સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વાસુદેવ મહેતા/જૂજવાં રૂપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


યજ્ઞો અને પારાયણોમાં પૈસાનો ધુમાડો થાય છે, તેમ રાજકીય પક્ષોના જલસાઓમાં પણ કાળા બજારના ધનનો ધુમાડો થાય છે. દિલ્હી, મુંબઈ વગેરે મહાનગરોમાં પરિષદ, સંમેલન, સેમિનાર વગેરે નામો હેઠળ એક જાતના ‘યજ્ઞો’ જ ચાલ્યા કરતા હોય છે. મુંબઈમાં ડૉક્ટરોનો એક આંતરરાષ્ટ્રીય મેળો ભરાયો હતો, તેમાં બૉમ્બે હૉસ્પિટલ મેડિકલ ટ્રસ્ટના આઠ લાખ રૂપિયા હળવા થયા. એક હજાર આમંત્રાતો ભેગા થયા, ખાધું-પીધું ને મજા કરી. એમાં જે નિબંધો રજૂ થયા તેમાંથી કેટલાક “અમેરિકન પાઠયપુસ્તકોમાંથી ઉઠાવાયેલા હતા,” એમ ડૉ. રાઝેલીન યેલો નામના અમેરિકન મહેમાને કહ્યું. આમ, આપણો ભણેલો વર્ગ યજ્ઞોની અંધશ્રદ્ધામાંથી છૂટીને બીજાં ધતિંગો ને અંધશ્રદ્ધાઓમાં સપડાયો છે. “મને ચૂંટણીની ટિકિટ કે હોદ્દો મળશે,” એવી લાલચથી ખેંચાઈને અમુક લોકો રાજકીય પક્ષોનાં અધિવેશનોમાં જતા હોય, અને બીજા પ્રકારના લોકો પોતાનું કલ્યાણ થશે એવી લાલચથી યજ્ઞોમાં જતા હોય, તો એ બન્ને શ્રદ્ધા કે અંધશ્રદ્ધા એકસરખી જ ગણાય. પહેલી લીલા બુદ્ધિવાદી ગણાતા લોકોની હોવાથી તે ફૅશનેબલ ગણાય, અને બીજી લીલા સામાન્ય વર્ગની હોવાથી તે અંધશ્રદ્ધા અને પાખંડ ગણાય! ગામડાંના લોકો કે શહેરની ચાલીઓ ને ઝૂંપડપટ્ટીમાં વસનારાઓના જીવનમાં સ્વચ્છ મનોરંજન આપે એવું બીજું કશું નથી. એમના બંધ જીવનમાં માત્રા ધાર્મિક પ્રવૃત્તિ જ સુલભ છે, એટલે તેઓ એમાં આનંદ માણે છે. મનોરંજન કહો, ધર્મ કહો, ધતિંગ કહો એ બધાં માટે આ એક જ સાધન છે. યજ્ઞ, અંધભક્તિ વગેરેમાં રહેલા લોકહૃદયને ખેંચનારાં તત્ત્વોના નરવા વિકલ્પો આપણે પૂરા પાડી શક્યા નથી. આપણે જે નથી કરી શકતા તે જો મહારાજો કે કથાકારો વગેરે કરી શકતા હોય, તો દોષ આપણામાં છે.