સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વજુભાઈ શાહ/એકતાની અનિવાર્ય શરત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દેશમાં પ્રાંતવાદ, ભાષાવાદ, કોમવાદ વગેરે સંકુચિત બળો માથું ઊંચું કરી રહ્યાં છે. ભાષા, કોમ કે પ્રાંતનાં સાંકડાં વર્તુળોમાં રહેવાને કારણે લોકો એમ સમજતા આવ્યા છે કે પોતાનું હિત પોતાના સાંકડા વર્તુળ સાથે છે. આનો ઉપાય રાષ્ટ્રભાવના છે. જો લોકોને સમજાઈ જાય કે સમસ્ત રાષ્ટ્રના લોકોનું હિત એક સાથે જ છે, તો આજે જે સંઘર્ષ થાય છે તે જરૂર ટાળી શકાય. પરંતુ કોમ, ધર્મ કે ભાષાના સંઘર્ષ બંધ થઈ જાય તેથી જ રાષ્ટ્રીય એકતા નિર્માણ થઈ જશે, એમ તો આપણે માની બેઠા નથી ને? કોમના, ભાષાના વગેરે હિતવિરોધો તો સ્વાર્થી લોકોએ ઊભા કરેલા છે. જ્યારે સામાજિક, આર્થિક કે શિક્ષણ ક્ષેત્રો જે હિતવિરોધ ભયંકર રીતે વધતા જાય છે તે વધુ ગંભીર છે. એક જ પ્રદેશની અંદર, એક જ કોમના લોકો વચ્ચે, એક સમાન ભાષા બોલનારા વચ્ચે ભારે હિતવિરોધ પડેલા છે. આજે શ્રીમંત-ગરીબનાં હિત એક નથી; ખેડૂત અને જમીનદારનાં હિત વચ્ચે વિરોધ છે; માલિક-મજૂરનાં હિત વચ્ચે વિરોધ છે; સવર્ણ તથા હરિજનનાં હિત અલગ છે; ભણેલાં તથા અભણનાં હિત જુદાં છે. આ બધાના હિતસંબંધો વચ્ચે અંતર પડ્યું છે, અથડામણ પડેલી છે, તે દૂર ન થાય ત્યાં સુધી રાષ્ટ્રીય એકતા કેવી રીતે આવે? માણસ જેવા માણસને જન્મને જ કારણે સામાન્ય વસતીથી દૂર ફરજિયાત રહેવું પડે એવી સ્થિતિ હોય, એક બાજુ નિરંકુશ વૈભવવિલાસની સામે કરોડો લોકોને પૂરું ખાવાનું ન મળતું હોય, તો એ સૌ દેશવાસીઓની વચ્ચે એકતાનો ભાવ કેવી રીતે આવશે? આથી, આજની તમામ પ્રકારની વિષમતાનો અંત, એ રાષ્ટ્રીય એકતા માટેની અનિવાર્ય શરત છે.