સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/સંકલ્પનું બળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


એક ઠાકોર હતા. એક વખત મારે તેમની સાથે અફીણ સંબંધી વાતો થઈ. તેમણે તે દહાડાથી અફીણ લેવાનું છોડી દીધું. પણ પંદર-વીસ દહાડા થયા પછી તેમણે કહ્યું, “જો, હવેથી કોઈને આવો ઉપદેશ દેતા! કોઈને મારી નાખશો!” અને પછી તેમણે આપવીતી સંભળાવવા માંડી: “તમારા ગયા પછી મને તો ઝાડા થઈ ગયા, બોલવા-ચાલવાના હોશ રહ્યા નહીં, લગભગ બેભાન થઈ ગયો. પછી તો મેં ઇશારતો કરીને બૈરાંને બોલાવ્યાં અને ઇશારાથી સમજાવ્યું કે મને અફીણ ખવડાવો. અફીણ ખાધું, ત્યારે માંડ જરા હોશ આવ્યા.” પણ મેં તો ઠાકોરને ઝાટક્યા: “ભૂપતસિંહ ઠાકોર, અફીણ ખાધા વિના મરી ગયા હોત તો દુનિયામાં તમારા વિના શું ખાટુંમોળું થઈ જવાનું હતું? ટેક ન પાળી શક્યા, તો ક્ષત્રિય શાના? અફીણ જેવી ચીજ પણ તમને હરાવી ગઈ? તેના વિના તમે મરવા પડ્યા? તમે તો તમારું ક્ષત્રિયપણું પણ ગુમાવ્યું. ત્યારે હવે તમે જીવતા હો કે મરેલા, બંને સરખું જ છે. જો તમે વીર હોત તો જીતત. પણ તમે હાર્યા, અફીણ જીત્યું.” આટલું સાંભળતાં જ તેમને તો એટલું પાણી ચડ્યું કે અફીણનો દાબડો ફેંકી દીધો. અને પછી ન તો તેમને ઝાડા થયા કે ન બેભાન થઈ ગયા. કારણ કે આ વખતે સંકલ્પનું બળ હતું.