સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લિયો તોલ્સતોય/તમામ સિદ્ધિઓ પછી યે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લોકો એવા જમાનાની વાત કરે છે કે જ્યારે દરેક માણસ ખાધે-પીધે, પહેરવે— ઓઢવે સુખી હશે; જ્યારે બધા માણસ સુશિક્ષિત હશે અને છાપાં વાંચતાં હશે, વિવિધ શાસ્ત્રો ભણતાં હશે. જેનાં સ્વપ્નાં સેવાય છે એ બધી જ બાહ્ય સિદ્ધિઓ માણસને ભલે સાંપડે, પરંતુ એની સાથોસાથ માણસમાં આજે છે તેવો દંભ પણ ચાલુ રહેશે, અને પોતાને જે સત્ય લાગતું હોય તે વ્યક્ત કરવાને બદલે પોતે જેમાં ન માનતા હોય એવી વાતો એ પ્રચાર્યા કરશે, તો માણસની સ્થિતિ વધુ ને વધુ બદતર થતી જશે. વધુ ને વધુ ભૌતિક સામગ્રી જેમ જેમ પ્રાપ્ત થતી જશે, વધુ ને વધુ પુસ્તકો-છાપાં જેમ જેમ માણસને હસ્તગત થતાં જશે, તેમ તેમ જૂઠાણાં ને દંભ ફેલાવવાનાં અનુકૂળ સાધનો તેના હાથમાં આવશે, અને માણસ-માણસ વચ્ચેની ખાઈ વધુ પહોળી થતી જશે. ચોર-ડાકુઓ, ખૂનીઓ, ધુતારાઓ વગેરે જે કાંઈ ગુનાઓ કરે છે તે તો અનિષ્ટ જ છે, એમ તેઓ પોતે અને બીજા બધા માનતા હોય છે; અને તેથી એવાં કૃત્યો ન આચરવાં જોઈએ તેવી તીવ્ર લાગણી લોકોમાં જન્માવે છે. આમ એ અનિષ્ટ પરિમિત રહે છે. પરંતુ ધર્મ, વિજ્ઞાન અને બીજા અંચળાઓ હેઠળ જેઓ એવાં જ ચોરી-લૂંટ, ખૂન અને બીજાં ગુનાહિત કૃત્યો આચરે છે (આજના જમીનદારો, વેપારીઓ, શાસકો વગેરે આમ જ કરે છે), તેઓ બીજાને એમનું અનુસરણ કરવા પ્રેરે છે, અને એ રીતે લાખો-કરોડો લોકોને હાનિ પહોંચાડે છે.