સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લતા મંગેશકર/સ્વાગત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હિંદી ચિત્રપટ, તેનાં કલાકારો અને તેમના અભિનયને શિરીષ કણેકર વર્ષોથી ઉત્કટ પ્રેમ કરતા આવ્યા છે. ચિત્રપટસંગીત પરના તેમના પ્રેમનો તો, આ વ્યવસાય સાથે સંકળાયેલાં કલાકારોને બાદ કરતાં, આજે મરાઠીમાં અન્યત્ર જોટો સાંપડવો મુશ્કેલ છે. શિરીષ કણેકરના અસીમ સંગીતપ્રેમની પ્રતીતિ ‘ગાયે ચલા જા’ જેવા તેમના પુસ્તકથી વાચકોને થઈ જ છે. તે સાથે જ દીર્ઘકાલીન શ્રવણભક્તિથી તેમણે આ વિષય પર મેળવેલો અધિકાર પણ ઘણુંખરું બધાંને માન્ય થાય એવો જ છે. હિંદી ચિત્રપટસૃષ્ટિની લગભગ છેલ્લી ત્રણ પેઢીનાં અનેક નાનાંમોટાં. અભિનેતા અને અભિનેત્રીઓનાં અતિશય હૃદયસ્પર્શી શબ્દચિત્રો કણેકરે ‘યાદોં કી બારાત’માં અહીં એકદમ ઉત્કટતા અને જાણકારીથી રેખાંકિત કર્યાં છે. આ સ્મૃતિઓની સાથે હિંદી ચિત્રપટસૃષ્ટિનો ઇતિહાસ લગભગ આરંભથી જ આપણી સમક્ષ એકદમ ઊઘડતો આવે છે. વિવિધ પ્રકારના ભાવ મનમાં ઊછળી આવે છે. ક્યારેક હોઠ હસે છે, ક્યારેક આંખ ભીની થાય છે. ક્યારેક મન ઉદાસ થઈ જાય છે; તો ક્યારેક તે અંતર્મુખ થઈને જૂનાં સ્મરણોમાં ડૂબી જાય છે. આજની યુવાન પેઢીને આ બારાતના કેટલાક ચહેરા અજાણ્યા લાગશે. પણ આજે જે મધ્યમ વયના કે પ્રૌઢ વયમાં આવેલા વાચકો છે તેમને તો આ પુસ્તક વાંચતાં પોતાની યુવાન વયનાં અનેક જૂનાં ને અત્યંત પ્રિય દોસ્તો ફરીથી મળ્યાનો આનંદ થશે. અનેક જૂનાં ગીતોના ઉલ્લેખથી યુવાનીની હળવી અસ્વસ્થતા મનમાં જાગૃત થશે. તે ગીતો સાથે, તેના શબ્દો સાથે, સૂરો સાથે સંકળાયેલા, પોતાના વ્યક્તિગત જીવનના અનેક કડવામીઠા પ્રસંગો તેમને યાદ આવશે અને તેને લીધે એક નિરાળી જ ઉદાસ મીઠાશ આ પુસ્તક તેમને આપશે. આ પુસ્તકમાં ચિત્રપટ-વ્યવસાયનાં જે કલાકારોનાં શબ્દચિત્રો કણેકરે આલેખ્યાં છે, તેની વિવિધતા જોઈને આશ્ચર્ય થાય છે. અહીં દિલીપકુમાર, દેવ આનંદ, રાજ કપૂર જેવા રસિકોના અમાપ પ્રેમનાં પાત્ર થયેલા નાયકો અને મીનાકુમારી, નરગિસ, મધુબાલા, વૈજયંતીમાલા જેવી રસિકોનાં હૃદયસિંહાસન પર દીર્ઘકાલ બિરાજનારી નાયિકાઓ તો છે જ, પણ તે સાથે જ ખલનાયક, વિનોદી નટ-નટીઓ, અભિનય કરતાં નૃત્યને લીધે જ પ્રસિદ્ધિ પામેલી નર્તકી વગેરે બીજાં પણ કેટલાંયે કલાકારોને કણેકરે અહીં યાદ રાખ્યાં છે. આ બધાં શબ્દચિત્રો આલેખતાં કણેકરે બીજી એક બાબત ખાસ ધ્યાનમાં લીધી છે, તે આ કલાકારોનું માણસપણું. તે તેમણે સતત આપણને જણાવ્યા કર્યું છે. રૂપેરી પડદા પર પ્રસિદ્ધિના ઝગમગાટમાં ચમકતા, પૈસાના ઢગલા પર આળોટનારા, લાવણ્યવતી નાયિકાના પ્રેમના પાત્ર ઠરનાર આ તેજસ્વી તારાઓ પણ છેવટે ‘માણસ’ જ હોય છે. જે તારાઓ માટે સાચું તે તારિકાઓ માટે પણ સાચું. આ બધાં જ આખરે માણસો છે. માણસની નબળાઈ, તેની નિયતિ, તેના સારાખરાબ ગુણદોષ, આશા-નિરાશા આ બધું જ તેમને ભાગે પણ આવ્યું હોય છે. સર્વસામાન્ય માણસ તો પોતાનું સામાન્યપણું મનમાં સમજતો હોય છે; પણ પડદા પરનાં આ કલાકારોની જનમાનસમાં જે એક ઝગમગતી પ્રતિમા ઊભી થઈ હોય છે, તેને લીધે ક્યારેક તેઓ પોતે પણ મોહિત થયાં હોય છે. પડદા પરના આ સપનાંના સોદાગર પોતેય તે સતત સુંદર પણ ભ્રામક સપનાંમાં જ વિહરતા હોય છે. વાસ્તવમાં એ સપનાં તૂટે ને તેનો ભૂકો હાથમાં આવે ત્યારે તેઓ એકદમ ભાંગી પડે છે ગુરુદત્ત જેવા એકાદ સંવેદનશીલ દિગ્દર્શક અહીં આવે છે, ‘પ્યાસા’, ‘કાગઝ કે ફૂલ’ જેવાં જોવાલાયક ચિત્રો નિર્માણ કરીને ચિત્રપટસૃષ્ટિમાં ઇતિહાસ ઘડે છે, પણ છેવટે વ્યક્તિગત જીવનમાં નિષ્ફળતાને કારણે તે આત્મહત્યા કરી લે છે. ચંદુલાલ શાહ જેવા અલ્પશિક્ષિત પણ બુદ્ધિમાન લોકો અહીં આવે છે, પોતાનો સ્ટુડિયો ઊભો કરે છે, નિર્માતા બને છે, કરોડો રૂપિયા કમાય છે, અને છેવટે નિષ્કિંચન અવસ્થામાં દુનિયા છોડી જાય છે. શેખ મુખ્તાર જેવો રૂપહીન, અણઘડ ચહેરાવાળો સામાન્ય નટ બહુ સાહસ કરીને ‘નૂરજહાન’ જેવું ચિત્રપટ ઉતારે છે, તે માટે કરેલું કર્જ ફેડાતું નથી તેથી પાકિસ્તાન ભાગી જાય છે. ત્યાં વિતરકોનાં બારણે આંટા મારતાં મારતાં એક દિવસ હતાશ અવસ્થામાં દુનિયાની વિદાય લે છે, અને તેના મૃત્યુ પછી ‘નૂરજહાન’ ચિત્રપટને અઢળક પૈસા મળે છે! જેની એક સમયે હિન્દુસ્તાનના રૂડોલ્ફ વૅલંટિનો તરીકે ખ્યાતિ હતી, ગવર્નરની જોડીની પોતાની ગાડી હોવાનું ભાગ્ય જેને એકલાને તે સમયે પ્રાપ્ત થયું હતું તે માસ્ટર નિસાર છેવટે કામાઠીપુરની એક ગલીચ ચાલની ઓરડીમાં મરે છે. મરતી વખતે તેની પાસે બે વાસણ, બે કપડાં અને પોતાની કારકિર્દીની ભૂમિકાના ફોટાઓનું પીળું પડી ગયેલું જૂનું આલબમ, એટલી જ માલમતા શિલ્લક હતી! વજનદાર અવાજથી થિયેટર ગજવનાર નટ જયંત છેવટે ગળાના કૅન્સરથી મરે છે! જેના નાચ વગર ચિત્રપટ પૂરું થયું છે એમ લાગતું નહીં તે કક્કુ નિર્ધન, ઉપેક્ષિત અવસ્થામાં દુનિયા છોડે છે. આવાં કલાકારોનાં શબ્દચિત્ર કણેકરે ખૂબ જ સહૃદયતાથી આલેખ્યાં છે. કણેકર ગોષ્ઠિપ્રેમી છે. તેથી વાતવાતમાં અનેક રસપ્રદ કિસ્સાઓ તે સંભળાવે છે, અનેક વિગતો આપતા રહે છે. તેમાંનાં કેટલાંક ઉદાહરણો અહીં આપું એમ થાય છે. ચિત્રપટસૃષ્ટિના શરૂઆતના સમયમાં નીકળેલા ‘શીરીં-ફરહાદ’ ચિત્રપટમાં બેતાળીસ ગીતો હતાં, તો ‘ઇંદ્રસભા’ ચિત્રપટમાં એકોતેર ગીતો હતાં! આ સંખ્યા આજે કેટલી આશ્ચર્યજનક લાગે છે! જીવન નામના નટે ચાળીસથીયે વધુ ચિત્રપટોમાં નારદની ભૂમિકા સાકાર કરી છે! આના કરતાંયે ગમ્મતભર્યો એક કિસ્સો જુઓ-‘હલચલ’ ચિત્રપટમાં જેલરની ભૂમિકા કરનાર બલરાજ સહાની તે વખતે રાજકીય કેદી હતા અને પોલીસના પહેરા નીચે તે શૂટિંગ માટે આવતા હતા! આવી અનેક વિગતોને લીધે કણેકરનું આ લેખન માહિતીપૂર્ણ તેમ જ મનોરંજક થયું છે. (અનુ. જયા મહેતા)
[‘રૂપેરી સ્મૃતિ’ પુસ્તક]