સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોદ ભટ્ટ/આ ઉમાશંકર અને પેલા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તેમના ઘણા લેખો ‘વાસુકિ’ ઉપનામથી લખાયા છે. ફૂંફાડાભર્યા તેમના સ્વભાવના સંદર્ભમાં જ તેમણે આ ઉપનામ રાખ્યું હોવું જોઈએ. ગુજરાતી લેખકોમાં તેમના ગુસ્સાનો ભોગ બનેલાઓ કરતાં નહિ બનેલાઓનાં નામોની યાદી આસાનીથી બનાવી શકાય. કવિ કઈ વાત પર ગુસ્સે થઈ શકે એ કલ્પવું અઘરું પડે. ને એક વાર ગુસ્સે થઈ જાય પછી સામી વ્યક્તિને પાણીથી ય પાતળી કરી નાખે. કવિ એક વાર ગુસ્સો કરી નાખે પછી ચંદનલેપ પણ લગાડી આપે. તેમનો ગુસ્સો મા જેવો હોય છે. મા બાળકને ગુસ્સાના આવેશમાં આવી જઈને કથોલું મારી બેસે ને પછી મનમાં ડુમાતી પાટાપિંડી કરે, એવું જ આપણા કવિનું યે છે. તેમનો ગુસ્સો ઘણી વાર પ્રેમમાંથી જન્મે છે. સામેની વ્યક્તિને તે પોતાની બુદ્ધિકક્ષાની કલ્પી લે છે; ને તેમની વાત સમજતાં વાર લાગે તો તેમનો પુણ્યપ્રકોપ ભભૂકી ઊઠે છે. એક વાર આ રીતે ગુસ્સામાં તેમણે ‘સ્નેહરશ્મિ’ને કહી દીધેલું : “તમે ઇન્ટલેકચ્યુઅલ છો કે કેમ એની જ મને તો શંકા છે!” તેમના હાથ નીચે એમ. એ. થયેલા એક (હવે તો સદ્ગત) લેખકને તે કોઈ વાર કહી દેતા : “તમે એમ. એ. થયા છો એવો અનુભવ ક્યારેક તો કરાવો!” પણ આ કવિને ગુસ્સો કરતાં આવડે છે એથી ય અદકી રીતે પ્રેમ કરતાં આવડે છે. ‘પ્રેમ’ નામના ચલણી સિક્કા પર જ તેમનો વ્યવહાર નભતો હોય છે. પોતાના કોઈ સ્વજનને ત્યાં જશે ત્યારે તે સ્વજનની પત્ની ઉપરાંત તમામ બાળકોનાં નામ પોપટની જેમ બોલી જઈ બધાંની ખબર પૂછી લેશે. જો બાળકો પોણો ડઝન હશે તો પોણોયે પોણો ડઝનનાં નામ તેમને મોઢે હશે. તેમની તીવ્ર યાદશક્તિ આદર ઊપજાવે એવી છે. મિત્રો-સ્નેહીઓ માટે બધું કરવાને સમર્થ હોવા છતાં તે મિત્રો માટે કશું જ નથી કરતા, એવા આક્ષેપ પણ તેમના પર મુકાય છે. તેમના આ પ્રકારના વલણથી તેમની નિકટના લોકોને કોઈક વાર એવું પણ લાગે કે તેમને અન્યાય થયો છે. કવિમાં સૂક્ષ્મ વિવેક પણ ઘણો. કહે છે કે તે ઉપકુલપતિના હોદ્દા પર હતા ત્યારે તેમણે એવો આગ્રહ રાખેલો કે પોતે આ હોદ્દા પર હોય ત્યાં સુધી તેમની કોઈ કૃતિ પાઠયપુસ્તક તરીકે ના ચાલવી જોઈએ. ઉમાશંકરમાં બીજા એક ઉમાશંકર બેઠા છે. એ બીજા ઉમાશંકરની એક આરસની પ્રતિમા આ ઉમાશંકરે ઘડી છે. એ પ્રતિમા ખંડિત થાય એવી કોઈ પણ ચેષ્ટા કવિ સહી શકતા નથી. પોતાના સફેદ સાળુ પર આક્ષેપનો કાળો ડાઘ પડવા ન દે, એવી વિધવા બ્રાહ્મણી સાથે કોઈએ તેમને સરખાવ્યા છે. કવિ કાજળ-કોટડીમાંથી ઊજળા રહીને બહાર નીકળનાર કીમિયાગર છે. નિષ્કલંક જીવન જિવાય એ માટે તે સદાય જાગ્રત રહે છે. પેલી ઇમેજ! અરીસાને બીજે છેડે ઊભેલા ઉમાશંકર આ ઉમાશંકરને ઠપકો આપે, એવું કશું જ તે નહિ કરે. આ ઉમાશંકર પેલા ઉમાશંકરનો ભારે આદર કરે છે. જ્ઞાનપીઠનું રૂપિયા પચાસ હજારનું ઇનામ પોતે ન રાખતાં ટ્રસ્ટ કરી દીધું. કવિ માટે પાંચ આંકડાની આ રકમ નાની ના કહેવાય. વળી, પૈસાનું મૂલ્ય કવિ નથી સમજતા એવુંય નથી. એક વાર મુંબઈના પરાના સ્ટેશને બુકિંગ ઑફિસવાળા સાથે બે પૈસા માટે તે લડી પડેલા, રિક્ષાવાળા સાથે પણ ચાર-આઠ આના માટે નાના-મોટા ઝઘડા તેમણે કર્યા છે. કંજૂસ લાગે એટલી બધી કરકસરથી તે જીવ્યા છે. આમ તો તે વેલ્યૂઝના માણસ છે. કદાચ એટલે જ, ભદ્દાપણાની તેમને ચીડ છે. કદાચ આથી જ, પોતાની ષષ્ઠિપૂર્તિ તેમણે ઊજવવા દીધી નથી. આ પ્રકારનું હાસ્યાસ્પદ કામ તેમણે નથી થવા દીધું. માણસ જન્મે ને જીવે તો સાઠનો થાય. એની વળી ઉજવણી શું? પત્રનો જવાબ આપવાની કુટેવ તેમણે પહેલેથી જ નથી પાડી. ‘સંસ્કૃતિ’માં તેમને મોકલવામાં આવેલી કૃતિ મળ્યાની પહોંચ, સ્વીકાર/અસ્વીકાર વગેરે બાબતના પત્ર લખવાની ઝંઝટમાં તે નથી પડતા. આપણા આ કવિ જીવનમાં જેટલા વ્યવસ્થિત છે એટલા જ અવ્યવસ્થિત પણ છે. તેમના ટેબલ પર ‘સંસ્કૃતિ’ અંગેનું કોઈ મેટર મુકાયું હોય તો તે શોધતાં કમમાં કમ પિસ્તાળીસ મિનિટ તો લાગે જ. ને પાછા મજાકમાં કહે પણ ખરા કે, અહીં કશું ખોવાતું નથી તેમ જલદી જડતું પણ નથી. કેટલીક વાર તો ખુદ પોતાનું પુસ્તક પણ ઘરમાંથી તે શોધી શકતા નથી, એટલે નજીકમાં રહેતા નગીનદાસ પારેખ પાસેથી તે મેળવવું પડે છે. તેમની પ્રસ્તાવના મેળવવાની ઇચ્છાવાળા ઘણા લેખકોનાં પુસ્તકો વર્ષો સુધી છપાઈને પડી રહ્યાંના અનેક દાખલા છે; એટલું જ નહિ, ખુદ તેમનું પોતાનું જ એક પુસ્તક પ્રસ્તાવનાની રાહ જોતું આઠેક વર્ષ સુધી છપાઈને પડ્યું રહેલું. આવી કેટલીક ક્ષણોમાં જ તે સાચુકલા કવિ લાગે. બાકીની ક્ષણોમાં વ્યવહારપટુ. ઉમાશંકરને જોઈને ઘણું બધું યાદ આવી જાય છે. ખાસ તો એ કે આપણી પાસે એક જ ઉમાશંકર છે. એક અને માત્ર એક જ. [‘કુમાર’ માસિક : ૧૯૭૮]