સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રસિક શાહ/સાહિત્ય અને દુર્બોધતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાહિત્ય વાંચતાં કોઈક વખત એ નથી સમજાતું એવી લાગણી થાય છે. એવી મુશ્કેલીને આપણે દુર્બોધતા કહીને ઓળખાવીએ છીએ. કેટલીક દુર્બોધતા નિવારી શકાય એવી હોય; કેટલીક ઉપેક્ષા કરવા જેવી હોય. દુર્બોધતા વાચકની તૈયારીની કે યોગ્યતાની કચાશના કારણે લાગતી હોય એવું પણ બને. સ્પષ્ટ રીતે વ્યક્ત ન થતું હોય, સમજવું અઘરું લાગતું હોય, શબ્દનો અર્થ અસ્પષ્ટ હોય, એક કરતાં વધારે અર્થઘટન થઈ શકે એ રીતે શબ્દો કે વાક્યો વપરાયાં હોય ત્યારે વાચકને જે અનુભવ થાય છે એ દુર્બોધતાનો છે. એવી દુર્બોધતા વાચનપ્રવૃત્તિની ગતિમાં, એની પ્રવાહિતામાં સ્પીડ-બ્રેકરનું કામ કરે છે. વાર્તાપ્રવાહમાં કે કાવ્યના રસમાં એકંદરે પાયાનો વિક્ષેપ ન થતો હોય તો વાચક એવી દુર્બોધતાની અવગણના પણ કરતો હોય છે. સાહિત્યનો રસાસ્વાદ સાહિત્યની ચર્વણા પછી જ થતો હોય છે. ચર્વણાનો પુરુષાર્થ ભાવકના પક્ષે કેટલીક પૂર્વતૈયારી માગી લે છે. એવા સાહિત્યને આપણી રુચિ સામે આવતો પડકાર ગણીએ તો સાહિત્ય માણવાની એક જુદી જ મજા આવે, આપણી રુચિ ઘડાય. ભાષાનો ઉપયોગ કશીક લાગણી, ભાવ કે વિચાર સામા સુધી સફળતાપૂર્વક પહોંચાડવા માટે સામાન્યતયા કરતા હોઈએ છીએ. ભાષા બોલીને પોતાનું કથન વિશ્વને પ્રગટ કરવું અને પોતાની જાતને વ્યક્ત કરવી એ માનવીને મળેલી મહાન બક્ષિસ છે. એને કેમ વાપરવી, એને કેવી રીતે સમૃદ્ધ કરવી અને એની મારફત જીવનનાં ગૂઢ રહસ્યોને ઉકેલવાં અને પ્રગટ કરવાં એ માનવીના હાથની વાત છે. ભાષાની અભિવ્યકિતની શકિતને સાહિત્ય દ્વારા પામવી, ઓળખવી અને માણવી એ સર્જક માટે અને ભાવક માટે એક સાહસયાત્રા છે. સમૃદ્ધ સાહિત્ય એ સાહસયાત્રામાં જોડાવાનું ઇજન છે. આપણને લાગતી દુર્બોધતા એ સાહસયાત્રામાં આવતા અટપટા અને કઠિન માર્ગો છે. અંધારી અને સાંકડી ગલીઓ છે, કદીક કપરાં ચઢાણ છે. એને ખંતથી, અભ્યાસના પુરુષાર્થથી દૂર કરવાં રહ્યાં. [‘પરબ’ માસિક: ૨૦૦૫]