સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વજુભાઈ શાહ/ભંગિયાની ફાટ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


“એ બા, અમારો પગાર આલશો કે? આજ તો ચાર તારીખ થઈ ગઈ!” “ઊભો રહે, હમણાં તને પગાર અપાવું છું! કામબામ કરવું નહીં, સાવ વેઠ કાઢવી, ને પહેલી તારીખ આવી કે પગાર લેવા તૈયાર ઊભો જ છે!” “કામ નહીં કરતા હોઈએ તો મેલું રોજ કોણ ઉપાડી જાતું હશે, બા! તમે માવતર છો. અમને ગરીબ માણસને આમ કાં કરો?” “હા, તમને ગરીબ માણસને બરાબર ઓળખું છું. ત્રાણત્રાણ ચારચાર દિવસ સુધી ડબો ભરાઈ જાય તોયે કંઈ પરવા જ કરવી નહીં, ને જ્યાં પહેલી તારીખ આવે ત્યાં ગરીબ ગાય જેવા! તારા જેવાને તો પગાર જ ન આપવો જોઈએ — ઊલટો દંડ કરવો જોઈએ!” “તો એમ કરો, માબાપ! અમારો કાંઈ થોડો ઉપાય છે?” “એલા ક્યારનો શું કચકચ કરે છે? રોજ ઊઠીને હમણાં જીવ કાં ખાય છે?” ગૃહસ્થ ઘરમાંથી બહાર આવ્યા. “સા’બ, અમારો ગરીબ માણસનો પગાર... આજ ચાર તારીખ...” “હવે આવ્યો મોટો પગારવાળો! એલા, નિયમસર તો આવતો નથી, ને પાછો પગારની ઉઘરાણી કરવા નીકળે છે? મોટો સાજાની!” “સા’બ, અમે મૂઆ ઓછી અક્કલવાળા; કો’ક દી વહેલુંમોડું થઈ જાય. કો’ક વાર બે દી પાડ્યા હોય તોય ઈ બે દીનુંય ભેગું અમારે જ ઉપાડવાનું ને? કોઈ બીજું થોડું કરી જાય છે?” “લે હવે સાફાઈ કર મા, દાનત-ચોર! હું ઓળખું છું તને. આ વખતે તો ચાર આના જ કાપી લઉં છું, પણ હવે જો એક દી યે પાડ્યો છે તો બિલકુલ પગાર જ નહીં મળે, સમજ્યો?” સાહેબે ચાર આના ફળિયામાં ફેંક્યા.

“એ શેઠ, હવે તો કંઈક દયા કરો! આ ડબાનું તળિયું જ સડીને ખવાઈ ગયું છે. મારે રોજ ઉપાડીને ઠલવવું કેમ?” “એલી, તને એક વાર કીધું નથી કે હવે બીજો ડબો લાવી દેશું? તારે તો જાણે લાગી કે દાગી! જરા ધારણ તો રાખતી જા!” “અરે, મારા શેઠ, ધારણ કેટલીક રાખું? હમણાં હમણાં કરતાં આ ત્રાણ મહિના થવા આવ્યા. અમને મેલું ઉપાડવામાં કેટલી આપદા પડે છે એનો કંઈક તો વિચાર કરો, બાપા!” “ભાળી હવે આપદાવાળી — તું મોટી રાયજાદી! તને અહીં ફૂલવાડી વાળવા બોલાવતાં હઈશું, કેમ? એલી, નવાજૂના તો ઠીક — પણ મૂળ ડબા જ કેટલાકને ઘરે છે ઈ તો જઈને જોઈ આવ!” “અરે, શેઠ, આને નહીં આંકડિયો કે નહીં સાજું તળિયું; કાંઠાને ધાર નીકળી છે ને પડખે કાણાં પડ્યાં છે તે ચૂવે છે. હાથપગ તો ઠીક, પણ મારે લૂગડાં ય કેમ સાચવવાં? મહાજન છો, તે ગરીબ માણસ ઉપર કંઈક તો રહેમ રાખો!” “લ્યો, આ નાગરાણી સાટુ એક નવી ડોલ ઘડાવવા નાખો, આંકડિયાવાળી! મારાં સાળાં ભંગિયાંમાંય સુધારાનો પવન ક્યાંથી પેસી ગયો છે!” “નવી ડોલનું કોણ કહે છે, મારા દાદા! પણ ઠામ કાંક સાજું તો જોવે ને?” “હવે રોજ ઊઠીને જીવ ખા મા! એલા જીવણ, ભંગાર બજાર બાજુ જવાનું થાય ત્યારે જરાક ધ્યાન રાખજે. પાંચ-પંદર દી’માં ક્યાંય જૂનો ડબો નજરે ચડે તો લેતો આવજે — નહીંતર વળી આ રાયજાદીનાં પાછાં લૂગડાં બગડી જાશે!”

“એલા, તમારામાં નાત-પટેલ કોણ છે?” નગરશેઠે રોષમાં પૂછ્યું. “હું છું, માબાપ! હું ખીમો.” “એલા ખીમલા! તમે બધાએ આ શું વિચાર કર્યો છે?” હડતાલ પર ઊતરેલાને શેઠ દબડાવવા માંડ્યા. “માબાપ, વિચાર તો શું હોય? પણ અમારો આ સત્તર રૂપિયાનો પગાર — એમાં પૂરું કેમ કરવું? મલક આખામાં બધાના પગાર વધે, મોંઘવારી મળે, ને અમારી કાંઈ ગણતરી જ નહીં! મોંઘવારી તો અમને ય નડે છે. અમારી વાત તો એટલી જ છે કે ગરીબ માણસ ઉપર કાંઈક રહેમ કરો. લૂગડાંની જોડ કે રજાનું તો ઠીક, પણ બાર મહિનામાં બે વાર અમને સૂંડલા-સાવરણાય ન મળે? બસ, આ અમારું દખ ને આ અમારી ફરિયાદ. બીજો અમારે તે શો વિચાર કરવાનો હોય, માવતર?” “બસ ત્યારે... એમ સીધી વાત કરોને? એમાં આ હડતાલ શું ને તોફાન શું? જાવ ઝટપટ કામે ચડી જાવ. કીધું કે ઈ તો એની મેળે સમજી જાશે, ત્યાં તો આજ બીજો દી થયો. પોચું મૂક્યું, તો માથે ચડી ગયા! જાવ, ઝટ કામે ચડી જાવ. બોલો, જાવ છો કે નહીં?” ભંગી પટેલિયા એકબીજા સામું જોવા માંડયા. એક જુવાનિયાએ હિંમત કરી : “પણ બધાએ એકડો કર્યો કે આટલી માગણી કબૂલ થાય પછી જ કામે ચડવું. મોઢેથી તો આજ ત્રાણ વરસથી કે’તા આવ્યા છીએ, પણ અમારી વાત સામું જુએ છે જ કોણ?” “આ ગામના ભંગિયાને ય ફાટ્ય આવવા માંડી ખરી! એને એમ ને એમ નહીં ખબર પડે, ઈ જાત જ એવી — બોલાવવા કે મનાવવા જાશું તો સમજશે નહીં ને ઊલટા ચડશે. ઠીક છે. એલા જાવ હવે તમારે જવું હોય ત્યાં. અને ખીમલા, જે વિચારવું હોય ઈ આજ રાતે વિચારી લેજો. કાલ સવારે જો કામે ચડયા નથી ને, તો ગામમાં સાદ પડાવી દઉં છું કે ભંગિયાને કોઈ એક પૈસાનું મીઠુંય ન તોળે. વિચાર કરવો હોય ઈ કરી લેજો!” નગરશેઠે તાડૂકીને હુકમ છોડ્યો.