સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ મં. ત્રિવેદી/ચરોતરનું સંસ્કારધન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પોતાના સર્જનકાર્ય મારફતે ચરોતર પ્રદેશને સાહિત્યમાં પ્રતિષ્ઠિત કરનાર ઈશ્વર પેટલીકર ૬૭ વરસના આયુષ્યમાં ટૂંકી વાર્તા, નવલકથા, લેખો વગેરેનાં ૭૫ જેટલાં પુસ્તકો આપણને આપતા ગયા છે. સર્જક પેટલીકરની છબી અને હિતચિંતક સમાજભેરુ પેટલીકરની છબી પરસ્પર પૂરક બની રહી છે. અનેકોના સંસારના, વિશેષે નારીજગતના, સળગતા પ્રશ્નોને હલ કરનાર સંસ્કારપુરુષ તરીકે પેટલીકર વ્યકિત મટી સંસ્થા બની રહ્યા હતા. ૧૯૭૬માં પેટલીકરની ષષ્ટિપૂર્તિની ઉજવણી ચારુતર વિદ્યામંડળે કરી હતી અને બે પુસ્તકોનું પ્રકાશન કરેલું: પેટલીકરની પ્રતિનિધિ કૃતિઓનું ચયન ‘વિવિધા’ અને તેમની કેટલીક કૃતિઓ વિશેના વિવેચનલેખોનો સંચય ‘શીલ અને શબ્દ’. એમના સ્મારકરૂપે એક વ્યાખ્યાનમાળા પણ ૧૯૮૫માં ચાલુ કરેલી. પેટલીકરના અવસાન પછી પેટલીકર સ્મૃતિ સમિતિના ઉપક્રમે ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે મળીને ‘સગાઈ’ નામનોે ગ્રંથ પ્રગટ કરેલો. [‘રૂપલબ્ધિ’ પુસ્તક: ૨૦૦૪]