સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/એ દિવસ —

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાગ્યચક્રના પરિવર્તન દ્વારા એક દિવસ તો અંગ્રેજોને આ ભારત-સામ્રાજ્ય છોડીને જવું જ પડશે. પરંતુ તેઓ પોતાની પાછળ કેવા શ્રીહીન કંગાલિયતના ઉકરડા સમા ભારતવર્ષને મૂકી જશે! જીવનના પ્રારંભકાળમાં મેં યુરોપની સંપત્તિરૂપ આ સંસ્કૃતિના દાન ઉપર સમગ્ર અંતરથી વિશ્વાસ રાખ્યો હતો. અને આજે મારી વિદાયને સમયે તે વિશ્વાસ બિલકુલ ઊડી ગયો છે. આજે હું સામા કિનારાનો મુસાફર છું — પાછળના ઘાટ ઉપર હું શું મૂકતો આવ્યો? એક અભિમાની સંસ્કૃતિનાં ચારે કોર વેરાયેલાં ખંડિયેરો! ઇતિહાસમાં એ કેટલું તુચ્છ ઉચ્છિષ્ટ લેખાશે! પણ માણસ પ્રત્યે વિશ્વાસ ખોઈ બેસવો એ પાપ છે, એ શ્રધ્ધા હું આખર સુધી જાળવી રાખીશ. મનુષ્યત્વના પરાભવને અંતહીન અને ઉપાયહીન માની લેવો એને હું અપરાધ સમજું છું. હું એટલું કહેતો જાઉં કે પ્રબળ પ્રતાપશાળીનાં પણ સામર્થ્ય, મદમત્તતા, આત્મંભરિતા સલામત નથી, એ પુરવાર થવાનો દિવસ આજે સામે આવીને ઊભો છે, અને જરૂર એ સત્ય સાબિત થશે કે — અધર્મથી માણસ અમુક વખત પૂરતો સંપત્તિમાન થાય છે, સુખો પામે છે, હરીફો ઉપર વિજય મેળવે છે, પણ અંતે સમૂળગો નાશ પામે છે. (અનુ. નગીનદાસ પારેખ)