સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/છે તેટલું તો વાપરો!

From Ekatra Wiki
Jump to navigation Jump to search


એક દિવસ ચાર-પાંચ જુવાનિયા મારી પાસે આવ્યા. વાતવાતમાં તેમણે પૂછ્યું : “મહારાજ, અમે ઈંડાં ખાઈએ તે અંગે તમારો શો અભિપ્રાય છે?” મને થયું : એમને શો જવાબ આપું? પણ તરત જ મારાથી કહેવાઈ ગયું : “અલ્યા, તમારે ઈંડાં ખાવાં કે નહિ એમાં મને શું પૂછો છો? — એ ઈંડાંની મૂકનાર માને જ પૂછી જુવોને!” “પણ દાદા, નિર્જીવ ઈંડાં ખાઈએ તો?” “પણ, મને એ તો કહો કે તમારે ઈંડાં ખાવાં છે શું કામ?” “કેમ? ઈંડાંમાં પુષ્કળ વિટામિન અને પ્રોટીન હોય છે.” યુવાનોમાંથી એકે કહ્યું. “તમારી પાસે છે એટલું વિટામિન તો વાપરો! — પછી ખૂટે તો વિચારજો.” અને એના અનુસંધાનમાં ગાંધીજીની એક વાત મને યાદ આવી તે મેં જુવાનોને કહી સંભળાવી : ગાંધીજી તો પ્રયોગવીર હતા. અનેક જાતના પ્રયોગો કરતા. એમનું જીવન એટલે પ્રયોગ. એક દિવસ ગાંધીજીને વિચાર આવ્યો કે માણસ જો કાચું જ અનાજ ખાવાની ટેવ પાડે, તો એની કેટલીયે વેડફાઈ જતી શક્તિ બચે અને ઓછી વસ્તુમાંથી પણ વધારે તાકાત મેળવી શકે. ગાંધીજીને વિચાર આવ્યો એટલે જોઈએ શું? પોતાની જાતથી જ શરૂ કરે. એ જ તેમના જીવનની વિશેષતા હતી. મને તેમની આ વાત ગમી ને હું તેમના પ્રયોગમાં જોડાયો. ત્રાણ-ચાર દિવસ તો બાપુને આ પ્રયોગથી ખૂબ સ્ફૂર્તિ રહી, પણ પછી તેમને ઝાડા થઈ ગયા. એક દિવસ તેમના ઓરડામાં મારે કાંઈક લેવા જવાનું થયું. બાપુએ મને બોલાવ્યો. “તારો પ્રયોગ ચાલે છે?” એમણે પૂછ્યું. “હા.” મેં ટૂંકો જવાબ આપ્યો. “વજન ઘટયું?” “પોણો શેર ઘટયું છે.” “પણ શક્તિ?” “થોડી ઘટી હોય એમ લાગે છે.” “તું શું કામ કરે છે?” મેં મારે ભાગે આવતાં બધાં જ કામો ગણાવ્યાં. “આ બધું કામ થઈ શકે છે?” “હા, એમાં વાંધો નથી આવતો.” “તો પછી શક્તિ થોડી ઘટી છે એમ શા ઉપરથી કહે છે?” એ વાણિયાને હું શો જવાબ આપું! અને પછી બાપુએ જે ભાષ્ય કર્યું તે હું કદી ભૂલી શકું એમ નથી. “તને ખબર છે? ખપની શક્તિ કરતાં વધારે શક્તિ શરીરમાં ઉત્પન્ન થાય તો તેમાંથી વિકાર જન્મે. આ બહુ સમજવા જેવી વાત છે. એટલે જેટલું કામ કરવાનું હોય એટલી જ શક્તિ ઉત્પન્ન કરવી જોઈએ. વધારાની શક્તિથી લાભ નથી; ઊલટાની વધારાની શક્તિ ચિત્ત ને ઇંદ્રિયોમાં વિકાર પેદા કરે છે.”