સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/ભયઅમારેકોનો?
Jump to navigation
Jump to search
ભય અમારે કોનો?
ભય અમારે કોનો જગમાં?
ભય અમારે કોનો?
લુચ્ચા બુઢ્ઢા ચોરલૂંટારા
અમને શું કરવાના?
સીધુંસાદું જીવન જ્યાં હો
શીદને અમ ડરવાના?
ભય અમારે કોનો જગમાં?
ભય અમારે કોનો?
નહિ કપટ, ન ઝોળી થેલી,
મતા અમારી શી?
લૂંટી શકે ના લગન અમારી
ધૂન તદ્દન પાગલ શી!
ભય અમારે કોનો જગમાં?
ભય અમારે કોનો?
ખપે નહિ આરામ અમોને,
ખપે ન યશ કે નામ;
ખપે નહિ વિરામ અમોને,
સદા લગન—બસ, કામ!
ભય પછીથી કોનો જગમાં?
ભય અમારે કોનો?
ચડતી-પડતી સમાન અમને,
છો હાર જીવન કે જીત;
જીવન જોગવવું જ લગનમાં,
ધ્યેયમગન થઈ નિત!
ભય પછીથી કોનો જગમાં?
ભય અમારે કોનો?
(અનુ. ધર્મેન્દ્ર માસ્તર, ‘મધુરમ્’)