સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/પગારવધારો!
એ વખતે હું બોચાસણ વલ્લભ વિદ્યાલયમાં રહેતો હતો. ત્યાં શિક્ષકોનો તાલીમવર્ગ ચાલતો હતો. રોજ સવારે તેનો એક વર્ગ હું લેતો હતો. વર્ગમાં જાઉં ત્યારે શિક્ષકો રોદણાં રડે : “પેટનું પૂરું ન થતું હોય, ત્યાં અમે શું ભણાવીએ!” આમ રોજ મારી આગળ ઓછા પગારની ફરિયાદો કરતા રહે.
વિદ્યાલયમાં ચા-બીડી પીવાની મનાઈ હતી. એટલે એ શિક્ષકો નજીકમાં સ્ટેશન હતું ત્યાં હોટલમાં જઈને ‘કોપ’ કરી આવે, અને તલપ લાગે ત્યારે વિદ્યાલયની બાજુના ખેતરમાં ‘ગોળમેજી પરિષદ’ ભરીને બીડીના ધુમાડા ઉડાડે, એ મારા જોવામાં આવતું.
એક દિવસ, શિક્ષકોના પગાર વધારવાની યુક્તિ મને અચાનક સૂઝી ગઈ. સવારે હસતો હસતો હું વર્ગમાં ગયો ને શિક્ષકોને મેં કહ્યું, “આજે કોઈ પણ રીતે તમારો પગાર પંદર રૂપિયા તો વધારવો, એવું નક્કી કરીને આવ્યો છું. પણ તેમાં તમારી મદદ જોઈશે.” શિક્ષકો બધા રાજી રાજી થઈ ગયા ને કહેવા લાગ્યા, “બોલો, શી મદદ જોઈએ છે?”
મેં કહ્યું, “આજથી ચા-બીડી છોડો, એટલે તમારો પગાર પંદર રૂપિયા વધી જ ગયો સમજો. ચા-બીડીથી તમને કશો ફાયદો થતો નથી; નકામા પૈસા જ ખરચાય છે. એ છોડો ને બદલામાં દાણા-દૂધ-ઘી લાવીને ખાવ!”
મારી વાત સાંભળીને, એમનાં ખીલેલાં મોઢાં ઊતરી ગયાં.