સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વર્ષા અડાલજા/ઘરે-બાહિરે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રવીન્દ્રનાથ ટાગોર દેશને ક્વચિત જ સાંપડે એવા યુગપુરુષ હતા. તત્કાલીન સાહિત્યકારોમાં ચિરકાલીન સાહિત્ય સૌથી વિપુલ પ્રમાણમાં તેમણે સર્જ્યું છે. ટાગોર એવા દેશભક્ત હતા કે જેમણે વિશ્વમાનવ બનવાનું સ્વપ્ન જોયું હતું. તેઓ પરદેશમાં ભારતના પ્રથમ સાંસ્કૃતિક પ્રતિનિધિ હતા અને વિશ્વનાગરિક હતા. અનેક સ્વજનોથી ભર્યાભર્યા વિશાળ પરિવારમાં રવીન્દ્રનાથે તેમનું બાળપણ વિતાવ્યું હતું. એ સમયે પરિવારની સ્ત્રીઓના જીવનની તેમના પર ઘેરી અસર પડી હતી. જમીનદારોની વિશાળ હવેલીના અંત :પુરમાં જીવન વિતાવી નાખતી સ્ત્રીઓને ધીમે ધીમે બુઝાતા દીપક જેવી તેમણે જોઈ હતી, અને એમના આંતરમનના કોઈ ખૂણામાં એ દીપકની વિલીન થયેલી જ્યોતિ સચવાઈ રહી હતી. એમની કથાઓની નાયિકાઓમાં વાસ્તવજગતની એ સ્ત્રીઓ પ્રગટી હતી. ટાગોરે તેમની નવલકથા ‘ઘરે-બાહિરે’માં લગ્નજીવનમાં પતિપત્નીના સંબંધો, નારીસ્વાતંત્ર્ય અને રાષ્ટ્રીય ચળવળ વિશેના તેમના વિચારો ગૂંથ્યા છે. આખી કથા મુખ્ય પાત્રોને મોંએથી કહેવડાવી છે. પ્રથમ પ્રકરણ ‘વિમલાની આત્મકથા’થી કથાનો ઉઘાડ થાય છે. વિમલા પોતાની વાત માંડે છે : રાજા (જમીનદાર)ને ઘેર વિમલાનાં લગ્ન થાય છે. સસરાના કુટુંબમાં જૂના રીતરિવાજો ચાલ્યા આવતા હતા. પણ પતિ નિખિલેશ આધુનિક વિચારના છે. એ વંશમાં તેઓ પહેલા જ એમ. એ. થયા હતા. મોટા ભાઈઓ દારૂમાં ડૂબી મૃત્યુ પામ્યા હતા. વિધવા ભાભીઓ નિ :સંતાન હતી. વિમલાના પતિ ન દારૂ પીતા, ન બીજા જમીનદારોની જેમ સંગીતની મહેફિલમાં જતા. સૌ ખૂબ જ આશ્ચર્ય પામતા. નિખિલેશે મિસ ગિલ્બીને વિમલાનાં સાથી અને શિક્ષિકા તરીકે રાખ્યાં હતાં. નિખિલેશના ભોગપરાયણ જમીનદાર કુટુંબમાં સ્ત્રીઓનાં આંસુ દારૂની પ્યાલીમાં ડૂબ્યાં છે. નિખિલેશની વિમલાને પડદા બહાર કાઢવાની તીવ્ર ઇચ્છા હતી. પણ તે પૂછતી : “મારે બહારની દુનિયાનું શું કામ?” નિખિલેશ જવાબ વાળતો : “બહારની દુનિયાને તારું કામ હોય તો? આ ઘરમાં ગોંધાઈ રહેવા માટે તું કે હું જન્મ્યાં નથી.” ત્યાં આંધીની જેમ બંધનોને તોડતો સ્વદેશીનો યુગ બંગાળમાં ધસી આવે છે. વિમલાની આત્મકથામાં આ તબક્કે એક મહત્ત્વના પાત્રનો પ્રવેશ થાય છે, એ છે સંદીપ. સંદીપબાબુ જાતજાતનાં દેશહિતનાં કાર્યોને બહાને પતિના રૂપિયા પડાવી લેતા તેથી વિમલાને ખૂબ ચીડ ચડતી. તેના ઢગલાબંધ ખર્ચાઓ પણ પતિના માથે. નિખિલેશ પણ એક હરફ બોલ્યા વિના સામેથી બધા ખરચા પૂરા પાડતો. નવાઈની વાત એ હતી કે બંનેના વિચારોમાં કંઈ મેળ નહોતો. દેશમાં જે આંધી ઊઠી તેના વાયરાની લહેરખી વિમલાનેય સ્પર્શી ગઈ. અત્યાર સુધી જે વિલાયતી કપડાં એ હોંશથી વાપરતી તે બાળવા તત્પર થઈ. નિખિલેશ સાથે બહુ વાદવિવાદ થયો. પતિ સમજાવે છે કે તારી શક્તિ રચનાત્મક કાર્યમાં ખરચ, ભાંગફોડિયાં કામોમાં નહીં. વિમલાને વળી મિસ ગિલ્બીને રજા આપી દેવાનું ભૂત વળગ્યું. નિખિલેશ થોડો હતાશ થઈ જાય છે : “મિસ ગિલ્બી માત્ર અંગ્રેજ છે તેથી જ તું તેને રજા આપતી હોય તો એ ઠીક નથી. નામની વાડ તું મિટાવી શકતી નથી?” સ્વદેશીની પ્રવૃત્તિ જોડે પતિને સંબંધ નહોતો તેમ તે તેની વિરુદ્ધ પણ ન હતા, તે વિમલા જાણતી હતી. તે હંમેશાં કહેતા : “દેશની સેવા કરવા હું તૈયાર છું. પણ વંદન તો હું એ સત્યને જ કરીશ, જે દેશ કરતાં ખૂબ ઊંચે આસને વિરાજે છે. દેશને જો હું દેવ માનીને વંદન કરું તો દેશનું સત્યાનાશ વાળ્યું કહેવાય.” આ અરસામાં સંદીપબાબુ પોતાની મંડળી સાથે સ્વદેશીનો પ્રચાર કરવા નિખિલેશને ત્યાં આવે છે. શરૂઆતમાં તો વિમલાને લાગે છે કે એ સ્વદેશીને નામે નિખિલેશને ઠગે છે. પણ પોતાના નાટ્યમંદિરમાં, ચકની પાછલ રહીને વિમલા સંદીપની આગઝરતી વાણીમાં ભાષણ સાંભળે છે અને મંત્રમુગ્ધ બની ક્યારે ચક ખસેડી નાખે છે તેનુંય ભાન તેને રહેતું નથી. ‘ઘર’માં રહેતી સ્ત્રીનું આ હતું ‘બહાર’ના જીવનમાં પ્રથમ વારનું ઝાંખવું. સંદીપે પણ વિમલાને જોઈ અને પછી તેના ભાષણમાં ઓર જુસ્સો પ્રગટ્યો. વિમલા પતિને કહી સંદીપને ઘરે જમવા તેડવાનો આગ્રહ કરે છે. આજ સુધી આમ કોઈ બીજા પુરુષને સામે બેસાડી વિમલાએ કદી જમાડ્યા નથી, તેથી નિખિલેશ રાજી થાય છે. સંદીપ જમવા આવે છે અને તેની ચાતુરીભરી, થોડી ઉદ્દંડ વાણીથી વિમલા પર ઊંડો પ્રભાવ પાડે છે. સંદીપબાબુ હવે એ હવેલીમાં જ નિવાસ કરે છે અને અવારનવાર સંદીપ અને નિખિલ વચ્ચે રાષ્ટ્રપ્રેમ વિશે ઉગ્ર ચર્ચાઓ થાય છે. બંનેના મત ભિન્ન છે. વિમલાનો સંકોચ રેશમી વસ્ત્ર પેઠે ધીમે ધીમે ક્યારે સરકી ગયો તેની સરત પણ તેને ન રહી અને એ પણ ચર્ચાઓમાં ભાગ લેવા લાગી. નિખિલેશની દલીલ આવી રહેતી : “દેશથી પણ ઉચ્ચ સ્થાને ધર્મ રહેલો છે એમ જેઓ માનતા નથી તેઓ દેશને પણ માનતા નથી.” સામે પક્ષે વિમલા અને સંદીપની દલીલ આ રહેતી : “હું દેશને માટે લોભ કરીશ. મને કંઈક લેવાનું મન થાય છે તે હું ખૂંચવીને લઈ લઈશ. હું દેશને માટે ક્રોધ કરીશ, અપમાનનો બદલો લઈશ, મારીશ, એ લોકોને કાપી નાખીશ.” નિખિલેશ દૃઢપણે માને છે કે કોઈ પણ ઉત્તેજનાનો દારૂ પીને ઉન્મત્તની માફક દેશસેવામાં મચી ન પડવું. તેના આ વિચારોને વિમલા નબળાઈ ગણે છે. લોકો પણ એમ માને છે કે નિખિલેશને અંગ્રેજો પાસેથી ઇલકાબ જોઈએ છે, નક્કી તે પોલીસથી ડરી રહ્યો છે. સંદીપ વિમલાને કહે છે : “ચારે કોર સ્વેદશીનો પ્રચાર કરતો ફરતો હતો, પણ હવે એમ લાગે છે કે એક જ કેન્દ્રમાંથી કામ કરવું વધુ સારું. મને પ્રેરણા મળે એવું શક્તિનું ઝરણું આજ સુધી ક્યાંયથી મળ્યું નહોતું. પણ આજથી તમે જ મારે મન દેશની વાણી છો. આવો અગ્નિ તો મેં પુરુષમાંય જોયો નથી. તમે અમારા મધપૂડાનાં રાણી છો. અમે તમને વચ્ચે રાખીને હવેથી કામ કરીશું.” વિમલા લજ્જા અને ગૌરવ બંને અનુભવી રહી. વિમલા અને સંદીપ એકમેક પ્રત્યે આકર્ષણ અનુભવે છે એ સૌના ધ્યાનમાં આવે એમ છે. વિમલા એ દિવસોમાં અજાણતાં જ ખૂબ ટાપટીપ કરે છે, અને સંદીપ તો નિખિલના દેખતા જ વિમલાને મધુરાણી કહીને સંબોધે છે, પોતાને સતત પ્રેરણા આપવાનો અનુરોધ કરે છે. વિમલા આજ સુધી હતી ગામની એક નાની શી નદી. અચાનક એક દિન સમુદ્રમાંથી જુવાળ આવ્યો, એનું હૈયું ઝોલે ચડ્યું, કાંઠા છલકાઈ ગયા. અને એને થયું આજે વિધાતાએ મને નવેસરથી સરજી છે કે શું? અચાનક તે સુંદર બની ગઈ. અચાનક તેનામાં જાણે કે દિવ્યશક્તિનો સંચાર થયો. સંદીપબાબુ દેશ સંબંધી નાની નાની વાતમાં પણ એની સલાહ લેતા. આ બધી મસલતોમાં નિખિલેશને ક્યાંય સ્થાન નહોતું. જાણે એક નાના બાળકમાં વિવેકબુદ્ધિ ન હોય એમ સંદીપબાબુ નિખિલેશને કોઈ જવાબદારીવાળા કામમાં સંડોવતા નહીં. એક દિવસ દરવાન સંદીપને અંત :પુરમાં જતાં રોકે છે અને અત્યંત ક્રોધમાં આવી સંદીપ તેને મારી બેસે છે. સંદીપ વિમલાને ફરિયાદ કરે છે. વિમલા રીસથી નિખિલ પાસે હઠ લઈ બેસે છે કે દરવાનને રજા આપી દો. નિખિલ દરવાનને બોલાવી કારણ પૂછે છે ત્યારે દરવાન કહે છે કે મોટાં અને વચેટ રાણીમાએ જ એવી સૂચના આપી હતી. પણ વિમલાએ તો હઠ પકડી કે એને કાઢો જ. નિખિલેશ ચૂપચાપ ઊઠીને ચાલ્યો જાય છે, પણ બીજા દિવસે દરવાન દેખાયો નહીં. નિખિલે તેને બીજે કશે કામ પર મોકલી આપ્યો છે. આખી વાતનું પરિણામ એ આવે છે કે વિમલા રોજ સંદીપને દીવાનખાનામાં તેડાવી હિંમતથી વાત કરવા લાગે છે. જેમ જેમ આકર્ષણ અને પરિચય વધતાં જાય છે તેમ અદૃશ્ય હવાની લહરી દ્વારા સંસ્કારના પડદા એક પછી એક ઊડતા જાય છે. આખરે પ્રકૃતિનું નગ્ન સ્વરૂપ એકદમ ખુલ્લું થઈ જાય છે. સંદીપ પ્રત્યેનું તેનું ખેંચાણ વિમલા ધીમે ધીમે હવે સભાનપણે અનુભવી રહી છે. તેની વાતચીતનો સૂર સ્પર્શ બનીને એને અડી જાય છે, તેની આંખની દૃષ્ટિ જાણે ભિક્ષા બની તેને પગે પડે છે. આ દુર્દાન્ત ઇચ્છાની પ્રલયમૂતિર્ તેના મનને દિનરાત ખેંચતી રહે છે. એક દિવસ સંદીપબાબુની ચિઠ્ઠી આવી પડે છે : તમારું કામ છે. દેશ માટે. સઘળું છોડીને વ્યાકુળ બનીને વિમલા બહાર દીવાનખાનામાં દોડી આવે છે. જુએ છે તો સંદીપ અને નિખિલ ઊંડી ચર્ચામાં પડેલા છે. વિમલાના મનની સ્થિતિ ભારે વિચિત્ર છે. સંદીપ ફરી તેની વાક્ચાતુરી વડે પ્રશંસાનો જાદુ વિમલા પર ચલાવે છે. સ્વદેશીની ચળવળ થોડી વેગવંત બની કે સૌની નજરમાં એક વાત આવવા લાગી. નિખિલેશની જમીનદારીમાંથી હજી વિલાયતી મીઠાનો, વિલાયતી ખાંડનો અને વિલાયતી કાપડનો બહિષ્કાર થયો નથી. જમીનદારીમાં કામ કરતા કારકુનો પણ એ વિશે શરમાવા લાગ્યા હતા. આમ છતાં થોડા સમય પહેલાં નિખિલે અહીં સ્વદેશી માલ આણ્યો હતો ત્યારે નાનામોટા સહુ એ બાબતે મનમાં હસવા લાગ્યા હતા. દેશી માલની પાછળ જ્યારે આપણા અભિમાનનું જોર નહોતું ત્યારે આપણે તનમનથી તેની અવગણના કરતા હતા. નિખિલ તો હજી પણ દેશી પેનસિલ દેશી ચપ્પુ વડે છોલે છે, પિત્તળના લોટાથી પાણી પીએ છે. તેની જીવનશૈલી જ આવી આવી વાતો વડે ઘડાઈ હતી. પણ તેના એવા ભભકહીણા સ્વદેશીવ્રતમાં કોને રસ પડે ભલા? શુકસાયરનો હાટ બહુ મોટો હાટ ગણાતો હતો. ચોમાસા પછી જ હાટ જામે. તે વખતે સૂતર અને આવતા શિયાળાને માટે ગરમ કાપડ ખૂબ વેચાવા આવે. તે અરસામાં દેશી કાપડ અને દેશી ખાંડમીઠાના પ્રચારને અંગે બંગાળમાં હાટેહાટમાં ભારે ધમાલ મચી રહી હતી. સંદીપે તરત વિમલાને કહ્યું, “આટલો મોટો હાટ આપણા હાથમાં છે, એને પૂરો સ્વદેશી બનાવી દેવો જોઈએ. નિખિલ સાથે બહુ ટપાટપી થઈ પણ એ માનતો જ નથી.” ગર્વથી વિમલાએ કહ્યું, “વારુ, હું જોઈ લઈશ.” એ ખૂબ સુંદર રીતે તૈયાર થઈને નિખિલ પર પોતાના પ્રેમની મોહિની અને શક્તિનો જાદુ ચલાવવા તેની પ્રતીક્ષા કરવા લાગી. આ તરફ નિખિલ કોઈ બીજી જ વાતમાં ગૂંથાયો છે. પંચુની સ્ત્રી ક્ષયરોગથી પીડાઈને મૃત્યુ પામી, પ્રાયશ્ચિત્તનો ખર્ચ સાડા તેવીસ રૂપિયા આવીને ઊભો. એક તો બિચારો ગરીબીને લીધે સદાનો ઉપવાસી. તેમાં સ્ત્રીનાં દવાદારૂ અને અંત્યેષ્ટિને લીધે ખર્ચ થયો. આખરે એક દહાડો ચાર છોકરાં પડતાં મેેલી વૈરાગી થઈને ચાલી નીકળ્યો. માસ્ટર ચંદ્રનાથબાબુ તેમને ઉછેરવા લાગ્યા. વૈરાગ્યનો નશો ઊતર્યો કે પંચુ પાછો આવ્યો. ફરી ધંધો શરૂ કરી આપવા માસ્ટરબાબુએ ખાતું પાડી પૈસા આપ્યા તેમાંથી પંચુ ધોતિયાં, સાડી અને થોડું ગરમ કાપડ ખરીદી લાવી ખેડૂતોને ઘેર ઘેર ફરી વેચવા લાગ્યો. થોડા વખતમાં તો માસ્ટરબાબુના થોડા પૈસાય એણે ચૂકવ્યા. ત્યાં સ્વદેશીનો જુવાળ ખૂબ પ્રબળ થઈ ગયો. ગામના ને આસપાસના છોકરાઓ કલકત્તા ભણતા હતા તેઓ રજામાં ઘેર આવ્યા અને સંદીપને નાયક બનાવી સ્વેદશીની ચળવળમાં ગાંડાની જેમ મંડી પડ્યા. નિખિલના જ પૈસાથી ભણેલા આ છોકરાઓ નિખિલને કહેવા લાગ્યા : “આપણા શુકસાયરના હાટમાંથી વિલાયતી સૂતર, કાપડ વગેરે બિલકુલ બંધ કરી દેવું જોઈએ.” ખૂબ ગરમાગરમીભરી ચર્ચા થઈ. નિખિલનું કહેવું હતું કે આમ કરવાથી મને નહીં પણ ગરીબોને ખૂબ નુકસાન થશે. આજ સુધી તમે એ લોકો માટે શું કર્યું છે કે આજે એકાએક એ લોકોએ શું ખાવુંપીવું, પહેરવું એવી જબરદસ્તી કરો છો? સામે પક્ષે એ ટોળાએ કહ્યું, અમે પણ દેશી મીઠું, ખાંડ ને કપડાં વાપરવાં શરૂ કર્યાં છે. નિખિલની દલીલ હતી કે, તમારી પાસે બે પૈસા છે ને તમે આનંદથી એમ કરો છો; પણ આ બિચારા લોકો તો જીવનમરણની ખેંચતાણમાં હોય છે, એમને બે પૈસાની કેટલી કિંમત છે તે તમને નહીં સમજાય. આજે તમારા જેવું જીવન ગુજારવાનો બોજો તેમના પર શી રીતે લદાય? તમે જો આ ગરીબોની સ્વતંત્રતા રોળી દેશની સ્વતંત્રતાનો ધ્વજ ફરકાવવા માગતા હો તો હું તમારી વિરુદ્ધ પડીશ. છો મૃત્યુ પામું. સ્વદેશીની ચળવળને મદદ તો હું પણ કરું જ છું. દેશી કાપડ, સૂતર અમારા હાટમાં વેચવા રાખ્યાં જ છે. એક વિદ્યાર્થી રોષે ભરાઈ બૂમ પાડે છે, “પણ એ દેશી માલ કોઈ ખરીદતું નથી.” નિખિલ જવાબ વાળે છે કે તેમાં હાટનો કે મારો શો વાંક? આખા દેશે કંઈ તમારું સ્વદેશીનું વ્રત લીધું નથી. જબરદસ્તીથી તમે વણકરો પાસે કાપડ વણાવી, જબરદસ્તીથી એવા લોકોને પહેરાવશો કે જેમણે સ્વદેશીનું વ્રત લીધું નથી? વંદેમાતરમના નારા લગાવતા વિદ્યાર્થીઓ રોષમાં ચાલ્યા ગયા. થોડા દહાડામાં માસ્ટરબાબુ પંચુને નિખિલ પાસે લઈ આવ્યા અને કહ્યું : “એ લોકોના જમીનદાર હરીશ કુંડુએ પંચુનો એકસો રૂપિયા દંડ કર્યો છે. વાંક એટલો જ કે એ વિલાયતી કાપડ વેચતો હતો. એણે ઘણું કહ્યું કે, દેવું કરીને રૂપિયા લાવી ધંધો કરું છું, આ ફેરે વેચાઈ જાય પછી નહીં કરું. પણ જમીનદાર તો પંચુનું કાપડ બાળવા જ બેઠો. પંચુએ કહ્યું કે, આપની પાસે પુષ્કળ રૂપિયા છે. ખરીદી લો ને પછી બાળો. મારાં છોકરાં ભૂખે મરશે. પણ ગરીબનું કોણ સાંભળે? કાપડ બાળી નાખ્યું.” નિખિલને પંચુ માટે બહુ જીવ બળ્યો, તેણે પંચુને ફોજદારી કરવાની સલાહ આપી. સંદીપને કહ્યું તું સાક્ષી પૂર. પણ સંદીપ જમીનદારનો પક્ષ લે છે. નિખિલ પંચુને મદદ કરવા તેની જમીન ખરીદી લઈ તેને ત્યાં જ પોતાના ખેડૂત તરીકે રાખવાનું નક્કી કરે છે, એને કપડાની ગાંસડી પણ અપાવી દે છે. થરથર ધ્રૂજતા પંચુને આશ્વાસન આપે છે કે અન્યાયથી ડરીને ભાગી ન જા. વિમલનું તેડું આવે છે અને નિખિલ સૂવાના ઓરડામાં આવે છે. ઘણા વખત પછી નિખિલને ઓરડો આજે વ્યવસ્થિત લાગે છે, અને વચ્ચે શણગાર સજીને બેઠી છે વિમલ. વિમલ નિખિલને કહે છે, “આખા બંગાળમાં માત્ર આપણા હાટમાં જ વિલાયતી કાપડ આવે છે, એ માલ કાઢી નાખવાનું કહી દો.” નિખિલ સામી ચર્ચા કરવાનું ટાળે છે પણ વિમલ આગ્રહ કર્યા જ કરે છે કે, દેશને માટે જ જુલમ કરવાનો છે, તમારે માટે થોડો કરવાનો છે? “દેશને માટે જુલમ કરવો એટલે દેશ ઉપર જ કરવો. પણ તને નહીં સમજાય.” અને નિખિલ ત્યાંથી નીકળી જાય છે. સંદીપની સાથે દેશના પ્રશ્ને ઘડી ઘડી વિરોધ થાય છે. વિમલા સંદીપને બોલાવે છે ત્યારે એની આંખો છલોછલ હોય છે. સંદીપ સમજી જાય છે કે પતિ પાસે ધાર્યું નહીં કરાવી શકવાથી તેનું અભિમાન ઘવાયું છે. સંદીપ વિમલા પાસે પૈસા માગે છે. પણ કહે છે, “તમારાં ઘરેણાંનો ખપ પછી પડશે, અત્યારે નિખિલના પૈસામાંથી જ તમે આપો. આખરે તો એ દેશનાં જ નાણાં છે. તિજોરીમાંથી લઈ લો.” હવે નિખિલ વિરુદ્ધ વર્તમાનપત્રોમાં લેખો અને પત્રો પ્રગટ થવા લાગ્યા છે. લખે છે કે એના ઇલાકાના ગરીબોથી માંડીને બધા લોકો સ્વદેશી માટે ઉત્સુક છે, માત્ર નિખિલના ભયથી કંઈ કરી શકતા નથી. એટલું જ નહીં પણ જમીનદારની જેમ નિખિલ તેમની પર સખત જુલમ ગુજારે છે, પોલીસોને સાથ આપે છે અને ઇલકાબ મેળવવાની પેરવીમાં છે. વ્યથિત હૃદયે નિખિલેશ એક સંધ્યાએ એના બાગમાં ચંદ્રમલ્લિકાનાં ફૂલો પાસે જાય છે. ત્યાં એનું ધ્યાન જાય છે કે ઘાસમાં વિમલ સૂતી છે. પતિને આવેલો જોઈ જલદી ઊઠી એ ઘર તરફ જવા લાગી. એ જરા જેટલા સમયમાં જ વિમલાના અસહ્ય દુઃખને નિખિલ અચાનક સમજી શક્યો. એણે તરત કહ્યું : “તને જો આમ બળજબરીથી બાંધી રાખું તો તો મારું આખું જીવન એક લોઢાના પાંજરા જેવું બની જશે. તેમાં મને શો આનંદ? હું તને છૂટી કરું છું. હું તારું બીજું કશું ન બની શકું તોયે મારે તારા હાથની હાથકડી તો નથી જ બનવું.” આટલું કહી નિખિલ ઘર તરફ ચાલી જાય છે, મનમાં વિચારે છે કે મિથ્યાને સત્ય તરીકે પકડી રાખવાનો પ્રયત્ન કરવો એ પોતાનું જ ગળું દબાવી દેવા બરાબર છે. મુક્તિ માણસની સૌથી મોટી વસ્તુ છે. અચાનક સ્વામીએ આમ કહી દેતાં વિમલા સ્તબ્ધ થઈ જાય છે. સૂવાના ઓરડામાં જાય છે. સંદીપને રૂપિયા આપવાના છે, પણ રૂપિયા ક્યાં? સૂવાના ઓરડાની જોડેની ઓરડીમાં જ તિજોરી છે. વર્ષોવર્ષ જમા થતા બે જેઠાણીઓના પૈસા આ વર્ષે હજી તિજોરીમાં પડ્યા છે, બૅન્કમાં ગયા નથી. એ રૂપિયા દેશના જ તો છે! રાત્રે નિખિલનાં કપડાંમાંથી વિમલા ચાવી ચોરી લે છે અને તિજોરીમાંથી સોનાની મહોરો કાઢી લે છે. મન તો ખૂબ ડંખતું હતું. કળણમાં પગ મૂક્યો છે, હવે બહાર નીકળવાનો કોઈ ઉપાય નથી. પૃથ્વીના ભાર જેવી ગીનીઓ આખી રાત છાતીએ બાંધી રાખી છે. સંદીપ દીવાનખાનામાં આવતાં એ જલદી ત્યાં જાય છે તો ત્યાં અમૂલ્ય પણ છે. શરમ અને લજ્જાની મારી અધમૂઈ થઈ વિમલા ટેબલ પર ગીનીઓનો ઢગલો કરે છે. સંદીપનું મોં ઝળહળી ઊઠે છે. તે દોડતો જેવો વિમલા પાસે આવે છે કે વિમલા તેને જોરથી ધક્કો મારે છે ને એ ગબડી પડે છે. ધ્રુસકે રડતી વિમલા જુએ છે તો સંદીપ નિરાંતે ગીનીઓ ગણતો હોય છે. વિમલા સમજે છે કે તે હંમેશાં સંદીપથી ભોળવાતી આવી છે, તોય પાછી ભોળવાય તો છે જ. સંદીપ કહે છે : “હું તો તમને પ્રણામ કરવા દોડ્યો આવતો હતો, તમે ધક્કો માર્યો એ ધક્કો તો વરદાન આપ્યું તમે.” પણ વિમલા ગુનાહિત લાગણીથી પતિને મોં પણ બતાવી શકતી નથી. એવામાં નિખિલેશને જાસાચિઠ્ઠી મળે છે કે તમારી તિજોરી લૂંટાશે. હવે બંને જેઠાણીઓ ઉતાવળ કરે છે કે તિજોરીના પૈસા ઝટ બૅન્કમાં પહોંચાડો. વિમલા અમૂલ્યને ઘરેણાં વેચવા આપે છે. ફરી પૈસા પાછા મૂકી દેવા તેને છ હજાર રૂપિયાની સખત જરૂર છે. સંદીપ જોઈ જાય છે અને પૂછે છે કે અમૂલ્ય પાસે શેની પેટી હતી? વિમલા કશું કહેતી નથી તેથી સંદીપ ખૂબ ચિડાય છે. પણ ફરી સંદીપ વિમલા પર ત્રાટક કરે છે અને વિમલા ઢીલી પડી જાય છે. સંદીપ વિમલા તરફ ધસવા જાય છે ત્યારે જ અચાનક નિખિલ ઓરડામાં પ્રવેશ કરે છે અને સંદીપને ચેતવે છે : “તારા ઉપર હુમલો થવાનો સંભવ છે, તું આ મારો ઇલાકો છોડીને ચાલ્યો જા. આમ પણ તું અને તારી ટોળકી મારી પ્રજાને ખૂબ કનડી રહ્યાં છો. પાંચેક દિવસ પછી હું કલકત્તા જઈશ. તું સાથે આવજે અને ત્યાં રહેજે.” ત્યાં સમાચાર આવે છે કે નિખિલેશની ચકુપાની કચેરીમાં લૂંટ થઈ ગઈ. અડધી રાત્રે લૂંટારાઓની ટોળીએ પિસ્તોલ સાથે તિજોરી લૂંટી. લૂંટારુઓ છ જ હજાર રૂપિયા લઈ ગયા, બાકીની નોટો ઓરડામાં વેરી નાખી. આ સમાચારથી જેઠાણીઓ ગભરાઈને નિખિલેશને કહેવા લાગી કે ઘરની તિજોરીમાં પડેલા રૂપિયા ઝટ બૅન્કમાં મૂકી આવો, તમારા દુશ્મનો તો ઘરમાંય ધાડ પાડશે. નિખિલેશ અને વહુરાણીઓ તિજોરીવાળા ઓરડા પાસે જાય છે. ઓરડો બંધ છે. અંદરથી વિમલાનો અવાજ આવે છે કે તે કપડાં બદલી રહી છે. પોલીસ ઇન્સ્પેક્ટર આવીને ખબર આપે છે કે તમારી જ કચેરીના દરવાન કાસમ પર શક જાય છે, તેને થાણામાં પૂર્યો છે. નિખિલ તરત થાણે જાય છે. કાસમ પગ પકડી રોઈ પડે છે. કહે છે કે, મેં આ ચોરીનું કામ કર્યું નથી. રાત્રે નિખિલ પોતાના ઓરડામાં પાછો ફરે છે. થોડા દિવસથી વિમલા બાજુના ઓરડામાં સૂએ છે. મેઘલી રાતના પવનના ઝપાટાની જેમ આંસુથી ભરેલો નિશ્વાસ નિખિલને સંભળાતો રહ્યો. બહાર વરંડામાં જઈને જુએ છે તો વિમલા રડી રહી છે. નિખિલ ચૂપચાપ એને માથે હાથ ફેરવવા લાગે છે. અચાનક વિમલા તેના બંને પગ પકડી છાતીસરસા ચાંપી દે છે. વિમલા આકળવિકળ બની અમૂલ્યની પ્રતીક્ષા કરે છે. તેને ઘરેણાં વેચવા મોકલ્યો છે, પકડાઈ તો નહીં જાય ને? અચાનક દીવાનખાનામાં સંદીપ પ્રવેશે છે. ઘૃણાથી વિમલાનું મન ભરાઈ જાય છે. સંદીપ ઘરેણાંની પેટી ત્યાં મૂકે છે. વિમલા ચમકી ઊઠે છે : તો શું અમૂલ્ય ઘરેણાં વેચવા કલકત્તા ન ગયો? ત્યાં અમૂલ્ય પ્રવેશે છે. એક જ દિવસમાં એ બિચારાનું તારુણ્યનું લાવણ્ય ચહેરા પરથી ઊડી ગયું હતું. સંદીપને જોતાંવેંત તેની તરફ ધસી જઈને એ કહે છે કે, “મારી ટ્રંકમાંથી તમે દીદીની ઘરેણાંની પેટી શું કામ લાવ્યા? મારે જ હાથે એમને પાછી આપવી હતી. આપી દો હવે.” સંદીપ રોષમાં પેટી મૂકી જતો રહે છે. પછી અમૂલ્ય ચાદરમાંથી એક પોટલી કાઢી વિમલા સામે ધરે છે : “ગીની તો ન મળી, પણ છ હજાર રૂપિયા લાવ્યો છું. તમે કહેશો ખોટે રસ્તે લાવ્યો છું. ભલે તેમ.” વિમલા તેને ખૂબ સમજાવે છે : “તેં જ્યાંથી લીધા ત્યાં પાછા મૂકી આવ, ભાઈ.” પછી અમૂલ્ય વિમલાને બધી વાત કહે છે : “દીદી, તમારી પાસેથી લીધેલી ગીનીઓ સંદીપબાબુએ ક્યાંય વાપરી જ નથી. મેં બહુ કહ્યું કે ગીનીઓ દીદીને પાછી આપી દો. પણ સંદીપ જેનું નામ! ગીનીઓ પાછી ન આપી. તમે ઘરેણાં વેચવા આપ્યાં ત્યારે સાંજના ફરી હું તેની પાસે ગયો. તેની ટ્રંક ને બધું ફેંદી વળ્યો, પણ ગીનીઓ મળી જ નહીં! પછી આ છ હજારની નોટ બતાવી ગીની મેળવવાનો પ્રયત્ન કર્યો, તો એ મારી ટ્રંક તોડી, ઘરેણાંની પેટી તમારી પાસે લઈ આવ્યો. હવે એના મંત્રની વાણીની અસર ઊડી ગઈ છે, દીદી.” વિમલા અમૂલ્યને વીનવે છે કે, મારા પાપના પ્રાયશ્ચિત્ત માટે આ પૈસા તું પાછા મૂકી આવ. છેલ્લા થોડા દિવસથી અમૂલ્ય સાથેના વિમલાના સંબંધથી સંદીપ ભડકી ઊઠ્યો હતો. એ વિમલાને જેમતેમ ખૂબ સંભળાવે છે. પણ આજે વિમલા જરાય વિચલિત થતી નથી. સંદીપનંુ સાચું સ્વરૂપ એ સમજી શકી છે. જાણે આજે તેના મોહના નાગપાશમાંથી એ મુક્ત થઈ છે. એ વખતે નિખિલેશ ઓરડામાં પ્રવેશ કરે છે અને સંદીપને એના ઇલાકામાંથી ચાલ્યા જવાનું કહે છે. સંદીપને લાગે છે કે હવે ગયા વિના છૂટકો નથી. ત્યાં વિમલા ઘરેણાંની પેટી તેને આપી દે છે : “મારાં આ ઘરેણાં તમારી મારફતે મેં જે માતૃભૂમિને દાન કર્યાં હતાં તેને ચરણે પહોંચાડજો.” સંદીપ ચાલ્યો જાય છે. વિમલા અમૂલ્ય માટે ચંતાિ કર્યા કરે છે. એ કોના હાથમાં રૂપિયા પાછા આપવા ગયો હશે? ખરેખર તો આ અપરાધના મૂળમાં પોતે જ છે. પતિ પાસે એ સ્વીકારી લેવો છે. પણ ઘણા સમયથી જાણે સ્વામી સાથેનો સેતુ તૂટી ગયો છે. આવડી મોટી વાત શી રીતે કરવી? પોલીસો ઘરે આવે છે. ચારે તરફ ધાંધલધમાલ છે. વિમલા વિચારે છે કે પોતાને પકડાઈ જવાને હવે ઝાઝી વાર નથી. મોડી રાત સુધી તે રસોડામાં ગોંધાઈ રહીને બધાં જ નોકરચાકરને પ્રેમથી જમાડે છે. હવે ક્યાં આવો અવસર મળશે? મોડી રાત્રે એ પતિના ઓરડામાં જાય છે. પતિ થાકીને સૂતા છે. એના ચરણમાં વિમલા માથું ઢાળી દે છે. રાતભર એ પશ્ચિમના વરંડામાંથી આકાશને તાકતી બેસી રહે છે. હૃદય પ્રાર્થી રહ્યું છે : “હે મારા પ્રભુ! મને આટલી એક વાર માફ કરો. જે જે કંઈ તમે મારા જીવનના ધન તરીકે મારા પાલવમાં આપ્યું તેને મેં જીવનમાં બોજ બનાવી મૂક્યું છે. મારા જીવનના ઉષ :કાલમાં તમે જે વાંસળી વગાડી હતી તે વાંસળી ફરી વગાડીને તમે મારા સંસારને નવેસરથી રચી આપો.” નિખિલ હવે વિમલા અને વચેટ રાણીને લઈ કલકત્તા જવાની તૈયારી કરે છે. ત્યાં ઇન્સ્પેક્ટર અમૂલ્યને પકડીને લાવે છે, પોટલીમાંથી છ હજાર રૂપિયા કાઢે છે. નિખિલને કહે છે કે, ચકુપાની કચેરીમાં આ પૈસા આપવા અમૂલ્ય ગયો કે તમારી ચોરાયેલી મતા મળી ગઈ છે. ઇન્સ્પેક્ટર એને સતત પૂછી રહ્યો છે કે ચોરાયેલા છ હજાર ક્યાંથી મળ્યા? પણ તે બતાવતો જ નથી. આખરે ઇન્સ્પેક્ટર જાય છે પછી નિખિલ પૂછે છે કે આ રૂપિયા કોણે લીધા હતા તે હવે મને કહે, કોઈને નુકસાન નહીં કરું. અમૂલ્ય કહે છે કે ચોરી તો મેં પોતે જ કરી હતી. બીજા કોઈને ગુનેગાર ગણશો નહીં. નિખિલને નવાઈ લાગે છે કે તો એ પૈસા પાછા કેમ આપવા ગયો? અમૂલ્ય સત્ય કહે છે કે નાનાં રાણીની આજ્ઞાથી પાછા મૂકવા ગયો હતો. વચેટ રાણીના કહેવાથી તિજોરીમાં પડેલા રૂપિયા બૅન્કમાં મૂકવા સારુ નિખિલ અને વચેટ રાણી તિજોરી ખોલવા જાય છે. પણ ચાવી ક્યાંથી મળે? એ તો ચોરી કરવા વિમલાએ લઈ લીધી હતી. વિમલા ત્યાં આવીને કહે છે કે ચાવી તેની પાસે છે અને તિજોરીમાંથી રૂપિયા કાઢી લઈ તેણે ખરચી નાખ્યા છે. નિખિલ સ્તબ્ધ બની જાય છે. આજ સુધીના તેના વિમલા સાથેના વ્યવહારને જુદી જ દૃષ્ટિથી એ તપાસે છે. તેને થાય છે કે વિમલાને નવી રીતે ઘડવાની તેની આકાંક્ષા ખોટી હતી. વિમલા સાથેના તેના વ્યવહારને એક સુંદર સંગીન સ્વરૂપમાં ઢાળવાની ઇચ્છા હતી તેમાં એક જાતની જબરદસ્તી હતી. આ છ હજાર રૂપિયા એને ચોરીને લેવા પડ્યા, પણ એ માગી ન શકી. શું પતિપત્નીના સંબંધની ફરી શરૂઆત ન થઈ શકે? વિમલા ઓરડા બહાર મૂંગી મૂંગી ઊભી હતી. તે પાછી જવા પગ માંડતી હતી. તેને નિખિલ ઝટ દઈ પકડી લે છે. પણ વિમલા ધ્રુસકે ધ્રુસકે રડતી તેના પગમાં પડે છે : વિમલા કલકત્તા જવાની તૈયારી કરી રહી છે. ત્યાં ખબર મળે છે, સંદીપ દીવાનખાનામાં તેમની રાહ જુએ છે. નિખિલ વિમલાને લઈને બહાર આવે છે, કે તરત સંદીપ રૂમાલની પોટલી બહાર કાઢી ટેબલ પર મૂકે છે અને કહે છે : “નિખિલ, ભૂલમાં ન પડતો. એમ ન માનતો કે એકાએક તમારા સંસર્ગમાં આવીને હું સાધુ બની ગયો છું. આ છ હજાર રૂપિયાની ગીનીઓ અને ઘરેણાંની પેટી.” નિખિલ તેને રોકવા મથે છે પણ મુસલમાનો તેની પાછળ પડ્યા છે તેથી સંદીપ તરત નીકળી જાય છે. એવામાં માસ્ટરમશાય આવીને ખબર આપે છે કે મુસલમાનો વીફર્યા છે, સ્ત્રીઓ પર અત્યાચાર કરવા માંડ્યા છે. નિખિલ તરત જવા તૈયાર થાય છે. વિમલા તેનો હાથ પકડી રોકવાની કોશિશ કરે છે, પણ “ચંતાિ નહીં કર, વિમલ”, કહેતો નિખિલ કશા જ હથિયાર વિના ઘોડો દોડાવી જાય છે. સાંજ ઢળે છે. અંધારું ઘેરાય છે. દૂર દૂરથી અવાજોનાં મોજાં ઊછળી ઊછળીને આવે છે. રસ્તા પર પડતી બારીને અઢેલીને વિમલા નિષ્પલક નેત્રે મીટ માંડી રહી છે. મોડી રાત્રે રસ્તા પર પુષ્કળ દીવા અને માણસો દેખાય છે. અંધારામાં મોટું ટોળું ભેગું થઈ ગયું છે. થોડી વારે એક પાલખી અને તેની પાછળ ડોળી દરવાજામાં પ્રવેશે છે. અમૂલ્ય મૃત્યુ પામ્યો છે, અને નિખિલને માથા પર ખૂબ વાગ્યું છે. કથા અહીં પૂરી થાય છે.

‘ઘરે-બાહિરે’ના શ્રી નગીનદાસ પારેખે કરેલા અનુવાદની પ્રસ્તાવનામાં કાકાસાહેબ કાલેલકર લખે છે કે, “ ‘ઘરે-બાહિરે’ નવલકથા પર હું પ્રથમથી જ આફરીન છું. જ્યારે મેં એ પ્રથમ વાંચી, ત્યારે મારો દેશભક્તિનો આદર્શ બંગભંગ પછી દેશમાં જે રાષ્ટ્રીયતા જાગી તેને અનુસરીને જ ઘડાયેલો હતો. એ નવલકથા આ રાષ્ટ્રીયતાના દોષો બતાવવા માટે લખાયેલી છે. રવીન્દ્રે ‘ઘરે-બાહિરે’ લખીને હિંદુસ્તાનની, આપણા સમાજની અને આપણી રાષ્ટ્રીયતાની અસાધારણ અને ઉચ્ચ કોટિની સેવા કરી છે. આજે નિ :શંકપણે આપણે કહી શકીએ કે ‘ઘરે-બાહિરે’ દેશ બહારથી ઘેર આવીને દુનિયાની સેવા કરનાર મહાત્મા ગાંધીને અનુકૂળ વાતાવરણ કરી આપનાર મોટી સેવારૂપ છે.” [‘ઘરે-બાહિરે’ પુસ્તિકા : ૧૯૯૬]