સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રસિક ઝવેરી/જલમભોમકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


એડન, સુએઝ, નેપલ્સ.... એમ બંદરગાહો વટાવતી સ્ટીમર આગળ વધી. જિનોઆ આવ્યું. ત્યાંથી લંડન પહોંચવા માટે રેલસફર. વિક્ટોરિયા સ્ટેશને ભાનુ અને આનંદ રૂમાલ ફરકાવતાં ઊભાં હતાં. ચાર વરસે, એનાં લગ્ન પછી પહેલી જ વાર, દીકરી-જમાઈને મળ્યો... એક મહિનો પગપાળા રખડપટ્ટીમાં કાઢયો તે દરમિયાન હું લંડનના મુખ્ય માર્ગોથી ઠીક ઠીક પાવરધો થઈ ગયો. એક વાર રોયલ ફેસ્ટિવલ હૉલમાં રવિશંકરના સિતારવાદનનો કાર્યક્રમ હતો. ભાનુ-આનંદ સાડા છએ કાર લઈને મને હાઈડ પાર્ક પાસે મળવાનાં હતાં. પછી ‘કાશ્મીર રેસ્ટોરાં’માં જમીપરવારી અમારે થિયેટર પર પહોંચી જવાનું હતું. હાઈડ પાર્કના મેદાનમાં હું લટાર મારી રહ્યો હતો. ત્યાં લોકોના ટોળા આગળ એક પાકિસ્તાની ભારત વિરુદ્ધ ગાળો ઓકી રહ્યો હતો. બીજી બાજુ એક પાદરી બીજા ટોળાને સ્વર્ગ અને નરકની વાતો સમજાવી રહ્યો હતો. ત્યાં કોઈએ શુદ્ધ કાઠિયાવાડી લહેકામાં મને બૂમ પાડી : “એ...એ...ઈ બચુભાઈ! એ મોટાભાઈ!” આશ્ચર્યથી મેં પાછળ જોયું તો નજર સામે એક વધુ મોટું આશ્ચર્ય ઊભું હતું : તપખીરિયા રંગનો ગરમ ચૂડીદાર સુરવાલ, બંધ ગળાનો કોટ, માથે કાઠિયાવાડી સાફો, હાથમાં હેવી ઓવરકોટ — એવો એક આદમી દોડતો આવી મારે પગે પડયો. પછી કહે, “કાં મોટાભાઈ! તમે ક્યાંથી? ઓળખાણ પડે છે?” હું ગૂંચવાતો એની સામે તાકી રહ્યો. અહીંયાં લંડનમાં, મને મારા બચપણના નામે બોલાવતો આ માણસ કોણ! ત્યાં વળી એ જ બોલ્યો : “તમે મને ન ઓળખ્યો, પણ મેં તો તમને વરતી કાઢયા, હોં! તમે ભાવનગરમાં મામાને કોઠે રે’તા કે નઈ? તમે કપિલભાઈ ઠક્કરના ભાણેજ બચુભાઈ જ ને? યાદ છે — આપણે શેરીમાં હારે રમતા? ઓઘા વાણિયાને હાટેથી ભાગ લઈને ખાતા? હું કાનજી ખવાસ.” અને એકાએક સ્થળકાળનો ઓછાયો મારી નજર સામેથી ઓસરી ગયો — કાનજી અભેસંગ ખવાસ! અમારી શેરીમાં રહેતો. બચપણમાં અમે ભેળા રમેલા. “અરે...અરે, કાનજી! તું અહીંયાં ક્યાંથી, ભાઈ?” કહેતોકને હું એને ભેટી પડયો. મારો લંગોટિયો ભાઈબંધ! એય મને જોઈને ખુશ ખુશ હતો. કહે, “હું તો આંઈ તૈણ વરહથી સું દાક્તર સા’બની હારે. મેં તમને આબાદ વરતી કાઢયા, હોં મોટાભાઈ! વાળ ધોળા થયા, પણ અણહાર નો ભુલાય!” સડક પાસેના બાંકડા પર અમે ગોઠવાયા, અલકમલકની વાતે વળગ્યા. “ઈ જમાનો થાવો નથ, હો મોટાભાઈ! હવે તો દેશમાં યે સંધુંય ફરી ગ્યું. ઈ બોર તળાવ ને ઈ પીલ ગાર્ડન, ઈ ગંગાજળિયાનું દેરું ને ઈ તખતેશરની મોજું, ઈ દાલમશાલી ને ભડેકિયાં પાન ખાવાનો ટેસ... ઈ સંધુંય હવે થાવું નથ! મારા કરમમાં જ વદિયા નઈ. તમે મુંબી વયા ગ્યા ને હું રઈ ગ્યો ભણ્યા વિનાનો કોરોધાકોર. પછી વાળુકડવાળા રામજીભા શેઠને ન્યાં ચાકરી રઈ ગ્યો, એને વરહ થ્યાં ચાળી ઉપર બે. આ દાક્તર સા’બ એમના દીકરા — ઈની હારે તૈણ વરહથી આંઈ કણે સું.” મેં કહ્યું, “કાનજી, તું તો નસીબદાર, ભાઈ! વગર ભણ્યે અહીં લંડનમાં લહેર કરે છે, ત્યારે ભલભલાને તો અહીં આવવાની પરમિટેય નથી મળતી.” તો કહે, “ઈ તો સંધોય ઠીકોઠીક સે, મોટાભાઈ. હું તો રામજી અદા હારે આપણો સંધોય મલક ફરી વળ્યો, શેઠે એ...ઈ....ન રૂપાળી ચાર ધામની જાત્રા કરાવી. ને ગંગામા તો જાણે અંબાનો અવતાર જોઈ લ્યો. ચાકર માતરને પંડયનાં જણ્યાંની જેમ જાળવે, હોં મોટાભાઈ! ઈ સાચકલાં માણહું ને ઈ જમાનો હવે થાવાં નથ. આ તો અદાએ પરાણે દાક્તરસા’બની ભેળો મેલ્યો ને મેં જીભ કસરી કે પંડ હાટે જાળવીશ, એટલે રે’વું પડે. બાકી આપણો મલક ઈ આપણો મલક, બીજાં સંધાંય ફાંફાં. જલમભોમકા ક્યાંય થાવી નથ!” ડૉક્ટર શેઠની સાથે કાનજી લંડન આવ્યો. પેડિંગ્ટનમાં ડૉક્ટર પાંચ વરસ માટે છે. હજી બે વરસ કાઢવાનાં. પણ એનું મન ભટકે છે એની ‘જલમભોમકા’માં. મેં કહ્યું, “મારી દીકરી ભાનુ અહીં ચાર વરસથી છે, એને મળવા આવ્યો છું.” વાતોમાં વખત ક્યાં વીતી ગયો એની ખબર ન પડી. આનંદની મોટરનું હોર્ન સડક પરથી સંભળાયું એટલે મેં કહ્યું, “કાનજી, તુંયે આજે અમારી ભેળો જમવા ચાલ.” રેસ્ટોરાંમાં અમે ગોઠવાયાં. કાનજીએ છરી-કાંટાથી અદબસર જમવા માંડયું. બધી એટિકેટ એ બરાબર જાળવતો. જમતાં જમતાં કાનજી ભાનુને કહે, “દીકરી મારી, તું અહીં ચાર વરહથી, પણ મને તો ખબરેય નંઈ. તારે અંઈ કોઈ વાતે મૂંઝાવું નંઈ. અડીઓપટીએ આ કાનજીને, બસ, એક ફોન કરી દેવો. મારી તો આંખ્યું ટાઢી થૈ આ તમારી શિવ-પાર્વતી જેવી જોડી જોઈને!” એને જ્યારે ખબર પડી કે આનંદને ગુજરાતી નથી આવડતું, ત્યારે એની સાથે હિંદીમાં ફેંકવા માંડયું. કહે, “તુમ તો, સાબ, બડા નસીબવાળા, હોં કે! અમારી છોડી રતન જેસી હે. કામ પડે તો હમકો, બસ, એક ટેલિફોન કર દેના. હમ તો તુમારા કાકાજી લગતા. કોઈ વાતસે મૂંઝાના નંઈ!” જમવાનું પૂરું થયું એટલે અમે અંદર હાથ ધોવા ગયાં. પાછા આવી કૉફી પીવા બેઠાં ત્યારે કાનજી અંદર ગયો. અમે બિલની રાહ જોતાં બેઠાં હતાં, ત્યાં વેઇટર બિલ અને પરચૂરણ સાથે હાજર થયો અને ડિશ કાનજી સામે ધરી. અમે અંદર ગયાં ત્યારે કાનજી કાઉન્ટર પર પૈસા સરકાવી આવ્યો હશે! ટિપનો હિસાબ ગણી એણે પાંચ શિલિંગ ડિશમાં રહેવા દીધા. મેં કહ્યું, “કાનજી, આ શું? તું તો અમારો મહેમાન — તારાથી પૈસા અપાય જ નહિ!” તો કહે, “દીકરી-જમાઈને પે’લી વાર જોયાં, મોટાભાઈ! કંઈ બોલો તો મારા ગળાના સમ!” એ ભોળા માણસને શું કહેવું? વળી પાંચ પાઉન્ડની નોટ કાઢી ભાનુના હાથમાં આપવા માંડી. મેં કહ્યું, “અરે, અરે... આ તું શું કરે છે?” તો કહે, “ઈ તો વે’વારની વાત સે, મોટાભાઈ! એમાં તમારાથી કંઈ બોલાય જ નંઈ. લઈ લે, દીકરી! તને જમાડીને કાપડું કરવું જોયે મારે. તારા બાપુ ને હું નાનપણમાં ભેળા રમતા, ઈ વેવારે હું તારો કાકો થાઉં.” અમારી સૌની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. ભાનુ ઊભી થઈ, વાંકી વળી કાનજીને પગે લાગી. વિલીન થતા જમાનાના અવશેષ જેવા આ સાચકલા માણસની ભાવનાની અવગણના કરવાની એનામાં હિંમત શેં પડે? છૂટાં પડ્યાં ત્યારે કાનજીનાં મોંમાં, બસ, એક જ વાત હતી : “આપણા મલક જેવો મલક થાવો નથ, હોં મોટાભાઈ! આંઈકણે મારા જેવાને નો સોરવે, પણ જીભ કસરી એટલે રે’વું પડે. બાકી જલમભોમકા ઈ જલમભોમકા!” [‘અલગારી રખડપટ્ટી’ પુસ્તક]