સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/સાહિત્ય અને જીવન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જીવનમાં સાહિત્યકલાને ઘણું ઊચું સ્થાન છે. અને તેમ છતાં સાહિત્યસેવન, કાવ્યાનુભવ, એ જીવનનું એક જ ધ્યેય નથી, તેમ જ તે સૌથી ઉન્નત ધ્યેય પણ નથી. જીવનનું ઉન્નત ધ્યેય પોતે ઉન્નતિ, વિશાલતા, જાગૃતિ, નિર્ભયતા સિદ્ધ કરવી એ છે. અમુક કાવ્યના પરિમિત અનુભવમાં પૂર્ણતા મન સમક્ષ વ્યક્ત થાય એટલાથી કૃતાર્થ થઈ શકાતું નથી. એ પૂર્ણતા સમસ્ત જીવનમાં સિદ્ધ કરવી જોઈએ. અને તે તરફ જવાનો માર્ગ વાસ્તવિક જીવન સોંસરો પડેલો છે. વાસ્તવિક જીવનના ઉપસ્થિત પ્રસંગોએ નિર્ભયતા, વિશાલતા સેવતાં સેવતાં જ એ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે. એવા પ્રસંગો જતા કરીએ, એવા પ્રસંગોએ ખસી જઈએ, તો એ પ્રસંગનું કામ કોઈ કાવ્ય કરી શકશે નહીં. બહાદુરી કરવાને પ્રસંગે ફરજમાંથી ખસી જઈએ તો એ પ્રસંગનું ફળ વીરરસકાવ્ય-વાચનથી કે વીરરસના નૃત્યથી નથી મળવાનું. ફળ નથી મળવાનું એટલે વ્યાવહારિક ફળ નથી મળવાનું એ તો દેખીતું જ છે. પણ બહાદુરીના કૃત્યથી આત્માની જે ઉન્નતિ થવાની હતી તે વીરરસકાવ્ય-વાચનથી નથી થવાની. ઊલટું, બહાદુરીનો પ્રાપ્ત પ્રસંગ જવા દીધો, ચેતનની સ્ફૂર્તિની એક તક ગુમાવી, એથી ચેતન એટલું ઓસર્યું. અને પછી એ ક્રિયાને ફરી અટકાવીએ નહીં તો એ ઓસરતું જ જવાનું. એ ચેતન પછી કાવ્ય દ્વારા પણ વીરરસનો અનુભવ કરવાને એટલું નાલાયક બનવાનું. એટલે સાહિત્ય અને જીવનનો માર્મિક સંબંધ કહ્યા છતાં; સાહિત્ય જીવનને સમૃદ્ધ કરે છે, ઉન્નત કરે છે, એ સ્વીકાર્યા છતાં; કાવ્ય કે કોઈ પણ કલા સાથે વાસ્તવિક જીવનનું સાટું ન કરી શકાય. કારણ કે હાલના કલાપ્રશસ્તિના વાતાવરણમાં મનુષ્ય પોતાની નિર્બળતાથી ઘણી વાર એમ માની પોતાની જાતને છેતરે છે. જેવું ધર્મનું વેવલાપણું હતું, તેવું કલાનું પણ હોઈ શકે છે. અને છેતરનાર માણસ ભલે બીજાને છેતરી શકતો હશે, પણ કોઈ જીવનને છેતરી શકવાનું નથી. [‘સાહિત્યવિમર્શ’ પુસ્તક: ૧૯૩૯]