સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/નાની નાની વાતો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નાની નાની વાતોમાં પોતાની વાતનો આગ્રહ ન રાખવો. હા, જ્યાં ન્યાય કે સત્યની વિરુદ્ધ કાંઈ થતું હોય તો તેનો જરૂર વિરોધ કરવો. બાકી, સામાન્ય વાતોમાં આપણો આગ્રહ ન રાખવો. જે માણસ વારંવાર પૈસા ખર્ચ્યા કરે છે, તેની બધી પૂંજી ઝટ ખલાસ થઈ જાય છે. તો આગ્રહશકિત પણ માણસની પૂંજી છે, તેને નાની નાની બાબતોમાં ખરચી નાખવાની નથી. તેને તો મોટા કામ માટે, ક્યારેક સત્યનો આગ્રહ કરવો પડે, સત્યાગ્રહ કરવો પડે, તે માટે સાચવી રાખવાની છે. એટલે સામાજિક કામ કરનારાઓએ પોતાના મત માટે નિરાગ્રહની વૃત્તિ ખાસ કેળવવી જોઈએ. આની સાથોસાથ આપણી સંસ્થાઓનાં કામ સર્વસંમતિથી ચાલે, એવીયે આપણી કોશિશ રહે. સમૂહ ભેળો થાય ત્યારે આખા સમૂહનો એક જ વિચાર હોય, એવું બનવાનું નહીં. બધાના વિચારો તો ભિન્ન ભિન્ન રહેશે. પરંતુ તેમાંથી માર્ગ કાઢવો અને સર્વસંમતિથી નિર્ણય કરવો, એ લોકશાહી માટે જરૂરી છે. ક્યારેક બહુ મોટા મતભેદ ઊભા થાય ત્યારે પણ કોઈ લવાદ પાસે મૂકીને તેનો ફેંસલો કરવાની પ્રથા રાખવી જોઈએ. એક એવી માન્યતા રૂઢ થઈ ગઈ છે કે આપણે પોતાને માટે પરિગ્રહ ન કરીએ, પણ સંસ્થા માટે કરી શકીએ. આવો વિચાર-દોષ ઘણી બાબતમાં જોવા મળે છે. જેમ કે એક વ્યકિત માટે હિંસા કરવી ઉચિત નથી એમ સહુ માનશે, પરંતુ સમાજ માટે ને રાષ્ટ્ર માટે હિંસા કરવામાં પાપ નહીં માને. એવી રીતે સંસ્થા માટે પરિગ્રહ કરવામાં વાંધો નથી, એમ મોટે ભાગે મનાતું આવ્યું છે. એક દાખલો લઈએ. હું જોતો કે ચરખા સંઘના પૈસા બૅન્કમાં પડ્યા રહેતા, જેનું વ્યાજ તેને મળતું. હવે, વિચાર કરીએ કે આ વ્યાજ ક્યાંથી મળે છે? આપણા મૂકેલા પૈસા બૅન્ક બીજા ધંધાદારીઓને આપે છે, એમની પાસેથી વ્યાજ લે છે, અને પછી એ આવકમાંથી આપણને થોડુંક વ્યાજ આપે છે. એટલે એ બધા વેપારધંધામાં આપણા પૈસા રોકાય છે. એ બધા ધંધા આપણી સંસ્થાના ઉદ્દેશને અનુરૂપ જ હોય, એવું ન પણ બને. કદાચ આપણાથી સાવ વિરુદ્ધના ઉદ્દેશ માટે એ વેપારધંધા ચાલતા હોય, એવુંયે બને. આ એક પ્રકારનો ધનલોભ જ છે, જે આપણી સંસ્થાના ઉદ્દેશથી વિપરીત કામમાં સીધી કે આડકતરી રીતે આપણને સામેલ કરે છે. તેથી, પરિગ્રહ સંસ્થાને નામે થતો હોય તોપણ તે ખોટો છે, અને તેમાંથી બચવું જોઈએ. [‘ભૂમિપુત્ર’ પખવાડિક]