સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/માધીનો છોકરો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અમારા આશ્રમમાં એક ઠાકરડાનો છોકરો આવેલો. બહુ નાનો હતો. અમે તેને કાંતતાં શીખવ્યું અને દોઢ વરસે તેના સૂતરમાંથી એક તાકો તૈયાર થયો. તાકો જોઈને છોકરો નાચતો નાચતો કહે : “મારી માધીને આપીશ! મારી માધીને આપીશ!” એના મુખ ઉપરનો મલકાટ નિહાળી મને થયું : આ છોકરાને માધી ઉપર કેટલો સ્નેહ છે! હું જાણતો હતો કે માધી તે બાળકની મા નથી. એ છોકરાની મા મરી ગઈ તેથી માધીએ તેને ઉછેરીને મોટો કર્યો હતો. બાળકનો માધી પરનો સ્નેહ દેખાતો હતો, પણ માધીને બાળક માટે કેટલો સ્નેહ છે તે જોવા જવાનો મને વિચાર આવ્યો. એક વાર બાળકોને લઈને અમારે પ્રવાસે જવાનું થયું. માધીને ગામ અમે તો ઊપડ્યાં. માધીને ઘેર હું ગયો. તેણે મને પ્રેમથી આવકાર્યો. ફાટીતૂટી એક ગોદડી પાથરી આપીને હસતે મુખે સામે બેસી તે વાતો કરવા લાગી. ત્યાં છ-સાત વરસનો એક છોકરો આવીને ધબ દઈને તેના ખોળામાં પડયો. બાઈ તેને ખસેડવા ઘણુંય કરે, પણ પેલો તો વધારે ને વધારે વળગેલો રહે! મેં પૂછ્યું, “આ કોણ છે?” માધી કહે, “વાણિયાનો છોકરો છે. મેં ઉછેરેલો.” મેં પૂછ્યું, “કેમ, તારે કેમ ઉછેરવો પડયો?” બાઈ કહે, “તેની મા સુવાવડમાં મરી ગઈ, ને બાળકને આપણાથી રેઢું છોડાય?” (માધી સુયાણી હતી.) “શેઠે શું આલ્યું?” “આલે શું? — મેં કંઈ લીધું જ નથી, મા’રાજ! વખતે મફત આપે તેથી ભૂલેચૂકેય તેની દુકાનના ઉંબરે ચડી નથી.” બાઈએ ખુમારીથી જવાબ વાળ્યો. “ત્યારે આ બાળક સાજુંમાંદું થાય ત્યારે દવાદારૂ અંગે શું કર્યું?” મારા મનમાં તો હજી આ બધું કોયડારૂપ જ હતું. થોડી વાર અટકીને બાઈ કહે : “એ શું બોલ્યા, મા’રાજ? એવાં કેવાં છોકરાં ઉછેરીએ કે માંદાં થાય? માંદાં થાય તો કાંડું ન કાપી કાઢીએ? મારું તો એકેય છોકરું કોઈ દી માંદું પડ્યું નથી! માંદાં પડે તેવાં છોકરાં ઉછેરીએ જ શીદને?”