સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/જેમ ગાડીમાં, તેમ ગામમાં
Jump to navigation
Jump to search
સ્ટેશન પર ટિકિટ લેવા અનેક લોકો આવે છે. ટિકિટ-બારી પાસે સો માણસ ઊભા છે. દરેકને જુદી જુદી જગ્યાની ટિકિટ જોઈએ છે. બીજાને દૂર હડસેલીને તે પોતાની ટિકિટ લેશે. એકમેક સાથે કોઈ સંબંધ નથી. એક ગાડીમાં બેસશે, છતાંય કશો સંબંધ નથી. એક જ ગાડીમાં અડધો કલાક સાથે બેઠા રહેશે. કોઈ એક ઊતરી જશે તો બીજો આવશે. પાસેવાળા સાથે કશો સંબંધ નહિ.
જે ગાડીમાં થાય છે તેવું જ ગામમાં પણ થાય છે. ગામમાં સૌ પોતપોતાના સ્વાર્થમાં મગ્ન છે. એમાંથી કોઈ મરી જાય છે, કોઈનો જન્મ થાય છે. કોઈનો કોઈનીયે સાથે સંબંધ નહિ. આ સમાજ નથી, જમાવ છે. ગામમાં સહુ મળીને એક છે, સહુનો ઉદ્દેશ એક છે, સહુની ભાવના એક છે, એમ થવું જોઈએ.
પ્રાંત-નિર્માણ થઈ ગયું, રાષ્ટ્ર-નિર્માણ થઈ ગયું, પરંતુ હજી ગ્રામ-નિર્માણ થયું નથી! આ અજબ વાત છે. મકાનના બીજાત્રીજા મજલા બની ચૂક્યા છે, પરંતુ નીચેનું ભોંયતળિયું નથી બન્યું!