સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોદિની નીલકંઠ ઈશ્વર પેટલીકર પીતાંબર પટેલ/પા સદીમાં કેટલી પ્રગતિ?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પા સદીમાં (૧૯૩૭-૬૨) સામાજિક ક્ષેત્રો ગુજરાતમાં કેટલી પ્રગતિ થઈ? ગુજરાતે આ પચીસ વર્ષમાં ચારે દિશામાં પ્રગતિ કરી છે, એમ કહી શકાય. પચીસ વર્ષમાં કેટલી બધી શાળા-મહાશાળાઓ તથા યુનિવર્સિટીઓ સ્થપાઈ ગઈ છે? કન્યા-કેળવણીનું પ્રમાણ શહેરોમાં કેટલું વધી ગયું છે? કન્યાના લગ્નનું વય પણ સારી પેઠે વધ્યું છે. શહેરમાં હવે બાળલગ્નો થતાં નથી. કાયદાથી સ્ત્રીને વારસાનો હક મળ્યો છે. કદી ન છૂટે એવી જે હિન્દુ લગ્નગાંઠ મનાતી હતી, તે પણ હવે છૂટાછેડાના કાયદાથી ઢીલી પડી ગઈ છે. કોઈ વિધવા પુનર્લગ્ન કરે તો સાવ સ્વાભાવિક તો નહિ, છતાં ચલાવી લેવાય એવું પગલું ગણાય છે. કેટકેટલે ક્ષેત્રો સ્ત્રીએ પ્રવેશ કર્યો છે, તેની પચીસ વર્ષ ઉપર કોઈને કલ્પના ન હતી. આજે સ્ત્રી વકીલ, સ્ત્રી કલેક્ટર, સ્ત્રી પ્રધાન અને દરેક મોટી કચેરીમાં નોકરી કરતી સ્ત્રીની જરાયે નવાઈ રહી નથી. સ્ત્રી ડૉક્ટર, શિક્ષિકા તેમજ નર્સ તો પચીસ વર્ષ ઉપર હતી જ, પરંતુ તેમાં વધારો ઘણો થઈ ગયો છે. બાળકો તરફ વડીલોનો વર્તાવ બદલાવવા લખાણો લખાઈ રહ્યાં છે...... આ ચિત્ર રૂપાળું લાગે છે. પણ જરા થોભી જઈએ. શું ખરેખર છેલ્લા અઢી દસકામાં ગુજરાતમાં ઘણા સુધારા થઈ ગયા છે? શહેરોમાં જેવી પ્રગતિ છે, તેવી ગામડાંમાં છે? કન્યા-કેળવણીમાં ગામડાં હજી બહુ ધીમે આગળ વધે છે. ગામડાંમાં હજી અસંખ્ય બાળકોને પ્રતિવર્ષ પરણાવી દેવામાં આવે છે. પૈઠણ-વાંકડા હજી ચાલુ છે. સ્ત્રીને જે હકો કાયદાથી મળ્યા છે, તે વિશે ગ્રામવિસ્તારની સ્ત્રીઓ હજી ઘણે અંશે અજ્ઞાન છે. હરિજનો પ્રત્યેની સૂગનાં મૂળ બહુ ઊંડાં છે. ન્યાતજાતના વાડા ઘણા મજબૂત છે, દરેક ચૂંટણી વખતે જ્ઞાતિવાદ આગળ પડતો ભાગ ભજવે છે. મૃત્યુ પાછળ જમણો હજી થાય છે. હજી ઘણીખરી શાળાઓમાં તથા ઘણાંખરાં ઘરમાં બાળકોને મારપીટ કરવામાં આવે છે. સમાજમાં દંભનું પ્રમાણ વધ્યું પણ હોય. અને વહેમી માનસ પહેલાં જેવું જ પ્રવર્તમાન છે. જો સમાજ પ્રગતિ કરતો હશે તો પણ ગોકળગાયની ગતિથી, એવું જણાય છે. એમ કહી શકાય કે ડોશીએ આખી રાત દળ્યું, ત્યારે કોડિયું ભરાયું છે. વિનોદિની નીલકંઠ

*

જ્યારે મને કોઈ સવાલ કરે છે કે સમાજમાં શો સુધારો થયો? ત્યારે હું જવાબ આપું છું કે ઘણો મોટો સુધારો થયો છે. લોકોનો મોટો ભાગ રૂઢિના ઘરમાં ગોંધાયેલો છે, તે સાચું. પરંતુ પચીસ વર્ષ પહેલાં લોકોને ફરજિયાત રૂઢિમાં ગોંધાયેલા રહેવું પડે તેવી સ્થિતિ હતી. જો તેમાંથી બહાર નીકળે તો નાતીલાઓ એને નાત બહાર મૂકતા, સમાજમાં રહેવું એને માટે મુશ્કેલ બનતું. એમને નાઇલાજે રૂઢિને તાબે થવું પડતું. આજે લોકો રૂઢિના ઘરમાં પુરાઈ રહ્યા હોય તો જૂની આદતના માર્યા; બાકી એમને પુરાઈ રહેવું પડે અને બહાર નીકળી ન શકાય તેવી ભોગળ નાતે આજે મારેલી નથી. ઈશ્વર પેટલીકર

*

આજે કાર્યકરોને જેટલો રાજકારણમાં રસ છે તેવો રસ સામાજિક સુધારણામાં રહ્યો નથી. પરિણામે સામાજિક ક્રાંતિ માટે લોકશિક્ષણનું કાર્ય થવું જોઈએ તે થતું નથી. એવી મનોદશા કેળવાતી જાય છે કે હવે તો આપણી સરકાર છે એટલે કાનૂન કરીને સામાજિક સુધારનું કામ કરશે. ગામડાંમાં શાળાઓ વધે છે. કૉલેજનું શિક્ષણ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ગામડાંમાં પણ વધતી જાય છે. પણ શિક્ષણના પ્રમાણમાં સામાજિક જાગૃતિનું દર્શન ગામડામાં થતું નથી. આજે પણ ગામડામાં મરણ પાછળનાં બારમાં થાય છે, છડેચોક, બાળલગ્નો થાય છે, બાળક માંદું પડે તો દોરાધાગા કરાય છે, માતાજીનો કોપ ન થાય તે માટે અણુજો પળાય છે. અંધશ્રદ્ધા ને વહેમ એવાં ને એવાં છે. પોતાનાં સંતાનોને ભણાવવાનો પ્રશ્ન આવે ત્યારે પૈસાના અભાવે અસહાય બની જનાર માબાપો તેમનાં લગ્નમાં આંધળો ખર્ચ કરે છે. ગામડામાં જ્ઞાતિના અને ઊંચનીચના ભેદ તીવ્ર છે. આભડછેટ હોટલમાં પળાતી નથી, પણ વ્યવહારમાં તો હરિજનોને હડધૂત કરવામાં આવે છે. ગામડામાં છોકરીઓને ખાસ ભણાવતા નથી. પરિણામે સમાજમાં માનસિક કજોડાં ઊભાં થાય છે અને તે નવી સમસ્યાઓ પેદા કરે છે. સ્ત્રીઓ ઘૂમટો તાણ્યા વિના ગામડામાં નીકળી શકે જ નહિ, એવી સ્થિતિ પ્રવર્તે છે, પછી સમાન હકની તો વાત જ ક્યાં કરવી? પીતાંબર પટેલ