સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિઠ્ઠલરાવ ઘાટે/બે વ્યકિતચિત્રો –

From Ekatra Wiki
Jump to navigation Jump to search


એક પ્રાર્થનાસમાજિસ્ટ “કેમ છો વિઠ્ઠલરાવ, ક્યારે આવ્યા?” રસ્તેથી જતો હતો ત્યારે ઉપરના ઉદ્ગાર મારે કાને પડ્યા. ઉદ્ગાર કોના હતા એ તરત ઓળખીને ભકિતભાવથી મેં પાછળ જોયું. મારી સામે એંશી વર્ષના એક વૃદ્ધ ઊભા હતા. માથા પર ભાંડારકરી ઢબની સફેદ મેલી પાઘડી, શરીર પર ફક્ત કોટ, તેના ખીસામાં શરીર લૂછવાનો ખાદીનો એક નાનો કટકો, હાથમાં જાડી લાંબી લાકડી, કાન-નાકમાં વાળનાં ગૂંચળાંનાં ગૂંચળાં! આંખને ખૂણેથી ને નાકમાંથી પાણી ગળતું હતું. આંખોમાં તેજ નહોતું, ભાવ નહોતા, જીવ નહોતો, કાચના બે નિર્જીવ ટુકડાની જેમ તે મારી સામે જોતી હતી. પણ હોઠ હસતા હતા. બુઢ્ઢા કાકા લાકડીને ટેકે એક એક ડગલું કષ્ટપૂર્વક ઊચકતા ચાલતા હતા. કાકા બોલ્યા, “શું, શા ખબર છે નગરના? ઓલ રાઇટ? અમારો ગંપુ કેમ છે? સરસ ચાલતો હશે લુચ્ચો હવે! સમાજ ઠીક ચાલે છે ને? રવિવારની સર્વિસ કદી ચૂકતો નથી ને? સરસ, વેરી ગુડ. થેંક્સ! (કાકાને કારણ વગર થેંક્સ કહેવાની ટેવ હતી.) ઠીક, ચાલો હવે અમારે ઘરે. પાસે જ છે. ચાલો તમને અમારી ગૅરેટ બતાવું. ટાઇમ છે ને? અમે તો શું, ઓલ્ડ ફોક—ન પ્રવૃત્તિ, ન કામધંધો! હાં! હાં! હાં!” મેં કાકાનો હાથ પકડ્યો. ઘર પાસે જ હતું, પરંતુ ત્યાં સુધી પહોંચતાં અમને દસબાર મિનિટ લાગી. ઘરના અંધારિયા દાદર પરથી અમે ઉપર ચડવા માંડ્યા. નીચે એક છોકરી ઊભી હતી. કાકાએ તેને કહ્યું, “બગુ, જા જોઉં. સરસ મજાની બે કપ ચા બનાવી લાવ. નાઇસ ગર્લ. અરે, ના ન કહો. તમારે લીધે અમને પણ મળશે. હાં! હાં! હાં!” ઉપર એક નાનકડા ઓરડામાં અમે ગયા. સામાનબામાન બહુ નહોતો. એક શેતરંજી, તેની પર ગાદલાનો વીંટો. ભીંત પર રાજા રામમોહનરાય, ન્યાયમૂર્તિ રાનડે અને રામકૃષ્ણ ભાંડારકરનાં ચિત્રો હતાં. ઓરડામાં દાખલ થતાં જ કાકાએ આ ત્રિમૂર્તિને પ્રણામ કર્યા. લાકડી નીચે નાખી, ભીંતને અઢેલ્યા ને ઘસડાતા નીચે બેઠા. બે મિનિટ બોલી શક્યા નહીં. ખીસામાં મૂકેલો ખાદીનો કટકો કાઢીને આંખ ને નાક લૂછીને કાકા બોલ્યા, “સમાજનું ઠીક ચાલે છે કહ્યુંને? વેરી ગુડ—વેરી ગુડ, થેંક્સ. રવિવાર ચુકાવો ન જોઈએ હં! હમણાં સર્વિસનું ફાવશે નહીં. ધીરે ધીરે ટેવ પડશે. તુકારામના એકબે અભંગ ગાવા, પ્રેયર કરવી, આરતી બોલવી. બહુ થયું. કઈ આરતી બોલો છો હંમેશાં? ‘શરણ હું જગન્નાથ’ જ બોલવી. બહુ પૅથેટિક!” પૌત્રી ચા લઈને આવી. મેં ચા પીવા માંડી. કાકાએ ધ્રૂજતા હાથે ચા રકાબીમાં કાઢી. રકાબી હોઠ પાસે આવી. એટલી વારમાં હોઠ પર તે સાત્ત્વિક બાલહાસ્ય ચમક્યું. રકાબી અટકી. કાકા બોલ્યા, “સમાજ—સમાજના કામમાં રુકાવટ આવ્યા કરે તે ન ચાલે. માધવરાવજી ગયા. દાદા (ડો. ભાંડારકર) ગયા. પહેલાંની લાઇફ હવે રહી નથી; પણ સામે ખાઈમાં મડદાં પડે તોયે સોલ્જરે આગળ વધવું જ જોઈએ. A soldier must fight; must fight. મંદિરમાં ચારપાંચ માણસો આવે છે, કોઈકોઈ વાર તો હું એકલો જ હોઉં છું. A soldier must fight. દાદા ગયા પછી ઉપાસનામાં રુકાવટ આવવા દીધી નથી. અમસ્તો જ રઝળતો પીઠ સુધી જાઉં છું, બેસું છું, પ્રાર્થના કરું છું. બોલનારો હું, સાંભળનારો હું જ! Must fight! દરબારમાં હાજરી પુરાવવી જ જોઈએ. હાં! હાં! હાં!” મેં ચા પીવાનું યાદ કરાવ્યું. રકાબી ખાલી થઈ. ફરી પાછા કાકા બોલ્યા, “આ વખતે ઠાઠથી ઉત્સવ થવો જોઈએ હં કે? તમારા સમાજને પચાસ વર્ષ થયાં. સ્થાપના વખતે ઉમિયાશંકરની સાથે હું હતો જ પ્રયત્નો કરવામાં. મુંબઈ, અમદાવાદ ઉત્સવના પત્રો મોકલજો હં. હું આવું કે? બહુ દિવસથી નગરમાં આવવાનું મન થયા કરે છે. પણ કોણ લઈ જાય? લઈ જશો તો હું બિચારો આવીશ. કૌટુંબિક ઉપાસના કરીશ. મેમ્બર્સના ઘરે જઈને તેમનાં બાળકોને મળીશ. તેમના ચૂલા પાસે પ્રાર્થના કરીશ. લઈ જવાના હો તો પહેલાં જણાવજો. એંગેજમેંટ કરો એટલે અહીં કાંઈ કામ માથે નહીં લઉં. ઠીક, તમને મોડું થતું હશે. બે મિનિટ બેસો. થોડી પ્રેયર કરીએ. પછી જજો.” કાકાએ આંખ વીંચી. આંખમાંથી પાણી વહેવા માંડ્યું. કંપતા ઊડા અવાજે કાકાએ તુકારામનો એક અભંગ ગાયો અને નાનીશી પ્રાર્થના કરી. પ્રાર્થના બાદ કાકા બોલ્યા, “પરમાત્મન્, સમાજનું કાર્ય કરવા અમને ઇચ્છા દે, શકિત દે. તારા નામને અમારા દ્વારા સર્વત્ર પ્રસાર થવા દે. શાંતિ:! શાંતિ:! શાંતિ:!” પછી ઊડા, એકદમ ઊડા અસ્પષ્ટ તૂટક સ્વરે ‘તમસો મા જ્યોતિર્ગમય’ બોલ્યા. મારી આંખ સામે એ ગંદી ઓરડીમાંથી તે ગંદો વૃદ્ધ અદૃશ્ય થયો. હિમાલય ઓળંગીને આવનારા પહેલા આર્યનું સૂર્યનું મંત્રોચ્ચારપૂર્વક આવાહન મને સંભળાવા માંડ્યું. નૈમિષારણ્યમાં ગાયેલો સામવેદ મારા કાને પડ્યો. વૃદ્ધ કાકાને નમસ્કાર કરીને હું દાદર ઊતરીને નીચે આવ્યો. કાકા બારણું પકડીને દાદર પર ઊભા હતા. કટકાથી આંખો લૂછીને બોલ્યા, “વિઠ્ઠલરાવ, સમાજ—સમાજને ભૂલશો નહીં.” મૃત્યુ મોં ફાડીને સામે ઊભું હતું. તોયે કેટલો આ અદમ્ય આશાવાદ! થોડા દિવસ પહેલાં પુણે ગયો હતો. મંદિરમાં કાકાની જગા ખાલી હતી!

*