સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રાજેન્દ્ર શાહ/મેહ મીઠી વરસે

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ઝીણી ઝીણી ઝરમર
મેહ મીઠી વરસે.
પાતળા પાલવ તળે
ઉર મારું તરસે.
ઝીલું હું આતુર નેણે,
વ્હાલનાં અબોલ વેણે;
તન રે તનિક લહેરે
હરખાય પરસે.

ઝીણી ઝીણી ઝરમર
મેહ મીઠી વરસે.
કોણ મારું મન બોલે?
બોલે રે ઝિંગુરવા;
ટહુકે ભરાય આભ
વગડા ડુંગરવા.
ડાળે ડાળે પાને પાને
ફલ ફોરે મધુ ગાને,
ચરણ ચંચલ તાને —
બિન રે ઘુંઘરવા.
કોણ મારું મન બોલે?
બોલ રે ઝિંગુરવા.

ઝીણી ઝીણી ઝરમર
મેહ મીઠી વરસે,
ગરવો અમલ ચડે
અમિયલ પરસે.
કાંઠે ન સમાય પૂર,
ઘૂમરાય ઘૂર ઘૂર,
ધરવ ધરે ને ઉર
અદકેરું તરસે.
ઝીણી ઝીણી ઝરમર
મેહ મીઠી વરસે.
[‘સમર્પણ’ પખવાડિક : ૧૯૬૫]