સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લોકગીત/મોતીનાં વાવેતર

From Ekatra Wiki
Jump to navigation Jump to search



જળ રે જમનાનાં ઝીલતાં, જી રે શામળિયા!
મને મોતીડું લાગ્યું હાથ, નંદજીના નાનડિયા!

ગાડે કરીને મોતી આણિયું, જી રે શામળિયા!
માતા! પાડો મોતીડાંના ભાગ, નંદજીના નાનડિયા!

એક મોતીમાં શું વેં’ચીએ? જી રે શામળિયા!
મોતી વાવ્યાં ઘણેરાં થાય, નંદજીના નાનડિયા!

જમનાને કાંઠે ક્યારો રોપિયો, જી રે શામળિયા!
માંહીં વાવ્યો મોતીડાંનો છોડ, નંદજીના નાનડિયા!

એક મોતીને બબે પાંદડાં, જી રે શામળિયા!
મોતી ફાલ્યાં છે લચકાલોળ, નંદજીના નાનડિયા!

એક ડાળ્ય ને બીજી ડાળખી, જી રે શામળિયા!
વચલી ડાળ્યે મોતીડાંની લૂંબ, નંદજીના નાનડિયા!

થાળ ભરીને મોતી વેડિયાં, જી રે શામળિયા!
માતા! પાડો મોતીડાંના ભાગ, નંદજીના નાનડિયા!

કોઈને ચપટી ચાંગળું, જી રે શામળિયા!
રાણી રાધાજીને નવસરો હાર, નંદજીના નાનડિયા!
[ઝવેરચંદ મેઘાણી સંપાદિત લોકગીત: ‘રઢિયાળી રાત’ પુસ્તક]