સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લતિકા સુમન/એક નરરાક્ષસનો વધ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બે વર્ષ પહેલાંની આ વાત છે. નાગપુરની કસ્તૂરબાનગર ઝૂંપડપટ્ટી પર રાતના ઓળા ઊતરી ચૂક્યા છે. એક દલિત પરિવાર સૂવાની કોશિશ કરી રહ્યો છે. ઘરનો મોભી કઠિયારો છે. બાપડો પાંચ સંતાનો અને પત્નીનું પેટ માંડ માંડ ભરી શકે છે. સૌથી મોટી દીકરી ઇલાએ (નામ બદલ્યું છે) કાચી ઉંમરે પારકાં કામ કરવાનું શરૂ કરી દીધું છે. આસપાસનાં મકાનોમાં કચરાં-પોતાં કરીને થોડુંઘણું કમાય છે એનાથી બાપને આર્થિક ટેકો મળે છે. ઇલાને હજુ હમણાં જ ચૌદમું બેઠું છે. દીકરી જુવાન થઈ રહી છે ને માબાપના દિલમાં સતત ભય ઘૂંટાઈ રહ્યો છે. ક્યાંક અમારી ફૂલ જેવી દીકરી પેલા કાળમુખાની નજરે ચડી જશે તો... —અને તે રાત્રે જ ઘરનો દરવાજો જોરજોરથી ખખડ્યો. સફાળાં બેઠાં થઈ ગયેલાં પતિ-પત્નીના ચહેરા ભયથી સફેદ પૂણી જેવા થઈ ગયા. શું કરવું? દરવાજો ખોલીશું નહીં તો એને તોડી નાખતાં કેટલી વાર લાગવાની છે પેલા રાક્ષસને? ઇલાની મા ધ્રૂજતા પગલે આગળ વધી અને કમાડ ખોલ્યું. સામે એ જ ઊભો હતો... અક્કુ યાદવ! નરાધમ એકલો ક્યાં હતો? સાથે ચાર-પાંચ સાગરીતો પણ હતા. એમના હાથમાંના છરાની ધાર અંધારામાં ચળકતી હતી. બાપના મોઢે જાણે કે ડૂચો દેવાઈ ગયો. એણે રાડારાડ કરી હોત તોય બચાવવા કોણ આવવાનું હતું? અક્કુના એક સાથીદારે ઇલાનો કાંઠલો પકડ્યો અને પછી એને લઈને સૌ અંધારામાં અલોપ થઈ ગયા. મા રોતી-કકળતી ઘરની બહાર દોડી આવી. કોને ફરિયાદ કરવી? કોની મદદ લેવી? આતંકની આ પળે એના મનમાં એક જ નામ સ્ફુર્યું—એડવોકેટ વિલાસ ભાંડે. આખા વિસ્તારમાં ભણેલોગણેલો કહેવાય એવો આ એક જ માણસ હતો. ઇલાની માએ ઘાંઘી થઈને ડોરબેલ દબાવી. રાતનો એક વાગી ચૂક્યો હતો. વિલાસ ભાંડે બહાર આવ્યા. હીબકાં ભરતી માએ આખી વાત કહી. “તું આ બધું મને શા માટે કહે છે?” વિલાસ ભાંડે ઊકળી ઊઠ્યા, “તું પોલીસ પાસે કેમ ન ગઈ?” નાસીપાસ થઈ ગયેલી માએ પોલીસસ્ટેશન તરફ ડગલાં માંડ્યાં કે પાછળપાછળ વિલાસ ભાંડે પણ દોરવાયા. તરત જ એમની પત્ની સંધ્યા વચ્ચે પડી: આ તમે શું માંડ્યું છે? વિલાસ ભાંડેને પણ તરત ભાન થયું કે, જો હું આ બાઈને સાથ આપીશ તો અક્કુ મને જીવતો નહીં છોડે. મારી ગેરહાજરીમાં એ નરાધમ મારા પરિવારના કેવા હાલહવાલ કરશે? એડવોકેટ સાહેબના પગ પાછા ઘર તરફ વળી ગયા. એણે ત્યારે ક્યાં કલ્પના કરી હતી કે બે વર્ષ પછી આ જ સ્થિતિ પોતાના પરિવાર માટે ઊભી થવાની છે...! હવે તો ઘણું મોડું થઈ ચૂક્યું હતું. ઇલાની આબરૂ લૂંટાઈ ચૂકી હતી. એક વાર નહીં પણ વારંવાર, અક્કુના બધા સાગરીતો દ્વારા વારાફરતી... આ બાજુ પોલીસસ્ટેશન પહોંચેલી ઇલાની મા પર પોલીસ સામા તાડૂક્યા: દીકરી સચવાતી ન હોય તો પેદા શું કામ કરી? અક્કુ યાદવ તારા ઘરે જ કેમ આવ્યો? બીજા કોઈના ઘરે કેમ ન ગયો? મા બહુ રડી, કરગરી એટલે કમને પોલીસ એની સાથે કસ્તૂરબાનગર ગઈ. ઘડિયાળમાં ત્રણના ટકોરા વાગી ચૂક્યા હતા. પોલીસે અક્કુ યાદવના સંભવિત અડ્ડાઓ પર તપાસ કરી. અક્કુ કે એના સાથીઓ ક્યાંય નહોતા. થોડીવાર પછી પોલીસના માણસો ચાલ્યા ગયા. બીજા દિવસે ઇલા પીંખાયેલી હાલતમાં ઘરે પાછી આવી. પોલીસ હજુય અક્કુનું પગેરું શોધી શકી નહોતી. એ જ દિવસે બિસ્તરા બાંધીને ઇલાનો પરિવાર ઘર છોડીને બીજે કશેક જતો રહ્યો. હંમેશ માટે. ઇલાનો પરિવાર કસ્તૂરબાનગર છોડીને જતો રહ્યો એ ઘટના કંઈ નવી નવાઈની નહોતી. આવું કેટલીય વાર બન્યું છે. ઘરમાં જુવાન દીકરીનું હોવું જાણે કે શ્રાપ બની ગયું હતું. કેટલાય લોકો દીકરીને કાચી ઉંમરે સાસરે વળાવી દેતા.

*

નાગપુરની અદાલતમાં જે બન્યું એ વાત હવે જગજાહેર બની ચૂકી છે. કસ્તૂરબાનગરની મહિલાઓએ બળાત્કારી, અત્યાચારી અને નરાધમ અક્કુ યાદવને મારી મારીને પતાવી દીધો! કોર્ટમાં જ, સેંકડો માણસોની હાજરીમાં! નાગપુરથી ચાર કિલોમીટરના અંતરે વસેલા કસ્તૂરબાનગર વિશે અગાઉ કોઈને જાણ સુધ્ધાં નહોતી, પણ પાંત્રીસેક વર્ષના અક્કુ યાદવના મોત બાદ તે હવે ખાસ્સું જાણીતું બન્યું છે. કસ્તૂરબાનગરમાં દાખલ થતાં જ એક સીધો રસ્તો નજરે પડે છે. ત્યાં યાદવો અને બ્રાહ્મણોનાં ઘર આવેલાં છે સામસામે. બીજી કોમના લોકોનાં પણ થોડાં ઘર છે. આ રસ્તા પર બે ઘર પછી એક વળાંક આવે છે, જેમાં ખૂણા પરનું પહેલું જ ઘર અક્કુ યાદવનું. ગલીમાં ડાબી બાજુ પર એક બુદ્ધ મંદિર છે જેની બહાર બાબાસાહેબ આંબેડકરની મોટી પ્રતિમા મૂકવામાં આવી છે. તેની સામેની તરફ એક ગલી આવે છે અને ત્યાંથી વસતિ શરૂ થાય છે. અહીંની મહિલાઓ મુખ્યત્વે રિક્ષા ચલાવે છે, પાનનો ગલ્લો કરે છે કે પછી આસપાસના વિસ્તારોમાં ઘેર ઘેર કપડાં ધોવાનું કે વાસણ માંજવાનું કામ કરે છે. આ વિસ્તારમાં પ્રવેશતાં જ, દરેક ખૂણે પોલીસના તંબુ નજરે પડે છે. ચારેક વર્ષ પહેલાં નાગપુર ઇમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટની નજીક બિલ્ડંગોિનું બાંધકામ ચાલી રહ્યું હતું. અહીં છત્તીસગઢથી ઘણા કડિયાઓ મજૂરી માટે સપરિવાર આવ્યા હતા. અક્કુ યાદવ આ મજૂરોની દીકરીઓ પર બળાત્કાર કરતો રહેતો. કસ્તૂરબાનગરની બાજુમાં જ એક નાળું છે. સાંજ પછી અહીં વાતાવરણ સૂમસામ થઈ જાય છે. સ્ત્રીઓની આબરૂ લૂંટવા માટે અક્કુની આ માનીતી જગ્યા હતી. કસ્તૂરબાનગરના કેટલાય રહેવાસીઓએ સગી આંખે અક્કુને કુકર્મ કરતાં જોયો હતો, પણ કંઈ પણ કહેવાની કે કરવાની તેમનામાં હિંમત નહોતી. બહારથી આવેલા મજૂરો કાં તો ચૂપચાપ સહન કરી લે અથવા તો કામ છોડીને જતા રહે. અક્કુના ડરથી શાકબકાલાવાળા, દૂધવાળા વગેરે કસ્તૂરબાનગરમાં પગ મૂકતાં ડરતા. ઝૂંપડપટ્ટી જેવા આ વિસ્તારમાં કોઈની સ્થિતિ સહેજ પણ સારી દેખાય, એટલે અક્કુ એને ત્યાં પૈસા માગવા પહોંચી જાય. સ્થિતિ સારી હોવી એટલે? ઝૂંપડાં જેવા ઘરમાં પંખો આવવો તે! ઘરમાલિક સદ્ધર થઈ ગયો છે અને તેની પાસેથી ફદિયાં ખંખેરી શકાય એવું માની લેવા અક્કુ યાદવ માટે આટલું પૂરતું હતું! મેનાબાઈ ધાંગળે (૫૦ વર્ષ)ના ભોગ લાગ્યા હશે કે એમના ઘરમાં આવી ચીજો હતી. અક્કુ એને ધમકાવતો અને ખંડણી માગવા પહોંચી જતો. મેનાબાઈએ એક વાર ડરના માર્યા ૫,૦૦૦ રૂપિયા ગણી આપેલા, પણ બીજી વખત પૈસા નહોતા ત્યારે અક્કુએ ઘરમાં તોડફોડ કરી મૂકી હતી. કરુણા બનસોડ નામની મહિલા પાસે પૈસા નહોતા, તો અક્કુ એની ત્રણ બકરીઓ ઉઠાવી ગયો. ગીતા સેવતકર નામની સ્ત્રીના ઘરે તે એક વાર પહોંચ્યો ત્યારે ત્યાં નાતાલની પ્રાર્થના ચાલી રહી હતી. ગીતાએ પૈસા ન આપ્યા એટલે અક્કુએ પાદરી સહિત બધા મહેમાનોને ધીબીડી નાખ્યા હતા. ઘરે લગ્નપ્રસંગ હોય કે બીજો કોઈ તહેવાર હોય, સૌથી પહેલાં અક્કુનું ખિસ્સું ગરમ કરવું પડે. આનંદનો અવસર કસ્તૂરબાનગરના લોકો માટે દહેશતનું કારણ બની જતો. શાંતાબાઈ શંકર મેશ્રામ ચાની લારી ચલાવે છે અને તેના બંને દીકરાઓ રિક્ષા હંકારે છે. એમનાં ઘરમાં નવું સ્કૂટર આવ્યું. પત્યું. માગણી પૂરી ન થઈ એટલે સ્કૂટરનું ધનોતપનોત કાઢી નાખવામાં આવ્યું. રમેશ જોબુળકર (૩૮ વર્ષ) પાસે પણ અક્કુએ પૈસા માગેલા. રમેશે ન આપ્યા એટલે અક્કુએ એના જ ઘરમાં, એની જુવાન દીકરી સામે એને નગ્ન કર્યો. પછી અક્કુ અને તેના સાથીઓએ સિગારેટો સળગાવી અને રમેશના આખા શરીર પર ડામ દીધા. અક્કુ ક્યારે કોના પર શી રીતે સિતમ વરસાવશે તે કોઈ કળી શકતું નહીં. બળાત્કારની એને મન કશી નવાઈ નહોતી. સ્ત્રી જુવાન હોય, પરણેલી હોય કે ગર્ભવતી હોય... અક્કુને કોઈના પર દયા ન આવતી. વસાહતના લોકોના શબ્દકોશમાંથી જાણે હિંમત શબ્દનો છેદ ઊડી ગયો હતો. નહીં તો, એક ગર્ભવતી મહિલા પર આખી વસાહતની વચ્ચે સામૂહિક બળાત્કાર થઈ રહ્યો હોય અને બધા ચૂપચાપ જોતા રહે તેવું શી રીતે બને? આનંદ બનસોડ નામના માણસને એના ઘરમાં પૂરી દેવામાં આવ્યો અને તેની પત્નીની પેલા નાળા પર સામૂહિક રીતે આબરૂ લૂંટવામાં આવી. આનંદ બારણાં પછાડીને આક્રંદ કરી રહ્યો હતો, પણ પાડોશીઓ જાણે કે બધિર બની ગયા હતા. બીજે દિવસે સવારે પત્ની ઘરે આવી અને બન્ને ઘર છોડીને જતાં રહ્યાં. અક્કુએ છ વર્ષ પહેલાં અવિનાશ તિવારી નામના આદમીની હત્યા કરી હતી. આશાબાઈ ભગત નામની મહિલાએ આ દુર્ઘટના નરી આંખે જોયેલી અને તે કોર્ટમાં સાક્ષી બનવા પણ તૈયાર થઈ ગઈ હતી. અક્કુએ આશાબાઈને પણ પતાવી નાખી. આ બનાવ પછી અક્કુ વિરુદ્ધ ફરિયાદ કરવાની કે કોર્ટમાં કેસ કરવાની કોઈની હિંમત ન થઈ. અક્કુનું હુલામણું નામ ‘મેડમ’ હતું. તે આ વિસ્તારના ટપોરી છોકરાઓને લૂંટફાટ, છરીબાજી અને છોકરીઓ પર બળજબરી કરવાની રીતસર ટ્રેનિંગ આપતો. અમુક છોકરાઓ અક્કુની ધાકને કારણે તેના ‘શિષ્ય’ બનતા. ધીમે ધીમે તેમને આ બધાં કુકર્મોમાંથી આનંદ મળવા લાગતો. અક્કુના ખાસ સાગરીતનું નામ હતું વિપિન બાલાઘાટી. શરૂઆતમાં બન્ને જણ રાત્રે ઝૂંપડપટ્ટીમાં ફરતા અને બારી-બારણામાંથી ચોરીછૂપીથી ડોકિયાં કરીને પતિ-પત્ની વચ્ચે થતી સંવનનક્રિયા નિહાળતા. બીજે દિવસે બધા સાંભળે તે રીતે અશ્લીલ ભાષામાં તેમને ચીડવતા. પેલા નાળા પર (જે ‘પીલી નદી’ તરીકે પણ ઓળખાય છે) એકાંત છવાયેલું હોય એટલે પ્રેમીપંખીડાં કે નવા નવા પરણેલા લોકો ત્યાં ફરવા જતા. અક્કુ દોસ્તારો સાથે ત્યાં પહોંચી જતો અને સ્ત્રીઓને છેડતો, તક મળે તો પ્રેમી કે પતિની આંખ સામે તેમના પર બળાત્કાર પણ કરતો. સ્ત્રીઓનું ચારિત્ર્યહનન કરવાના અને લૂંટફાટ કરવાના કુસંસ્કાર અક્કુમાં એના પિતા કાલીચરણ યાદવમાંથી ઊતરી આવ્યા હોવા જોઈએ. કાલીચરણે ૪૦ વર્ષ પહેલાં મોતીબાગ નામના વિસ્તારમાં અસહાય વિધવા પર બળાત્કાર કર્યો હતો. મોતીબાગના રહેવાસીઓ ઊકળી ઊઠ્યા અને તેમણે કાલીચરણને આ વિસ્તારમાંથી ભગાડી મૂક્યો. કાલીચરણે પછી કસ્તૂરબાનગરમાં અડિંગો જમાવ્યો. એને પાંચ દીકરા ને પાંચ દીકરી હતાં. અક્કુ સૌથી નાનો. અક્કુનો એક ભાઈ ચુટઈ યાદવ પણ ચાકુની અણીએ લોકોને લૂંટવાનું કામ કરતો. અક્કુના બીજા એક ભાઈ અમર યાદવને નાગપુરમાંથી તડીપાર કરવામાં આવ્યો હતો. તેના નામે પણ લૂંટફાટ અને બળાત્કારના ગુના બોલે છે. અક્કુના નામે ૨૫ ગુના નોંધાઈ ચૂક્યા છે. તેને પણ નાગપુરમાંથી તડીપાર કરવામાં આવ્યો હતો, પણ એ કસ્તૂરબાનગરમાં ટેસથી જિંદગી વિતાવતો હતો. એની વિરુદ્ધ બોલવાવાળું કોઈ હતું નહીં એટલે તેને મોકળું મેદાન મળી ગયું હતું. અક્કુ કસ્તૂરબાનગરમાં કાળો કેર વર્તાવી રહ્યો છે એની જાણ પોલીસને સ્વાભાવિક રીતે હતી જ, પણ એણે અક્કુ સામે કોઈ પગલાં ન લીધાં. અક્કુ છેલ્લાં આઠ વર્ષથી ત્રાસ વર્તાવી રહ્યો હતો, પણ પાછલા એક વર્ષ દરમિયાન તો એણે લોકોનું જીવવું હરામ કરી નાખ્યું હતું. અહીંની દલિત વસતિમાં માત્ર એક જ પરિવાર એવો હતો જે અક્કુથી ડરતો નહોતો. અથવા તો, જેણે ચહેરા પર ડરને વ્યક્ત થવા દીધો નહોતો. એ એડવોકેટ વિલાસ ભાંડેનો પરિવાર હતો. અક્કુની શેતાનિયતથી ભાંડે સંપૂર્ણપણે વાકેફ હતા. એક વર્ષ પહેલાં અક્કુને તડીપાર કરવામાં આવ્યો હતો. અક્કુ ઇચ્છતો હતો કે એનો કેસ વિલાસ ભાંડે લડે. પણ ભાંડેએ ચોખ્ખી ના પાડી દીધી. અક્કુ ક્રોધિત થઈ ઊઠ્યો હતો. વિલાસ ભાંડેનું સાસરું પણ પડોશમાં જ છે. વિલાસ ભાંડેની સાળી ઉષા નારાયણે પર અક્કુની નજર આમ તો શરૂઆતથી હતી. ગ્રેજ્યુએટ ઉષાએ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે. તેનું કુટુંબ શિક્ષિત હોવાથી અહીંના ગરીબ લોકો તેમને ખૂબ માન આપે છે. ભાંડેએ કેસ લડવાનો નનૈયો ભણ્યો તે પછી અક્કુ ઉષાને જોતાં જ તેના આખા પરિવારને ઉદ્દેશીને ગંદી ગાળોનો વરસાદ વરસાવતો. કોઈ પણ પરિસ્થિતિએ એક હદ પછી પલટાવું જ પડે છે. અક્કુ યાદવે ફેલાવી રાખેલા આતંક અને ડરના વાતાવરણ પર ક્યારેક તો પૂર્ણવિરામ મુકાવાનું જ હતું. આ પ્રક્રિયાની શરૂઆત થઈ ૨૯ જુલાઈએ બનેલી એક ઘટનાથી. રાજેશ મધુકર (૨૦ વર્ષ) નામનો વિલાસ ભાંડેનો એક સાળો માનસિક રીતે મંદ છે. તે દિવસે અક્કુ અને તેના ત્રણ સાથીદારોએ રાજેશને રસ્તા વચ્ચે ઘેરી વળીને ધમકાવ્યો: તારા જીજાજી મોટા વકીલ બનીને ભલે ફરતા હોય, પણ જા એને જઈને કહે કે તમારો કાળો કોટ બહુ જલદી લાલ રંગનો થઈ જવાનો છે. ભાંડે પરિવારને થઈ રહેલી સતામણીનો સિલસિલો બીજે દિવસે પણ ચાલુ રહ્યો. તે રાત્રે અગિયાર વાગ્યે અક્કુના પંદરવીસ સાથીઓ ઉષાના ઘરને ઘેરી વળ્યા. ગંદી ગાળોના વરસાદ વચ્ચે એક ટપોરી ચિલ્લાઈ રહ્યો હતો: “ઉષા, હવે તારો વારો છે... અત્યાર સુધી તું બચી ગઈ છે, પણ આજે અમે તને...” ઉષાએ બનેવીને ફોન કર્યો ત્યારે અક્કુ અને બીજા ત્રણ-ચાર ટપોરીઓ વિલાસ ભાંડેના ઘરના કમ્પાઉન્ડમાં જ ઘેરો ઘાલીને ઊભા હતા. બારણું અંદરથી બંધ હતું. ભાંડેએ દબાતા અવાજે મોબાઇલ પર પોલીસસ્ટેશનમાં ફરિયાદ કરી. પોતાના કેટલાક દોસ્તોને પણ મોબાઇલ પર આખી ઘટનાની જાણકારી આપી. પંદર મિનિટમાં પોલીસ આવી, પણ ત્યાં સુધીમાં અક્કુ અને તેના સાથીદારો પલાયન થઈ ચૂક્યા હતા. વિલાસ ભાંડે અને તેના પરિવારે પોલીસસ્ટેશને જઈને એફ.આઈ.આર. નોંધાવી. ભાંડેએ બીજે દિવસે નાગપુરમાં કાર્યવાહી શરૂ કરી દીધી. કસ્તૂરબાનગરના લોકોમાં હિંમત ઊઘડવાની શરૂઆત થઈ રહી હતી. ભાંડેએ અલગ અલગ પરિવારોમાંથી ૨૦ માણસોની સહી એકઠી કરી અને અક્કુ યાદવે ૨૬થી ૩૦ જુલાઈ દરમિયાન ફેલાવેલા ત્રાસનું વર્ણન કરતો ફરિયાદપત્ર ડી.સી.પી. યાદવ તેમ જ પોલીસકમિશનર ડી. શિવાનંદનને સુપરત કર્યો. ભાંડેએ પોલીસ રક્ષણની માગણી કરી, પણ તેનો અસ્વીકાર કરવામાં આવ્યો. બીજા એક ફરિયાદપત્ર પર ૯૬ લોકોએ સહીઓ કરી અક્કુ યાદવની ધરપકડની માગણી કરી. અત્યાર સુધી મિયાંની મીંદડી બનેલા લોકોના આ તેવર જોઈને અક્કુને કંઈક અંદેશો આવી ગયો હશે, તે પોતાના પરિવાર સાથે પાંચમી ઓગસ્ટે ઘર છોડીને નાસી ગયો. દલિત વસતીમાં ઊકળી રહેલો આક્રોશ હવે પ્રગટપણે વ્યક્ત થવા લાગ્યો હતો. વર્ષો સુધી દબાઈ રહેલી સ્પ્રિન્ગ ઊછળી ચૂકી હતી. ક્રોધે ભરાયેલા લોકોએ ૬ ઓગસ્ટે સવારે અક્કુના ઘરને સાવ તોડીફોડી નાખ્યું. ૭ ઓગસ્ટે પોલીસે અક્કુની ધરપકડ કરી. ૮ ઓગસ્ટે ઝરીપટકા પોલીસસ્ટેશનની બહાર ૧૫૦થી ૨૦૦ માણસોની ભીડ એકઠી થઈ હતી. સૌને વ્યકિતગત રીતે અક્કુ યાદવ વિરુદ્ધ ફરિયાદ લખાવવી હતી. એક પોલીસ ઇન્સ્પેક્ટરે બહાર આવીને કહ્યું: “તમે લોકો અહીં એકઠા થવાને બદલે કોર્ટમાં કેમ જતા નથી? આજે અક્કુને કોર્ટમાં પેશ કરવાનો છે...” ક્રોધિત થયેલંુ ટોળું ત્રણેક કિલોમીટરના અંતરે આવેલી અદાલતે પહોંચી ગયું. પોલીસ અક્કુને લઈને કોર્ટના કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા ત્યારે કસ્તૂરબાનગરની મેદની જોઈને અક્કુ ડઘાઈ ગયો. ત્યાં જ એની નજર પોતાના સાથીદાર વિપિન બાલઘાટી પર પડી. વિપિન કપડાં અને ટિફિન લઈને ઊભો હતો. વિપિનને જોઈને અક્કુને સહેજ હાશકારો થયો હોવો જોઈએ. એણે પોલીસને કહ્યું: યે મેરા આદમી હૈ. વિલાસ ભાંડેએ વિપિનનો હાથ ઝાલીને પોલીસને કહ્યું: આનેય પકડી લો, આ અક્કુના અપરાધોનો હિસ્સેદાર છે. આ સાંભળીને વિપિન ત્યાં ભાંડે સાથે ઝપાઝપી કરવા લાગ્યો. આ દૃશ્ય જોઈને કસ્તૂરબાનગરની મહિલાઓ ભડકી ઊઠી. એમાંની એક મહિલાએ વિપિનને તમાચો મારી દીધો. તેમણે જોરજોરથી રાડો પાડવાનું શરૂ કર્યું: અક્કુને અમારા હવાલે કરી દો! પોલીસ અક્કુને લઈને જતી રહી. ૧૩ ઓગસ્ટ સુધી અક્કુ પોલીસના રિમાન્ડ પર હતો. કસ્તૂરબાનગરના રહેવાસીઓમાં હવે નવી દહેશત ફેલાઈ: ૧૩મીએ ન્યાયાધીશ અક્કુને જામીન પર છોડી મૂકશે તો? ગિન્નાયેલો અક્કુ કસ્તૂરબાનગરમાં પાછો ફરશે તો લોકોના કેવા હાલહવાલ કરી મૂકશે? ક્રોધ, ભય અને અનિશ્ચિતતાની મિશ્ર લાગણી અનુભવી રહેલા કસ્તૂરબાનગરવાસીઓ ૧૩ ઓગસ્ટના રોજ અદાલતમાં પહોંચી ગયા. લગભગ ૫૦૦ના ટોળામાં મહિલાઓની બહુમતી હતી. પુરુષો અને બાળકો પણ હતાં. લગભગ અઢી વાગ્યે પોલીસના ત્રણ માણસો અક્કુ સહિત ચાર આરોપીઓ સાથે કોર્ટના પ્રાંગણમાં પ્રવેશ્યા. અક્કુએ જોયું કે આ વખતે મેદની ગયા વખત કરતાંય વધારે મોટી અને વધારે ઊકળેલી છે. કોર્ટના મકાન તરફ ડગલાં ભરતાં ભરતાં એણે મીના ગળવી નામની સ્ત્રીને કહ્યું: “સા... (ગાળ), તું એક વાર તો બચી ગઈ, પણ હવે તારી ખેર નથી. આ વખતે મારી ભેગા બીજા દસ જણ હશે... તું જ શું કામ, મહોલ્લાની એકેય ઔરતને હું મોઢું બતાડવા લાયક નહીં છોડું...” મીનાનો ગુસ્સો ફાટી નીકળ્યો. એણે ચપ્પલ કાઢીને અક્કુ તરફ ફેંક્યું. જાણે ચિનગારી ચંપાવાની જ રાહ જોવાતી હોય તેમ ગુસ્સાની આગ ભભૂકી ઊઠી. અદાલતના કમ્પાઉન્ડમાં હુલ્લડ મચી ગયું. પોલીસના માણસે દરવાજો બંધ કરી દીધો. મોટા ભાગનું ટોળું બહાર રહી ગયું, પણ પાંચેક મહિલાઓ પોલીસની પાછળ પાછળ અદાલતના મકાનમાં ઘૂસી ગઈ. કોર્ટમાં વિરામ ચાલી રહ્યો હતો. ખાલી કોર્ટરૂમમાં અક્કુ, પોલીસના બે માણસો અને બીજા કેટલાક છૂટાછવાયા માણસો હતા. કોર્ટની બહાર રહેલું ટોળું બીજા ગેટ પાસે આવ્યું. દરવાજો તોડીને ટોળાનો મોટો હિસ્સો કોર્ટના મકાનમાં ઘૂસી ગયો. પાગલ બની ગયેલા ટોળાએ અક્કુને ધીબવાનું શરૂ કરી દીધું. વર્ષોથી ધરબાયેલો આક્રોશ અત્યંત તીવ્રતાથી બહાર આવી રહ્યો હતો. પોલીસના હાથમાંથી છીનવી લીધેલા દંડા, પથ્થર, ટાઇપરાઇટર, કોર્ટરૂમમાં પડેલી બીજી ચીજ-વસ્તુઓ... અક્કુ પર બેરહમીથી પ્રહારો થઈ રહ્યા હતા. રણચંડી બનેલી શોષિત મહિલાઓએ અક્કુ યાદવ નામના નરરાક્ષસનો વધ કરી નાખ્યો... ૨૦ જ મિનિટમાં ખેલ ખતમ થઈ ગયો. પોલીસના માણસો રફુચક્કર થઈ ચૂક્યા હતા. અક્કુનો નિશ્ચેષ્ટ દેહ ત્યાં જ રહેવા દઈને ટોળું બહાર નીકળી ગયું. કેટલાયનાં કપડાં પર લોહીના ડાઘ સ્પષ્ટ દેખાતા હતા. કોર્ટની અંદર અને બહાર જમા થયેલા હજારેક માણસો સ્તબ્ધ બનીને બધું જોઈ રહ્યા હતા. થોડી વાર પછી કોઈ અજાણ્યા માણસે પોલીસને ફોન કર્યો કે લોહીથી રંગાયેલાં કપડાંવાળી મહિલાઓ એક રિક્ષામાં બેસીને ગઈ છે. રિક્ષાનો નંબર પણ આપવામાં આવ્યો. રિક્ષાવાળાની ધરપકડ કરવામાં આવી. પોલીસ કસ્તૂરબાનગર ગઈ અને રિક્ષાવાળાની મદદથી પાંચ મહિલાઓની ધરપકડ કરી. આ પાંચ સ્ત્રીઓ એટલે સવિતા જીતુ બંજારી, પિંકી અજય શંભરકર, અંજનાબાઈ કિસટન બોરકર, લીલા રઘુનાથ સાંગોલે અને ભગીરથા હરિશ્ચંદ્ર અકીકને. એમની અટકાયત બાદ વસાહતની તમામ મહિલાઓ પોલીસસ્ટેશન પહોંચી ગઈ અને કહ્યું: અક્કુ યાદવને અમે બધાંએ માર્યો છે... અમને સૌને અરેસ્ટ કરો...! ૧૮ ઓગસ્ટ, બુધવારના રોજ અક્કુ યાદવની હત્યાના આરોપસર પાંચ મહિલાઓને નાગપુર કોર્ટમાં લઈ જવામાં આવી ત્યારે અદ્ભુત દૃશ્ય સર્જાયું હતું. કસ્તૂરબાનગરમાં સ્ત્રી-પુરુષો, બાળકો, વૃદ્ધો સૌના મોઢે એક જ વાત હતી: આ સ્ત્રીઓ નિર્દોષ છે. આખું નાગપુર ‘આરોપી’ મહિલાઓની તરફેણ કરી રહ્યું હતું. કોર્ટમાં કાર્યવાહી થઈ તેના એક દિવસ પહેલાં ૧૧૮ વકીલોએ મહિલાઓ વતી કોર્ટમાં નિ:શુલ્ક કેસ લડવાની સામેથી તૈયારી બતાવી હતી! આખરે એવો નિર્ણય લેવામાં આવ્યો કે આ મહિલાઓનો કેસ મહિલા વકીલો જ લડે. નિવેદિતા મહેતા, સુચિતા ડોંગરે અને અર્ચના રામટેકે સહિત મહિલા વકીલોએ સંગઠિત થઈ અને કેસ હાથમાં લીધો. ડિસ્ટ્રિક્ટ જજ કાસવા સમક્ષ આ મહિલાઓ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચના ઇન્વેસ્ટિગેશન ઓફિસર એક પણ પુરાવો પેશ કરી ન શક્યા. આખરે પાંચેય મહિલાને ૫,૦૦૦ રૂપિયાના પર્સનલ બોન્ડ પર મુક્ત કરવામાં આવી. ઝૂંપડપટ્ટીમાં વસતી ગરીબ મહિલાઓ આટલી રકમ ક્યાંથી લાવી શકે? કોર્ટની બહાર મહિલાઓને પર્સનલ બોન્ડ અપાવવા માટે નાગરિકોની લાઇન લાગી ગઈ. આ સ્ત્રીઓ કસ્તૂરબાનગરમાં પાછી ફરી ત્યારે અહીં ઉત્સવનું વાતાવરણ સર્જાયું. પાંચેય સ્ત્રીઓનું સન્માન કરવામાં આવ્યું. બસ, તે દિવસથી સન્માનનો જે સિલસિલો શરૂ થયો તે દિવસો સુધી ચાલતો રહ્યો. આટલાં વર્ષો સુધી અક્કુ યાદવના અત્યાચાર પર અંકુશ ન લગાડનાર નેતાઓ, ચૂંટણી નજીક આવી રહી છે એટલે આ મહિલાઓના સત્કાર સમારંભ યોજવાની વાત કરે છે! અભૂતપૂર્વ ઘટના બને પછી તેને અનેકરંગી પ્રતિક્રિયાઓ મળતી હોય છે. “તમે અક્કુ યાદવને મારી શકો તો અમને પણ...” એવી દલીલ હેઠળ મજૂરી કે પારકાં કામ કરતી કસ્તૂરબાનગરની ઘણી મહિલાઓને પાણીચું આપી દેવામાં આવ્યું છે. ધરપકડ થયેલી અન્ય મહિલાઓ કુસુમ બાગડે, કિરણ નરવણે અને પિંકી નાભકરને પણ તેની નોકરીમાંથી કાઢી મુકાઈ છે. [‘અભિયાન’ અઠવાડિક: ૨૦૦૪]