સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વજુભાઈ શાહ/ક્યાં છે ધગધગતાં દિલ?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હરિજનો જાહેર વાહનોમાં છૂટથી બેસતા થયા છે, હોટલોમાં સૌની સાથે ખાતાંપીતાં થયા છે, પ્રસિદ્ધ મંદિરોમાં જઈ શકે છે, એ સાચું. એનું ઘણું મહત્ત્વ છે. પરંતુ આ બધી પ્રવૃત્તિ ઘણેખરે અંશે શહેરોમાં અને સમાજનાં ઉપલાં પડોમાં ચાલે છે. વિશાળ ગ્રામસમાજનું અવલોકન કરશું તો જણાશે કે સમાજની અંદરનાં પડ હજુ ભેદાયાં નથી. સરકાર કાનૂનની શક્તિ અજમાવી રહી છે. પરંતુ કાનૂન કંઈ પેલાં પડને થોડાં જ વીંધી શકે? લોકસંસ્થાઓ હરિજનોને રાહત પહોંચાડે છે અને પ્રચારકાર્ય પણ કરે છે. પરંતુ એ જાતના રાહતકાર્યથી કે પ્રચારકાર્યથી પેલાં પડને શી રીતે ભેદી શકાય? એ પડને ભેદવા માટે તો ધગધગતાં દિલ જોઈએ, સામાજિક સંકલ્પ જોઈએ, પ્રાયશ્ચિત્તની તીવ્ર ને વ્યાપક ભાવના જોઈએ. એ બધું ક્યાં છે? રાષ્ટ્રના લગભગ છઠ્ઠા ભાગના લોકોને અછૂત રાખવાં એ ઘોર સામાજિક પાપ છે, એમ આપણને લાગે છે ખરું? આ સરાસર અન્યાય સામે આપણા કોના દિલમાંથી બળવો જાગે છે? હિંદુ ધર્મ પરનું આ કલંક ભૂંસી નાખવા માટે જેહાદ ચલાવવાનું કેટલાં વર્તમાનપત્રોને કર્તવ્ય લાગતું હશે? આવો અધર્મ ચાલ્યા કરે તો હિન્દુ ધર્મ રસાતાળ જશે, એવી વેદના ધર્મધુરંધરોમાંથી કેટલા અનુભવતા હશે? કાં તો અમે નહિ અને કાં તો આભડછેટ નહિ, એવી પ્રેરણા ક્રાંતિનો ઇતિહાસ વાંચનારા કેટલા નવજુવાનોને થતી હશે? આપણને સૌને સાથે મળીને આ મહાપાપ સામે આખર સુધી લડી લેવાનું કેમ સૂઝતું નથી?