સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વાડીલાલ ડગલી/મુફલિસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



તમે જ્યારે
સળેખડા જેવા શરીર પર
પહોળું પાટલૂન,
સાંકડો કોટ,
ઊંધા પગમાં મોટા જૂના જોડા,
જરીપુરાણી નાની હેટ લગાવી
નેતરની સોટી ફેરવતા ફેરવતા
લઘરવઘર ચાલતા,
ત્યારે અમે હસતા
અને ઢીલી પડેલી
કરોડરજ્જુ
જરા ટટ્ટાર કરતા.

આ નાનો મુફલિસ
છ છ છોકરાંને યાદ કરીને
નોકરીમાંથી દૂર ન કરવા
શેઠને કાલાવાલા કરતો હોય,
યંત્રની ગતિના ચાબુકથી
તનના અડિયલ ઘોડાને
દોડાવતો હોય,
કે સરમુખત્યાની સત્તાના
ફુગ્ગામાં ટાંકણી ખોસી
એક બાજુ ખસી જતો હોય
ત્યારે
દબાયેલા માણસના
મડદા જેવા મનમાં
સળવળાટ શરૂ થતો.

આ નાનો મુફલિસ
બીતાં બીતાં પણ
તરેહ તરેહની સત્તા સામે
બાંયો ચડાવે છે
અને ધૂળ ભેગો થાય છે —
પણ પલકારામાં
ધૂળ ખંખેરી
એ ફરી ચાલવા માંડે છે
એવા સપના સાથે
કે બીજી કુસ્તીમાં
તે બળિયાને ચત્તોપાટ કરશે.

હે વિરાટ વિદૂષક!
અમે જેને હસી કાઢ્યું
તે હાસ્યને
તમે ગૌરવ દીધું.
તમારા હાવભાવના મૂંગા સ્પર્શે
હાસ્ય
વાણીની દીવાલો ટપી
રાંકનું સાંત્વન બન્યું.
[‘સાહિત્ય’ ત્રિમાસિક : ૧૯૭૮]