રેય વધારનારા લાગે, તો સ્વીકારતાં ડરશોયે નહીં.” [ગુજરાત સાહિત્ય સભાના આશ્રયે આપેલું વ્યાખ્યાન: ૨૦૦૩]