સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રાજેન્દ્ર જ. જોશી/લોકોની યાદદાસ્ત!

From Ekatra Wiki
Jump to navigation Jump to search


થોડા દિવસ પૂર્વે, તંત્રીશ્રીને અમે એક પત્રા લખ્યો : “લોકોની ઘટતી જતી યાદદાસ્ત અંગે અમે એક હાસ્યલેખ લખ્યો હતો. તમને તે મોકલવા વિચાર કર્યો હતો. પણ મોકલ્યો કે નહીં તે યાદ નથી. આ પત્રા મળ્યે એ જણાવવા કૃપા કરશો કે તમને અમારો આ લેખ મળ્યો છે? મળ્યો હોય તો પ્રગટ કર્યો છે?” અઠવાડિયા પછી તંત્રીશ્રીનો જવાબ આવ્યો : “આવો કોઈ લેખ મળ્યાનું યાદ નથી. કદાચ મળ્યો હોય તો છાપ્યો છે કે નહીં તે યાદ નથી.”

*

આ પ્રસંગ એ વાતની જીવતી ગવાહી છે કે લોકોની યાદદાસ્ત ઘટતી જાય છે. ઘણા વખતથી અમે આ વાત નોંધી રહ્યા છીએ. ચોક્કસ કેટલા સમયથી અમે આ જોઈ રહ્યા છીએ તે અમને યાદ નથી, પણ લોકોની યાદદાસ્ત ઘટી રહી છે તે એક હકીકત છે. થોડા દિવસ પહેલાં, સાંજના સમયે અમારા પડોશી અને પ્રશંસક કાચાલાલના ઘરમાં બેસી, અમે કંઈક વાતચીત કરતા હતા. અમારી એ આદત છે કે સપ્તાહમાં બે-ચાર વાર આ રીતે ટોળટપ્પાં કરવા માટે એકબીજાના ઘરે જઈએ છીએ. અમારી વાતો બરાબર જામી હતી કે કાચાલાલનો પૌત્રા આવ્યો ને પૂછવા લાગ્યો : “દાદાજી, તમે તમારી દવા લીધી?” “હા બેટા...” કાચાલાલે જવાબ આપ્યો. પૌત્રા ગયાને પાંચ મિનિટ પણ નહોતી થઈ ત્યાં કાચાલાલનાં પુત્રાવધૂ આવ્યાં અને એ જ પ્રશ્ન દોહરાવ્યો. પ્રશ્ન સાંભળી કાચાલાલનો મિજાજ ગયો. અમારી હાજરીમાં જ પુત્રાવધૂને ધધડાવી કે, “મને બધાં ગાંડો સમજો છો?” એક અક્ષર પણ બોલ્યા વગર વહુ ઘરમાં જતાં રહ્યાં. “કાચાલાલ, શું વાત છે? શાની દવા લો છો?” અમારાથી પુછાઈ ગયું. અમારી જગ્યાએ કોઈ પણ હોત... કાચા કલિંગર જેવી કાચાલાલની કાયા જોઈને આ પ્રશ્ન તેનાથી પુછાઈ જ ગયો હોત! અમારો પ્રશ્ન સાંભળી કાચાલાલના મોં પર તેજ છવાયું. બોલ્યા — “હમણાં હમણાંથી મારી યાદદાસ્ત ઘટી ગઈ છે એટલે એક ડૉક્ટરની સારવાર ચાલે છે.” “ફેર લાગે છે એ દવાથી?” “કેમ ના લાગે? ગયા નહીં ને એની પહેલાંના શ્રાવણ મહિનાથી મને લાગતું હતું કે મારી યાદદાસ્ત ઘટતી જાય છે. છ-આઠ મહિના તો મેં ગણકાર્યું નહીં. પણ પછી, ગઈ નહીં ને એની પહેલાંની હોળી પર મેં ડૉક્ટર ભરૂચાને બતાવ્યું. દોઢ મહિનો તેની દવા લીધી ને સત્તરસો રૂપિયાનું પાણી કર્યું......” સુવર્ણજયંતી એક્સપ્રેસની જેમ તેમની કથા આગળ ચાલી. પોતાને કમયાદદાસ્તના દરદી કહેવરાવતા આ શખસે ખરેખર કેટલા ડૉક્ટરોની દવા લીધી, કોની પાછળ કેટલા ખરચ થયા ને કોની સારવાર કેટલા દિવસ લીધી તેની વિગતે વાત કરી. છેવટે બોલ્યા : “આ નવમો ડૉક્ટર છે. મને તો બહુ વિશ્વાસ નહીં, પણ અમારા વેવાઈના સાઢુભાઈના દીકરાના સાળાને એમની દવાથી ફેર પડી ગયેલો, એટલે વેવાઈ મારી પાછળ લાગ્યા’તા ને હું ગયો. પંદરમી મેથી દવા શરૂ કરી, પણ આ અઢી મહિનામાં ખરેખર રાહત લાગે છે.” વાત પૂરી કરતાં કરતાંયે ડૉક્ટરનું પૂરું નામ, તેની ડિગ્રી, તેણે મેળવેલા ગોલ્ડ મેડલ અને તેની અંદાજિત આવકની વાત પણ કાચાલાલે કરી. “કાચાલાલ, તમારી વાત સાંભળીને કોઈ માને નહીં કે તમે કમયાદદાસ્તના દરદી હશો! ખરેખર તમે જે ડૉક્ટરોનાં નામ કહ્યાં તેમાંનાં એકે ય મને યાદ નથી રહ્યા!” “તો તમેય ચાલોને અમારી સાથે. દર શુક્રવારે અહીં સેટેલાઈટ રોડ પર કન્સલ્ટિંગ રૂમમાં આવે છે. બાકી સોમ અને બુધ મીરઝાપુર હોય છે. મંગળ, ગુરુ અને શનિ ઇન્કમટેક્સ પાસે...” કહેતાં ત્રાણેય કન્સલ્ટિંગ રૂમના ટાઇમ અને ડૉક્ટરની ફી પણ તેમણે કહી દીધી. કોણ માને કે એમની યાદદાસ્ત ઘટી ગઈ છે? પણ છતાં પોતાની યાદદાસ્ત ઘટી ગઈ હોવાના જબ્બર આત્મવિશ્વાસ સાથે તે સારવાર લઈ રહ્યા છે અને ફાયદો થઈ રહ્યાનો આનંદ લૂંટી રહ્યા છે! [‘અખંડ આનંદ’ માસિક : ૨૦૦૨]